૨૦૨૧માં ભારતીય કાર બજાર ૩૦% ની વૃદ્ધિ કરશે: મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિન્દ્રા ટાટા મોટર્સ, રેનોલ્ટ સહિતની કાર કંપનીઓ દ્વારા નવી પ્રોડક્ટ લોન્ચ થશે
વર્ષ ૨૦૨૧માં લોકોને હરવા-ફરવા અને મોજ ફરવા માટેની મોકળાશ કાર બજાર માટે ફાયદાકારક નીવડશે
મનુ ભાઈની મોટર ચાલી પમ પમ પમ, ચોપટી જાયેંગે, ભેલ પુરી ખાયેંગે, અચ્છી અચ્છી સુરતો સે અખિયા મિલાયેંગે… જેવી મોકળાશ ૨૦૨૦ને બાનમાં લેનારો કોરોના વાયરસ નથાતા વર્ષ ૨૦૨૧માં મળશે. જેના પરિણામે ચાલુ વર્ષે ભારતનું કાર માર્કેટ ૩૦ ટકાની વૃદ્ધિ સાથે પુરપાટ દોડશે.
વર્ષ ૨૦૨૦ કોરોના મહામારીના કારણે લોકો માટે ખુબ અઘરું વર્ષ બની ગયું હતું. માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, લોકડાઉનના કારણે ઘરમાં રહેવા અને ટોળામાં એકત્ર ન થવા સહિતના નીતિનિયમો એ લોકોને અકળાવી દીધા હતા જોકે હવે કોરોનાને નાથવા માટે ની રસી હાથવેંતમાં જ છે જેથી ૨૦૨૧ નવી આશા અને ઉમંગનું વર્ષ બની રહેશે. લોકોને મોકળાશ મળતા પ્રવાસનના સ્થળોએ જમાવડા જોવા મળશે આખું વર્ષ હરવા-ફરવા અને મોજ કરવા માટે પ્રતિબંધો આડસરૂપ રહ્યું હતું જોકે હવે સ્થિતિ બદલાશે, જેના પરિણામે કાર બજારમાં વધુ લેવાલી જોવા મળશે.
વર્ષ ૨૦૨૧ માં ભારતીય કાર બજાર વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતી કાર બજાર પૈકીનું બીજા ક્રમનું બજાર બની જશે. અમેરિકાનું કાર બજાર પ્રથમ ક્રમે આવે છે. લોકો વ્યક્તિગતો વાહન તરફ વળશે. વર્ષ ૨૦૨૧ માં ૨૩ થી લઇ ૩૨ ટકાનો વૃદ્ધિદર કાર વેચાણમાં જોવા મળી શકે છે. વર્ષ ૨૦૧૦માં આ પ્રકારનો વૃદ્ધિ દર જોવા મળ્યો હતો ત્યારબાદ ઓટોમોબાઈલ સેકટર માટે કેટલાક વર્ષો વેચાણમાં સંતુલિત રહ્યા હતા. માત્ર કારનું વેચાણ જ નહીં પરંતુ કોમર્શિયલ વાહનોમાં પણ ૪૦ ટકાના ઉછાળા સાથે વિકાસ કરશે તેવું આંકડા કહી રહ્યા છે. ૨૦૨૧માં ઉત્પાદકો અલગ-અલગ ૫૬ પ્રોડક્ટ બજારમાં મૂકશે.
કારના એન્ટ્રી સેગમેન્ટમાં મારુતિ સુઝુકી તેમજ હ્યુન્ડાઇ પોતાના નવા ઉત્પાદનો મૂકવા તૈયાર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત મહિન્દ્રાની એક્સયુવી પણ બજારમાં જોવા મળશે. વર્ષ ૨૦૨૦માં પેસેન્જર વ્હિકલનું વેચાણ ૧૮ ટકા જેટલું ઘટી ગયું હતું જેની પાછળ લોકડાઉન અને કોરોના મહામારી કારણભૂત છે. જોકે વર્ષ ૨૦૨૧ માં ઘણા અવરોધો દૂર થશે અને લોકોને મોકળાશ મળશે. હરવા-ફરવાની મોકળાશના કારણે બજારમાં તેજી પણ રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે લાગેલા આર્થિક ફટકા બાદ સ્થિતિ થાળે પડતી જાય છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલરના વેચાણમાં મહદંશે વધારો પણ જોવા મળ્યો છે. ૨૦૨૧ની શરૂઆતથી જ જાણે રફતાર પકડી છે. ટોચની કંપનીઓ દ્વારા ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં વાહનો વેચાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, જેને લઇને મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિન્દ્રા ટાટા મોટર્સ, રેનોલ્ટ સહિતની કાર કંપનીઓ દ્વારા નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે.એકંદરે એમ કહી શકાય કે પર ૨૦૨૧માં ખ્યાતનામ ગીત ’મનુભાઈની મોટર ચાલી પમ પમ પમ’ની પંક્તિઓ મુજબ લોકો હરવા-ફરવાની મોકળાશ નો ફાયદો ઉઠાવશે જેની સકારાત્મક અસરફ ભારતીય ઓટો સેક્ટરને અને એમાં પણ ખાસ કરીને કાર ઉદ્યોગને થશે.