લોકોને છેક જૂનાગઢ, સુરેન્દ્રનગર અને ધોરાજી સુધી ધક્કા ખાવા પડતા હોવાની રાવ: ઘણી વખત નોટિસ મોકલાયા વગર જ ટેલીફોનિક જાણ કરાતી હોવાની ફરિયાદો: રાજ્યમાં કોરોનાના કેસ પીક ઉપર છે ત્યારે ચોપડા-બીલો સાથે હાજર રહેવાની વકીલો અને એકાઉન્ટન્ટને મજબૂરી
વેટ એસેસમેન્ટ આગામી ૩૧મી સુધીની સમય મર્યાદા છે. પરંતુ જલ્દી-જલ્દી કામ આટોપી લેવાની લ્હાયમાં એસેસીઓને છેક જૂનાગઢ, સુરેન્દ્રનગર અને ધોરાજી સુધી ધક્કા ખવડાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. કેટલાક કિસ્સામાં નોટિસ આપવામાં આવતી નથી અને નોટિસ ઈ-મેઈલ માધ્યમથી મોકલાઈ હોવાનો દાવો કરવામાં આવે છે. જો કે, એકાએક ટેલીફોનિક જાણ કરવામાં આવતા વેટ એસેસમેન્ટ માટે ચોપડા, બીલ સહિતનું લઈને ધક્કા ખાવા પડે છે. વેટ ઓડિટ આકારણી ૨૦૧૫-૧૬ રિ-એસેસમેન્ટ તેમજ વર્ષ ૨૦૧૬-૧૭ની કામગીરી પૂર્ણ કરવાનો સમય વધુ છે. અલબત હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે વેપારીઓ અને વકીલોને અન્ય ક્ષેત્રોમાં જઈને પણ એસેસમેન્ટ કરાવવાની મજબૂરી ઉભી થઈ છે.
આવી સ્થિતિમાં એસેસમેન્ટ માટે જેતે સ્થળે જવાની જગ્યાએ વેટના કર્મચારીઓ જ વેપારી-વકીલ પાસે આવી એસેસમેન્ટ કરી જાય તેવી માંગણી પણ કરવામાં આવી છે. વેટ ખાતા તરફથી આકારણી પૂર્ણ કરવા માટે અધિકારી તરફથી નોટિસ-સ્મૃતિ પત્ર ફોન દ્વારા અપાય છે. કોરોનાની પરિસ્થિતિમાં વેપારી વર્ગ પર એક પ્રકારનું દબાણ ઉભુ થતું હોય. બીજી તરફ એકાએક નોટિસના કારણે મુંઝવણ પણ ઉભી થાય છે. જેથી આકારણી માટે તારીખને લંબાવવી પણ શકાય તેવી માંગ ઉઠી રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ પીક ઉપર છે ત્યારે ચોપડા-બીલો સાથે વકીલો અને એકાઉન્ટન્ટને ધક્કા ખાવા પડી રહ્યાં છે. વેપારીઓ હેરાન-પરેશાન છે. કોરોનાકાળમાં સરકારે જરૂર વગર બહાર ન નીકળવા આદેશ કરેલ છે ત્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્યવાહીને લઈ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેટ ઓડિટ આકારણી વર્ષ ૨૦૧૫-૧૬ રી-એસેસ્ટમેન્ટ તેમજ વર્ષ ૨૦૧૬-૧૭ તથા ૨૦૧૭-૧૮ની કામગીરી ચાલી રહી છે. આ બાબતે ઉચ્ચકક્ષાએથી આદેશો મળ્યા હોય તેમ સંપૂર્ણ કામગીરી મહિનાના અંતે પૂરી કરી નાખવાની છે. આ કામ ઉતાવળ્યું છે. જેના કારણે અનેક લોકો હેરાન થઈ રહ્યાં છે.