અજેય રહેલું મોત આજ પર્યંત કોઈથી ડર્યું નથી, જેમ કાળની ગતિને કોઈ થંભાવી શકતું નથી, તેમ મોતના પંજાને પણ કોઈ કચડી શક્યું નથી
ઉતાવળું મન
પિતાના મૃત્યુથી નાગવાળાના હૈયા પર ભારે ચોટ લાગી ગઈ હતી. એકાદ મહિના પર્યંત નાગવાળાનું મન ભારે ઉદાસ રહ્યા કર્યું.
સવિયાણાની રાજગાદી પર તેનો અભિષેક થયો. પિતાની પાછળ એક ચોર્યાશી જમાડી, આખા ગામને જમાડ્યું અને ગરીબગુરબાંઓને પુષ્કળ દાન આપ્યું. સગાંસંબંધીઓ અને અન્ય નાનાંમોટાં રાજ્યોના પ્રતિનિધિઓ ખરખરા માટે આવતા રહ્યા … આ બધું થઈ ગયું … પણ નાગવાળાનાં નયનો પર ઘેરી વળેલી ઉદાસીનતા અળગી ન થઈ.
પિતાના મૃત્યુના કારણે હોળીનો તહેવાર ક્યારે અને કેવી રીતે પૂરો થઈ ગયો એ વાતનો ખ્યાલ પણ જાણે નહોતો રહ્યો.
એના સસરા પણ આવ્યા હતા અને આઠ દિવસ પર્યંત રોકાઈ રાજકાર્યની સઘળી વ્યવસ્થા કરીને પાછા ગયા હતા… પરંતુ નાગવાળાના હૈયા પર પડેલો ઘા જાણે એવો ને એવો આળો રહી ગયો હતો.
પ્રાણીમાત્ર માથે મોત તો રહેલું જ છે. કોઈ આજ તો કોઈ કાલ આ સંસારની વિદાય લેવાનું જ છે. મોતને કોઈ તાકાત રોકી શકતી નથી. આભને થોભ આપનાર વીર પુરુષો , ભગવાનને ધરતી પર લાવનારા ભક્ત પુરુષો , સૂર્યચંદ્રના ભેદ જાણનારા યોગી પુરુષો કે મહાન વૈજ્ઞાનિકો પણ મોતને જાકારો આપી શક્યા નથી… કોઈ પણ યુગમાં મોત પર વિજય મેળવવાનું માનવીનું સ્વપ્ન સિદ્ધ પણ થવાનું નથી . અજેય રહેલું મોત આજ પર્યંત કોઈથી ડર્યું નથી. જેમ કાળની ગતિને કોઈ થંભાવી શકતું નથી તેમ, મોતના પંજાને પણ કોઈ કચડી શક્યું નથી. આ વાત નાગવાળો સમજતો હતો. છતાં પિતાના મૃત્યુનો આઘાત તેને ભાગે ગંભીર અને ઉદાસ બનાવી ગયો હતો.
આલણદે પણ સ્વામીના ચિત્તને અન્યત્ર વાળવામાં અસફળ બની હતી. રંગમસ્તી તો દૂર રહી પણ નાગવાળાના ચિત્તમાં ફેલાયેલી શોકની છાયા કે દૂર નહોતી થતી. લગભગ સવા મહિનો વીત્યા પછી એક રાતે આલણદેએ નાગવાળાને કહ્યું : ‘દરબાર, મરનારનું દુ:ખ તો સઉને
થાય … પણ આપના જેવી ઉદાસી કોઇને નો રીયે ! શું ઉદાસ રે‘વાથી મોટા બાપુ પાછા આવવાના છ?’
ે નાગવાળાએ કશો . ઉત્તર ન વાળ્યો, માત્ર પત્ની પાસે ઉદાસ નજરે જોયું.
