Abtak Media Google News
  • જમીન પ્રકરણમાં ફરિયાદી-આરોપી અને પોલીસના નિવેદનમાં જબરો તફાવત : ખરેખર વાસ્તવિકતા શું?

શહેરની ભાગોળે આવેલા માલીયાસણ ગામની 8 એકર જમીન પ્રકરણમાં પાંચ શખ્સોએ જમીન-મકાનના ધંધાર્થીને ધોકાવ્યાની ફરિયાદ કુવાડવા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં ફરિયાદી-આરોપી અને પોલીસ એમ ત્રણેયના નિવેદનો જુદા-જુદા આવતા આખેઆખો મામલો કંઈક જુદા જ હોય અને કંઈક અલગ સ્વરૂપ આપીને મલાઈ તારવવા પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક તબક્કે ફલિત થઇ રહ્યું છે.

કુવાડવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ભગીરથસિંહ સુરૂભા વાળા નામના જમીન લે-વેચ કરનાર યુવાને જણાવ્યું છે કે, તેઓ રેલનગરના ઓસ્કાર રેસીડેન્સીમાં રહે છે અને કરણ યાદવ સાથે ભાગીદારીમાં જમીન લે-વેચનો વ્યવસાય કરે છે. મનસુખભાઇ રોણકી નામના રિયલ એસ્ટેટ એજન્ટએ માલિયાસણ મુકામે આવેલ આઠ એકર જમીન બતાવી હતી. જે જમીન વિજય કિશોરભાઈ આંબાસણીયાની માલિકીની છે. ભગીરથસિંહ અને કરણ યાદવે આ જમીનનો રૂ. 2.5 કરોડમાં સોદો નક્કી થયો હતો અને ટોકન પેટે મનસુખભાઇ રોણકીની હાજરીમા નાના મૌવા રોડ ખાતેની ફરિયાદીની ઓફિસમાં રોકડ રૂ. 60 લાખ આપેલ હતા તેમજ બાકીના પૈસા દસ્તાવેજ સમયે આપવાનું નક્કી કરી સોદો નક્કી કર્યો હતો. તેમજ પંદર દિવસમાં દસ્તાવેજ કરી આપવાનું નક્કી થયું હતું પરંતુ જમીન માલિક દસ્તાવેજ કરી આપતાં ન હતા જેથી અવાર નવાર દસ્તાવેજ કરી આપવા માટે વાત કરતા હતા.

જે બાદ ગત તા. 10 જુનની રાતે આશરે સવા આઠ વાગ્યે ફરિયાદી તેનું એક્ટિવા લઈને માલીયાસણ ગામે વિજયભાઈ આંબાસણીયાને મળવા ગયેલા હતા. વિજયભાઈ આંબાસણીયાના ઘરનું સરનામું જાણતા ન હોય જેથી માલીયાસણ ગામના જાદવભાઈ ગોવાણીને સાથે લઈને તેઓ વિજય આંબાસણીયાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં વિજય અને તેના કાકા પ્રવીણ આંબાસણીયા હાજર હતા. આ બંને શખ્સોએ તું અમારા ઘરે કેમ આવ્યો તેમ કહી ઝઘડો કરવા લાગેલ હતા. ત્યારબાદ વિજયે કોઈકને ફોન કરીને ભગીરથસિંહ અમારા ઘરે આવેલ છે તેવું કહ્યું હતું. થોડીવાર બાદ ઈબ્રાહીમ જુણેજા તથા સાહીલ જુણેજા સ્થળ પર આવી પહોચ્યા હતા અને ચારેય લોકોએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારેલ હતો. તેમજ નજીક પડેલી ઈંટ વાસાના ભાગે મારો હતી. ઉપરાંત એક અજાણી વ્યક્તિએ લાકડાનો ધોકો જાદવભાઈના જમણા પગમાં માર્યો હતો. ઘણા બધા લોકો એકત્રિત થઇ જતાં બંને ઈજાગ્રસ્ત ભાગવા જતાં ચારેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.

