સૌથી વધુ વેક્સીનેશન માટે નાનામવા આરોગ્ય કેન્દ્રને રૂા.21,000નું ઇનામ
અબતક, રાજકોટ
કપડાની ફેરી કરતા મનુભાઇ લોલાડીયાએ સપનાંમાં પણ ક્યારેય નહીં વિચાર્યુ હોય કે તેઓએ ભવિષ્યમાં એપલ-11 ફોન કે જેની કિંમત 50,000 છે. તે વાપરશે. ક્યારે વ્યક્તિના નશીબના આડેથી પાદડું ખશી જાય તે સમય જ કહી શકે છે. તાજેતરમાં મહાપાલિકા દ્વારા એવી યોજના મુકવામાં આવી હતી કે વેક્સીનનો બીજો ડોઝ લેનાર નશીબવંતા નાગરિકને લક્કી ડ્રો દ્વારા 50,000ની કિંમતનો સ્માર્ટ ફોન આપવામાં આવશે. ગઇકાલે આ યોજના અંતર્ગત યોજાયેલા લક્કી ડ્રોમાં મનુભાઇનું નશીબ ઉઘડી ગયું હતુ અને તેઓનું નામ લક્કી ડ્રોમાં નીકળતાં પદાધિકારીઓ દ્વારા એપલ-11 સ્માર્ટ ફોન આપવામાં આવ્યો હતો.
વેક્સીનેશનને પ્રોત્સાહન મળે તે માટે વેક્સીનનો બીજો ડોઝ લેનારા લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 50,000/- સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રો થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સીનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ. 21,000/-નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે, તેમ જાહેર કરવામાં આવ્યુ હતું. ગઇકાલે સાંજે મેયર ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળાની ઉપસ્થિતિમાં કોમ્પુટરરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો. જેના લક્કી ડ્રો માં મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાનું નામ જાહેર થયેલ તથા સૌથી વધુ વેકસીનેશનની કામગીરી માટે નાનામવા આરોગ્ય કેન્દ્ર પસંદ થયું હતું.
લકકી ડ્રો અનુંસધાને ગઈકાલે વિજેતા લાભાર્થી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાને મેયર, કમિશનર તથા પદાધીકારીઓના હસ્તે સ્માર્ટ ફોન (ઈલેવન એપલ)આપવામાં આવ્યુ હતું. સૌથી વધુ વેકસીનેશનની કામગીરી માટે નાનામવા આરોગ્ય કેન્દ્ર ટીમને રૂ.21000 નું રોકડ પુરુસ્કાર પણ આપવામાં આવેલ, લાભાર્થી મનુભાઈ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા, તેઓ એરપોર્ટ પાસેના અમરજીત નગરમાં રહે છે અને કપડાની ફેરીનો વ્યવસાય કરેલ છે, અને તમામ પદાધિકારીઓએ મનુભાઈને શુભેચ્છા પાઠવી હતી અને તેમના વિસ્તારમાં વધુને વધુ વેક્સીનેશન થાય તેવા પ્રયાસ અનુરોધ કર્યો હતો.
આ લક્કી ડ્રો યોજનામાં કુલ 36897 શહેરીજનોએ બીજા વેક્સીનનો ડોઝ લીધેલ અને તમામ આરોગ્ય કેન્દ્ર પૈકી નાનામવા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા 11636 લોકોને વેક્સીન આપી અગ્રતા પ્રાપ્ત કર્યો હતો.