૧૦ માળનો વોચ ટાવર ઉભો કરાશે જયાંથી સહેલાણીઓ આખા જંગલનો નજારો માણી શકશે: નાના ડુંગર ઉપર સનસેટ પોઈન્ટ બનાવાશે: ૧૦ કાચની એસી બસો વસાવાશે: મ્યુઝીયમ રિફ્રેશમેન્ટ હોલ, શોપિંગ મોલ, વોકીંગ સ્ટ્રીટ સહિતના આકર્ષણો બનાવાશે
સોરઠના સ્વર્ગ સમાન પર્યટન સ્થળ સાસણમાં ૩૦ કરોડના ખર્ચે યાત્રિકો માટે વિવિધ સુવિધાઓ ઉભી કરાશે, હવે સિંહ દર્શન કરવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓ સિંહ દર્શન ૧૦ માળના વોચ ટાવર ઉપરથી માણી શકાશે, ફોટોગ્રાફી કરી શકશે અને બાદ સાસણમાં રાત્રિ રોકાણ દરમિયાન ઈવનિંગ વોકની મોજ માણી શકાશે.જે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ ટૂંક સમયમાં બહાર પડશે.
સાસણ એ દુનિયા ભરના પ્રવાસીઓનું આકર્ષક પ્રવાસના સ્થળ તરીકે દિવસેને દિવસે વિકસી રહ્યું છે, દુનિયાનો પ્રવાસ શોખીન પ્રવાસી સોરઠના સાસણમાં ન આવે ત્યાં સુધી તેમની પ્રવાસ યાત્રા અધૂરી રહેતી હોવાનું સૌ માને છે, સાસણના નામે સિંહો, અને સિંહના કારણે સાસણ પણ હવે દુનિયાના નકશામાં એક આગવું સ્થાન ધરાવે છે.
વર્ષો પહેલા સાસણ એક જંગલમાં આવેલું નાનું એવું ગામ ગણાતું હતું પરંતુ આજે તો સાસણ એ પોતાની એક આગવી ઓળખ સિંહના કારણે કરી લીધી છે, તેમાં રાજ્ય સરકાર દ્વારા આ ગામને પયર્ટન સ્થળ તરીકે વિકસાવવામાં મહત્વનો ફાળો છે, એમાંય બિગ બી અમિતાભ બચ્ચને જ્યારે “સાસણ નહી દેખા તો કુછ નહી દેખા” તેવી પ્રવાસન વિભાગ માટેની એડ કરી છે ત્યારે આ સ્થળ પ્રવાસીઓનું એક આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.
જોગાનું જોગ સોરઠના પનોતા પુત્ર જવાહરભાઈ ચાવડા પણ હાલમાં પ્રવાસન મંત્રી હોય ત્યારે જૂનાગઢ સહિત જુનાગઢ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે વિખ્યાત બને તે માટે તેમના બાળપણના જે કંઈ સપના હતા તે પૂર્ણ કરવાનો મોકો મળ્યો છે, ત્યારે જૂનાગઢના ઉપરકોટ, ભવનાથ અને ઐતિહાસિક વિરાસતની સાથે સાસણને પણ પ્રવાસન ક્ષેત્રે એક વિદેશી સ્થળ જેવું આબેહૂબ સુવિધા સભર સ્થળ બને તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.
આ અંગે જૂનાગઢના પ્રવાસે આવેલા રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રવાસનમંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે સાસણ આવતા પ્રવાસીઓ સિંહ દર્શન સિવાયના સમયમાં પણ ખૂબ આરામદાયક અને આહલાદક રીતે સમય વિતાવી શકે અને તેમનો પ્રવાસ જિંદગીભરનું એક યાદગાર પ્રવાસ બની રહે તે માટે સરકાર દ્વારા ખૂબ જ સારા પ્રયત્નો કરવામાં આવ્યા છે, અને સાસણના વિકાસ માટે પ્રથમ તબક્કામાં રૂપિયા ૧૧ કરોડ, બીજા તબક્કામાં ૧૬ કરોડ અને ત્રીજા તબક્કામાં ૩ કરોડમાં એમ ત્રણ તબક્કામાં કુલ ૩૦ કરોડના ખર્ચે યાત્રિકોની સુવિધાના કામો હાથ ધરાશે.
પ્રવાસન મંત્રીના જણાવ્યા અનુસાર સાસણ પાસેના એક નાના ડુંગર ઉપર સનસેટ પોઇન્ટ બનાવવામાં આવશે, આ સિવાય દેવળીયા પાર્કમાં જંગલનો નજારો અને વિહરતા સિંહ, પ્રાણી, પક્ષીઓ ઊંચાઈએથી જોઈ શકાય એ માટે ૧૦ માળનો વોચ ટાવર બનાવાશે અને ત્યાં બેસી પ્રવાસીઓ ફોટોગ્રાફી પણ સરસ રીતે કરી શકશે.
આ સિવાય દેવળીયા પાર્કમાં ૧૦ નવી કાચની એસી બસ મૂકવામાં આવશે, જેમાં ટૂરિસ્ટને પાંજરામાં પુરાયેલાનો અહેસાસ નહીં થાય, પરંતુ નેચરલી વનમાં પ્રવાસ કરી રહ્યા હોય તે રીતે જંગલનો નજારો માણી શકશે, સાથોસાથ સિંહ દર્શન કરવા આવેલા પ્રવાસીઓ જ્યારે રાત્રે રોકાણ કરે ત્યારે તેમના માટે વન વિસ્તારમાં ઇવનિંગ વોક કરી જંગલની મજા માણી શકે તે માટે વોકીંગ સ્ટ્રીટ બનાવાશે, આમ સાસણમાં હવે નાઈટ વોલ્ટ કરવો એ પણ એક લહાવો બની જશે.
જવાહર ચાવડાએ વધુમાં એ પણ જણાવ્યું હતું કે, સાસણ ગીરના સિંહ સદનમાં મ્યુઝિયમ, રીફ્રેશમેન્ટ હોલ, શોપિંગ મોલ, સહેલાણીઓ માટે ટોઇલેટની સુવિધા ઊભી કરાશે અને છાયડામાં ગાડીઓ રહી શકે તેવી સુવિધા સાથે ટૂરિસ્ટો માટે રેસ્ટ હાઉસ બનાવાશે અને પીકનીક કરી શકે તેવી સુવિધા ઉભી કરાશે. આ ઉપરાંત સાસણમાં એક ખાસ પ્રવેશ દ્વાર મુખ્ય માર્ગ ઉપર ડેવલપમેન્ટ કરવાની સાથે દુકાનોનું બ્યુટી ફિક્શન કરાશે.
વધુમાં વધુ પ્રમાણમાં સાસણમાં પ્રવાસીઓ આવે અને તેમને પુરતી સુખ સુવિધા મળે, અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળે, સાથોસાથ સિંહ એક આગવું આકર્ષણ બની રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. અને એ માટે સરકારના આ સંનિષ્ઠ પ્રયાસો હોવાનુ પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ અંતમાં જણાવ્યું હતું.