ત્યાંથી નીકળી ભગીરથસિંહએ મયુર ભરતભાઈ રૂપારેલિયાને ફોન કરી કરી તેઓ ત્યાં આવી ગયેલ અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ લઇ ગયેલ હતા પરંતુ સરકારી હોસ્પિટલમાં ગભરામણ થતાં તેઓ તબીબની રજા લીધા વિના ઘરે ચાલ્યા ગયાં હતાને

હવે આ મામલે ફરિયાદી, પોલીસ અને આરોપી એમ ત્રણેયના નિવેદનો ફરિયાદમાં આપવામાં આવેલી વિગતોથી તદ્દન જુદી પડી રહી છે. એકતરફ ફરિયાદીએ અબતક સાથેની વાતચીતમાં એવુ જણાવ્યું છે કે, ઘટનાસ્થળેથી નીકળી ગયાં બાદ સામાપક્ષના લોકોએ પીછો કરીને જામનગર રોડના છેડે ફરીવાર હુમલો કરીને લૂંટ ચલાવી હતી જેનો ફરિયાદમાં ક્યાંય ઉલ્લેખ જ નથી. ઉપરાંત 60 લાખ રૂપિયા ટોકન પેટે આપ્યા જેની ચબરખી પણ લેવામાં આવી નહિ. સામાપક્ષે આરોપીઓ અલગ જ આક્ષેપ કરી રહ્યા છે.

ફરિયાદીએ ‘અબતક’ને આપેલી વિગતો

ફરિયાદી ભગીરથસિંહ સુરૂભા વાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માલીયાસણની 8 એકર જમીનના અવિભાજ્ય હિસ્સા પેટે વિજય આંબાસણીયા સાથે રૂ. 2.5 કરોડમાં સોદો કર્યો હતો. જે જમીનના ટોકન પેટે રૂ. 60 લાખની રોકડ આપી હતી. ટોકન બાદ દસ્તાવેજ માટે સમય લીધો પણ વેચનાર નહિ આવતા દસ્તાવેજ થયો ન હતો. જેના લીધે ભગીરથસિંહ વાતચીત કરવા માટે માલીયાસણ ગામે ગયાં હતા. પોતે ઘરે જોયું ન હતું એટલે જાદવભાઈને ફોન કરીને સાથે લઇ ગયાં હતા. જ્યાં પહોંચતા વિજયભાઈએ ઈબ્રાહીમને ફોન કરીને બોલાવ્યા હતા. ત્યારે ઈબ્રાહીમ અને સાહીલ આવી પહોંચ્યા અને અહીંથી નીકળી જા તેમ કહીને ભગીરથસિંહએ એક્ટિવા ચાલુ કરતા પાછળથી ઈંટના ઘા કરવામાં આવ્યા હતા અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જે બાદ માલીયાસણ બાયપાસ સુધી પીછો કરીને પાંચ લોકોએ ફરીવાર હુમલો કરી માર માર્યો હતો અને સોનાના ચેઇન, વીંટી સહીતની લૂંટ આચરી હતી. હવે ટોકનની રકમ કરણ યાદવે મનસુખભાઇ રોણકીની હાજરીમાં આપ્યા હતા. જયારે આ સોદો નક્કી થયો ત્યારે ભગીરથસિંહ સાસણ ખાતે હતા. જેથી તેમની પાસે જમીનના સર્વે નંબર, વેચનારના ઘરનું સરનામું, ભાગીદારોએ કેટલી કેટલી રકમ આપવાની, ટોકન આપ્યાની તારીખ સહીતની માહિતી નથી.