આણદેએ કહ્યું : ‘અવસ્થા થાય એટલે સહુને વદા લેવી પડેે છે ! મોટા બાપુ તો તમારા જેવા દીકરાને ને ભર્યા ભાદર્યા ઘરને મૂકીને ગયા છે … એમને કોઇ પાંતીનો ઓરતો પણ રીયો નથી , આમ છતાં તમારા મનને એવું શું થયું છે એ મેથક્ષ તો કાંઈ સમજાતું નથી’
‘આલણ, હું બધું ય સમજું છું. મોટો ગીયા એનું મને કોઈ દુ:ખ નથી …. જન્મેલાંને એક દી તો ગયા વગર ચાલવાનું નથી . પણ એમની હૂંફ મારા માટે મોટી વાત હતી . એમની મમતા અનેક પ્રસંગો મારી નજર આગળ તરવર્યા કરે છે !’
આલણદેએ વ્યંગભર્યા સ્વરે કહ્યું કે ‘દરબાર સગો જુવાનજોધ દીકરો કે ઘણી ચાલ્યો જાય તો ય અસ્ત્રી બધુ દખ મનમાં સમાવી દે છે ! તમારું મન તો અસ્ત્રી કરતાં ય સાવ કુણું નીકળ્યું ! શું, દુનિયામાં કોઇનાં મા – બાપ નિહ મરી જાતાં હોય ?’
‘તને નઇ સમજાય …’ કહીને નાગવાળો પડખું ફરીને સુઈ ગયો.
આલણદે કંઇક અકળામણ અનુભવતી બે પળ પર્યત પતિની પીઠ તરફ જોઈ રહી. ત્યાર પછી પતિની પીઠ પર હાથે મૂકીને બોલી, ‘ તમે આ રીતે ભાંગી જશો તો રાજકારણની જવાબદારી કોણ સંભળાશે?’
નાગવાળો કંઇ બોલ્યો નહિ
આલણદેએ ધણીનું મોઢું પોતા તરફ વાળવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘શું એટલી વારમાં નીંદર આવી ગઇ?’
‘આવતી’તી ને તે અટકાવી, આલણ, તને નઈ સમજાય ! મરમી હોય તેને જ મનનો ઘા કેવો હોય એની ખબર પડે !’
‘મને ઈ જ સમજાતું નથી કે આમાં ઘા કઈ જાતનો ? હું અવસ્થાએ પહોંચેલો બાપ સદાકાળ બેસી રે’તો હશે ? દરબાર, મને મરદનું રાખો … ચાંપરાજવાળાએ સોનાનો તોડો શું આવા મરેલ મનના માનવીના પગમાં પે’રાવ્યો હતો ?
‘સાચી વાત સહુને કડવી લાગે છે, સમજ્યા ? મોટા બાપુના ગીયાને પણ સવા મહિના જેટલું થઈ ગીયું અને તમે તો રોજ ને રોજ જાણે ઊંડા જ ઊતરતા જાઓ છો ! રાજકાજની જવાબદારી છે … ઈ કાંઈ પારકાને ભરોસે નો મેકાય . અને મારા સામે પણ નજર માંડતા નથી … મારો શું ગનો’ આલણદેએ પોતાનો રોષ જરા આકરા શબ્દોમાં વ્યક્ત કર્યો.
‘તારો દોષ હુૂ. કાં દઉં છું ?’
‘તો પછી મારી હાર્યે હસતા નથી, બે મીઠી વાતું કરતા નથી … બોલાવું તઈં માંડ માંડ બોલો છો . આવું તો મેં ક્યાંય સાંભળ્યું નથી … બાપુ બીમાર હતા, તઈ બાયડીની સોડ્યમાં ભરાઈ રે’વામાં દોષ દેખાતો’તો, ને હવે બાપુ સરગે ગયા એટલે કયો દોષ દેખાય છે ? દરબાર, સંસારમાં જે કાંઈ છે ઈ જીવતાનું જ છે … અને આવાં દખ તો વિસારે પાડવાં જોઈ.’
