યોજનામાં કરોડોનો ખર્ચ: આયોજનના અભાવે પૈસા પાણીમાં
શહેરમાં અનેક વિસ્તારોમાં હજુ ભૂર્ગભ ગટરનું કોઇ નામનિશાન ન હોવાની રાવ વઢવાણ શહેરમં અંદાજે રૂ. 45 કરોડના ખર્ચે ભૂર્ગભ ગટરની કામગીરી કરાઇ હતી. પરંતુ વર્ષો બાદ પણ હાલમાં વઢવાણ ભોગાવા નદી ધોળીપોળ જૂના પુલ નીચે તેમજ મોક્ષધામની બાજુમાં લાખોની કિંમતના ભૂર્ગભ ગટરોના પાઇપો ધૂળ ખાતા દેખાતા શહેરીજનોમાં અનેક સવાલો ખડા થયા છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરની જનતાની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે રૂ. 56 કરોડની પાણીની યોજનાનું કામ જીયુડીસી દ્વારા પુરૂ કરવા છતા દરરોજ અનેક જગ્યાએ પાણીની લાઇનો તૂટવાના કારણે પાણી વિતરણની મુશ્કેલી પડી રહે છે.
તો બીજી તરફ ભૂર્ગભ ગટરોમાંથી પણ ગંદા પાણીના કારણે શહેરીજનો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. કારણ કે વઢવાણ નગરપાલિકામાં 2005 બાદ મોટા ઉપાડે કરોડોના ખર્ચે ભૂર્ગભ ગટરનો પ્લાન સાથે કામગીરી કરાતા શહેરીજનોમાં આનંદ ફેલાયો હતો. આ તમામ કામગીરી જીયુડીસી દ્વારા થઇ હોવા છતાં પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. રૂ. 45 કરોડનાં ખર્ચે જમીનમાં ઉતારી દેવામાં આવેલી આ ગટરોનાં કામમાં કુંડીઓ પણ હલકી ગુણવતાવાળી તેમજ બિનઉપયોગી થઇ રહી હોવાના ઘાટ સર્જાયો છે.
જ્યારે કેટલાક વિસ્તારોમાં ગટર સાથે કુંડીઓનાં જોડાણ પણ જોડાયા ન હોવાની શહેરના નવા વિસ્તારો સહિતઆ કામગીરી બાકી હોવાની બૂમરાણો ઉઠી છે. આ અંગે મહેશભાઇ પરમાર, કિશોરભાઈ મકવાણા વગેરે જણાવ્યુ કે, જ્યાં ગટરો નાંખવામાં આવી છે ત્યાં હજુ સુધી પાણીનો નિકાલ થતો નથી.
પહેલા જે ખૂલ્લી ગટરો હતી તેમાંય આટલી મુશ્કેલી પડતી ન હતી. અવારનવાર ગંદા પાણી ભૂર્ગભ ગટરના બહાર આવતા ઘરોની આગળ તેમજ રસ્તા પર ગંદા પાણી ઉભરાતા રોગચાળાનો ભય રહે છે. માટે આ પાણીનો વ્યવસ્થીત નિકાલ કરવામાં આવે તો છાશવારે ફેલાતા આ ગંદા પાણીમાંથી મુક્તિ મળે. ભૂર્ગભ ગટરના પાણી બહાર આવતા રહીશોને જાતે સફાઇ કરવી પડે છે.