આરોપીએ ગુનો નોંધાયા પૂર્વે ‘અબતક’ને આપેલી માહિતી

મામલામાં કુવાડવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો તે પૂર્વે ઈબ્રાહીમ જુણેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ આખેઆખી ખોટી વાત છે. મારા ઘરે માઠો પ્રસંગ બન્યો હોવાથી હું શાંતિથી બેઠો છું પણ બાદમાં ફરિયાદ કરીશ. તેમણે જણાવ્યું હતું કે, આ લોકો ખોટા કાગળ ઉભા કરીને છેતરપિંડી આચરવા મથી રહ્યા છે. મારે આ લોકો પાસેથી 33.40 લાખ રૂપિયા લેવાના છે. જેના બદલામાં સામેવાળા મને પ્લોટ આપી રહ્યા હતા જે પ્લોટમાં હાલ કોર્ટ મેટર ચાલુ હતી જેથી મે આ પ્લોટ લેવાની ના પાડીને ટાઇટલ ક્લિયર પ્લોટની માંગણી કરી હતી પણ આ લોકો પૈસા દેવા માંગતા ન હોય તેથી પૈસાના જોરે આ બધું કરી રહ્યા છે. ભગીરથસિંહ જેના ઈશારે ચાલે છે તે શખ્સ વિરુદ્ધ અમારા જ વિસ્તારમાં અનેક જમીન પ્રકરણમાં ખોટું કર્યાની રાવ ઉઠેલી છે. મામલાની વાત કરતા જણાવ્યું હતું કે, આ લોકોએ મંજુલાબેન વિંઝુવાડિયા પાસેથી એક જગ્યાની સાથે બીજી જગ્યા પણ લઇ લીધી હતી. જે જગ્યાનું મારી પાસે નોટરાઈઝ લખાણ અને ચેકથી આપેલા પેમેન્ટની રસીદ હતી. મે ખેડૂત સાથે વાત કરતા તેમણે આ જમીન કોઈને નહિ વેચ્યાંની વાત કરી હતી. જે પછી ખેડૂત પાસેથી અમારે આ જમીનનો વહીવટ પૂર્ણ થઇ ગયો હતો અને અમને પેમેન્ટ મળી ગયું હતું. જે બાદ અમે નવી એક જગ્યા અન્ય એક ખેડૂતના નામે લીધી હતી. હવે આ જગ્યા પણ પરેશાન કરીને પડાવી લેવા માટે આખેઆખુ તુત ઉભું કરવામાં આવ્યું છે. જે મારામારીની વાત કરવામાં આવી છે તે સ્થળ પર સીસીટીવી કેમેરા હતા જેથી તેમાં આખી ઘટના કેદ થઇ ગઈ છે અને 50 જેટલાં લોકો હાજર હતા તેઓ પ્રત્યક્ષદર્શી છે. આ લોકો માલીયાસણ સર્વે નંબર 295ની જગ્યા પડાવી લેવા માટે આ બધું કરાવી રહ્યા છે.

પોલીસે આપેલી વિગતો

મામલામાં તપાસનિશ અધિકારી કે વી જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ આ સમગ્ર મામલામાં તપાસ ચાલી રહી છે. રૂ. 60 લાખ ટોકન પેટે આપવામાં આવ્યા હતા જેની કોઈ રિસીપ નથી પણ ઓફિસમાં આપવામાં આવ્યા હતા એટલે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત તમામ મુદ્દે તપાસ ચાલી રહી છે.

સમગ્ર મામલામાં શંકા ઉપજાવનાર મુદ્દાઓ

ફરિયાદી ભગીરથસિંહ કે જેઓ વિજય આંબાસરિયાંને મળવા ગયાં હતા તેઓને જમીનના સર્વે નંબરનો પણ ખ્યાલ નથી. આઠ એકર પૈકી કેટલી જગ્યા અવિભાજીત સંપત્તિ સ્વરૂપે લેવાની હતી તે બાબતનો ખ્યાલ નથી. પોતે સામાવાળાને ઓળખતા નથી જેથી ઘર પણ જોયું ન હતું. તેઓ પોતાની સાથે લૂંટ થયાનું જણાવી રહ્યા છે પણ ફરિયાદમાં ક્યાંય પણ લૂંટનો ઉલ્લેખ માત્ર નથી. તેમણે ફરિયાદમાં બે ભાગીદારનો ઉલ્લેખ કર્યો પણ અબતક સાથેની વાતચીતમાં ત્રણ ભાગીદાર હોવાનું જણાવી રહ્યા છે. સોદા સમયે તેઓ હાજર પણ ન હતા તેમજ ટોકન પેટે રૂ. 60 લાખ ક્યારે આપ્યા તે તારીખનો પણ તેમને ખ્યાલ નથી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.