• બાવીસ વર્ષીય મનુએ 10 મીટર ઍર પિસ્તોલ વિમેન્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો અને એ સાથે તે ઑલિમ્પિક ગેમ્સની શૂટિંગમાં ભારતને મેડલ અપાવનારી પ્રથમ મહિલા શૂટર બની

પેરિસ ઑલિમ્પિક્સમાં નિશાનબાજ મનુ ભાકરે ભારત માટે મેડલની યાદીમાં શ્રીગણેશ કર્યા છે. શુક્રવારની ઓપનિંગ સેરેમની પછી રવિવારના બીજા જ દિવસે ભારતે ચંદ્રક જીતી લીધો છે. બાવીસ વર્ષની મનુએ 10 મીટર ઍર પિસ્તોલ વિમેન્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો અને એ સાથે તે ઑલિમ્પિક ગેમ્સની શૂટિંગમાં ભારતને મેડલ અપાવનારી પ્રથમ મહિલા શૂટર બની છે. ત્રણ વર્ષ પહેલાં (2021માં) ટોક્યો ઑલિમ્પિક્સમાં મનુની પિસ્તોલ ખરાબ થઈ જતાં તેનું અભિયાન ત્યાં જ અટકી ગયું હતું. ત્યારે તે ખૂબ રડી હતી, પણ રવિવારે મેડલ જીતી લેતાં તેની ખુશીનો કોઈ પાર નહોતો. પેરિસના શૂટિંગ માટેના સેન્ટરમાં એક કલાક અને 15 મિનિટ સુધી ફાઇનલને લગતું જે સત્ર ચાલ્યું એમાં તે શરૂઆતથી છેક સુધી એકાગ્રતા અને ધૈર્ય બનાવી રાખવામાં સફળ રહી હતી. ભારતને 2012ની લંડન ઑલિમ્પિક્સ બાદ પહેલી વાર શૂટિંગનો મેડલ મળ્યો છે અને એ ગૌરવ મનુ ભાકરે અપાવ્યું છે. મનુ હરિયાણાના ઝજ્જાર જિલ્લામાં રહે છે. તેનો જન્મ 2002ની 18મી ફેબ્રુઆરીએ આ જિલ્લાના ગોરિયા ગામમાં થયો હતો. તેણે નાનપણમાં જ નિશાનબાજીમાં કૌશલ્ય બતાવ્યું હતું. જોકે નિશાનબાજી પહેલાં તે મુક્કાબાજી, ટેનિસ અને સ્કેટિંગ જેવી બીજી રમતો પણ ખૂબ રમતી હતી અને એની નેશનલ ગેમ્સમાં ચંદ્રકો જીતી હતી. તે માર્શલ આર્ટ્સમાં પણ કુશળ હતી. મનુના પપ્પા રામકિશન ભાકર મર્ચન્ટ નેવીમાં ચીફ એન્જિનિયર છે. તે ટીનેજ વયની હતી ત્યારે પપ્પાએ આપેલા દોઢ લાખ રૂપિયાના રોકાણ સાથે પુત્રી મનુએ શૂટિંગમાં તાલીમ લેવાનું અને હરીફાઈઓમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું.

2017માં મનુ પ્રથમ આંતરરાષ્ટ્રીય ચંદ્રક જીતી હતી. ત્યારે તે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી હતી. એ જ અરસામાં તેણે દેશની ટોચની શૂટર તથા વર્લ્ડ કપમાં ચંદ્રકો જીતી ચૂકેલી હીના સિધુ (ગોરેગામમાં રહેતા શૂટર રોનક પંડિતની પત્ની)ને તેનો જ રેકોર્ડ તોડવાની સાથે હરાવીને ભારતીય શૂટિંગ જગતને ચોંકાવી દીધું હતું.

શૂટિંગમાં મનુ ભાકર અનેક નાના-મોટા મેડલ જીતી છે!

  • (1) પેરિસ ઑલિમ્પિક્સમાં એક બ્રોન્ઝ મેડલ
  • (2) વર્લ્ડ કપમાં કુલ નવ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ
  • (3) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ
  • (4) કોમનવેલ્થ ગેમ્સમાં એક ગોલ્ડ મેડલ
  • (5) એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ મેડલ
  • (6) એશિયન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ
  • (7) એશિયન ઍરગન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ
  • (8) યુથ ઑલિમ્પિક ગેમ્સમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ
  • (9) જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ
  • (10) જુનિયર વર્લ્ડ કપમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ
  • (11) વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ

પીએમ મોદીએ મનુ ભાકરને ફોન કરી અભિનંદન પાઠવ્યાં

પીએમ મોદીએ ફોન પર કહ્યું, ’તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારી સફળતાના સમાચાર સાંભળ્યા પછી, હું ઉત્સાહિત અને ખુશ છું. જોકે સિલ્વર મેડલ પોઈન્ટ વન (.1)ને કારણે રહ્યો હતો. પરંતુ તેમ છતાં તમે દેશને ગૌરવ અપાવ્યું. તમને બે પ્રકારની ક્રેડિટ મળી રહી છે. પ્રથમ, તમે બ્રોન્ઝ મેડલ લાવ્યા છો અને શૂટિંગમાં મેડલ લાવનાર ભારતની પ્રથમ મહિલા છો. મારા તરફથી અભિનંદન. તેણે કહ્યું, ’જુઓ, ટોક્યો ઓલિમ્પિકમાં રાઈફલે તમારી સાથે દગો કર્યો. પરંતુ આ વખતે તમે બધી ખામીઓ પૂરી કરી લીધી છે. મને પુરી આશા છે કે તમે ભવિષ્યમાં પણ સારું પ્રદર્શન કરશો.શરૂઆત ખૂબ જ સારી છે, તેના કારણે તમારો ઉત્સાહ પણ વધશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તેનાથી દેશને પણ ફાયદો થશે. શું બીજા બધા સાથીઓ ત્યાં ખુશ છે? તમારી મહેનતનું ફળ મળવાનું છે. તમે ઘરના લોકો સાથે વાત કરી? તમારા પિતા પણ ખૂબ ખુશ થશે કારણ કે તેમણે તમને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.