ત્રીજીથી તમામ ઉત્પાદકીય, ઔદ્યોગિક પ્રવૃતિ શરૂ કરાવો: અડધો અડધ જીએસટી ઘટાડો :સોમાની વડાપ્રધાનને રજૂઆત
લોકડાઉનના કારણે ઉત્પાદન અને ઔદ્યોગિક પ્રવૃતિને માઠી અસર થઇ હોય સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશને ઉત્પાદકો, ઉઘોગો માટે રાહત પેકેજ આપવા માંગણી કરી છે. ત્રીજી મેથી લોકડાઉન પૂર્ણ કરી ઉત્પાદન, ઔઘોગિક પ્રવૃતિ ચાલુ કરવા સરકારને રજુઆત કરી છે.
સોમાના પ્રમુખ સમીરભાઇ શાહે વડાપ્રધાનને રજુઆત કરી જણાવ્યું છે કે સરકારે ઉત્પાદન, ઔઘોગિક એકમો માટે રાહત પેકેજ આપવા માંગણી કરી છે. કોરોનાના સામે લડવામાં દેશમાં પ્રથમ ૧૪ એપ્રિલ સુધી અને બાદમાં ૩ મે સુધી લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉનની સારી અસર થઇ છે અને કોરોનાના પ્રસાર રોકવામાં આપણને મહદ અંશે સફળતા મળીછે.
કોરોના સામે લડતી વેળાએ ગરીબ અને વંચિતોને માઠી અસર થતાં સરકારે તેમના માટે વિવિધ રાહતો જાહેર કરી છે પણ ઉઘોગો માટે કોઇ રાહત કે પેકેજ જાહેર કરાયા નથી.
સતત દોઢ માસ જેવો સમય ઉઘોગો બંધ રહેતા ઉત્પાકીય, ઓદ્યોગિક પ્રવૃતિને માઠી અસર થઇ છે. સરકારે ગરીબ, શ્રમિકો માટે જે રીતે રાહત સહાય જાહેર કરી છે તે રીતે ઉઘોગ માટે પણ રાહત પગલા લેવા જોઇએ.
સોમાએ વધુમાં જણાવ્યું છે કે ત્રીજી મેથી તમામ ઉત્પાદકીય, ઔઘોગિક પ્રવૃતિ ચાલુ કરી દેવી જોઇએ, જીએસટીમાં અડધો અડધ ઘટાડો કરવો જોઇઅ,. ઉઘોગોની વર્કીંગ લોનના વ્યાજમાં ત્રણ મહીના રાહત આપવી જોઇએ. આ ઉપરાંત બેન્કોએ વધારાની કોઇપણ સલામતિ કે મોર્ગેજ વિધિ કરાવ્યા વિના ૧૦ ટકા વધુ લોનની સગવડ કરી આપવી જોઇએ. આ ઉપરાંત જીએસટી અને આવકવેરાના અટવાયેલા રીફંડ તાત્કાલીક મંજુર કરી નાણા ચૂકવવા જોઇએ તેવી આ આવેદનમાં માંગણી કરવામાં આવી છે. રિઝર્વ બેંકે બેંક લોનના હપ્તા ત્રણ માસ સુધી લંબાવી દેવા જણાવ્યું છે પણ આ રાહત ઉપયોગી બની શકે તેમ નથી તેમ જણાવી તાત્કાલીક સહાય પેકેજ તૈયાર કરી ઉઘોગોને રાહત આપવા રજુઆત કરાઇ છે.