નાગવાળો ઢોલિયામાં બેઠો થઈ ગયો અને બોલ્યો : ‘મેં તને કાલ વાત નો’તો કરી ?’
‘ બાપુનાં ફૂલ ન પધરાવી આવું ત્યાં સુધી…’
‘તમને ય બેઠાં બેઠાં આવી ગાંડાયું સૂઝયા કરે છે … તે કાલે જ જઈ આવોને ! દામોકુંડ ક્યાં છેટો હતો ? માણકાને લઈને સાંજે જાશો તો ભળકડે પોં’ચી જાશો !’ આલણદેએ કહ્યું.
‘હજી બે ત્રણ દી થઈ જાશે … ગોરબાપા ભેગા આવવાના છે એટલે વાટમાં એક રાત રોકાવું પડશે … વળી, જૂનેગઢ ત2કડાંઓનું જોર છે … રાજ છે …!’
‘ તો પછી પરભાસ જાઓને ! તરવેણી તો ત્યાંય છે.’
‘કાલ ગોરબાપાને પૂછી જોઈશ..હવે તું સૂઈ જા.’ કહી નાગવાળો પુન: આડે પડખે થઈ ગયો.
આલણદે પણ પડખાભેર થઈને અન્ય દિશાએ મોઢું ફેરવી સૂઈ ગઈ. એનું મન ભારે ચંચળ બની ગયું હતું. આવો મરદ્ સુંદર અને તંદુરસ્ત ધણી આવા લાગણીવેડામાં શા માટે સપડાઈ જતો હશે ? દુનિયામાં અંતરનાં સંબંધીઓ પણ ચાલ્યાં જતાં હોય છે … અને બેપાંચ દિવસ પછી માણસ પાછો થાળે પડી જાય ! આ તો મહિનો વીતી ગયો
હોવા છતા જાણષ પરણેતરની કાંઈકિંમત જ નથી. પરણેતરના કોઠામાં ઊમંગ છે, હૈયુ છે. હોંશ છે ને ઊગતી જુવાની છે … શું આ બધું એમની નજરે નંહીં દેખાતું હોય ?
આલણદે આવા વિચારો કરી રહી હતી અને નાગવાળો પણ આંખો બંધ કરીને વિચારે ચડી ગયો હતો. એના મનમાં પત્નીનાં વેણ ખટકીં રહ્યાં હતા . એને થતું. બાપદીકરા વચ્ચેના મેળની એને કલ્પના – કેમ નહીં આવતી હોય ? પોતે પણ એક પિતાની જ ક્ધયા છે … શું બાપના હૈયામાં પડેલી મમતાના એને દર્શન નહિ થયાં હોય ? જો એવા દર્શન થયા હોય તો એને મોઢે આવા શબ્દો આવે નિહ ! અને એને કયાં ખબર હોય કે મારા બાપુ એકલા પિતા નહોતા … પણ માતાની યે ફરજ બજાવતા હતા મૃત્યુ
પથારીએ પડ્યા પડયા પણ તેઓએ મને શિખામણ આપી હતી. મને જો કોઈએ આવા શબ્દો કહ્યા હોત તો મેં એની જીભ ખેંચી લીધી હોત ! પણ શું થાય ? ગમે તેમ તોય પરણેતર છે સ્ત્રી છે. અને બાપુએ એ પણ ખાસ કહ્યું છે કે આલણદેને દ:ખ થાય એવું કાંઈ બોલતો નઈ. અરેરે…. રૂડી, રૂપાળી ને નરવી પત્ની મળી છે. પણ મન ભારે સાંકડું છે. એને એ ખબર જ નથી કે રૂપ ને જુવાની તો આજ છે ને કાલ નથી. રૂપથી માણસ ધરાતો નથી. મનમેળથી જ સથવારો શોભે છે નેહૈયુ હલકે છે….’
આમ, બંને પોત પોતાની રીતે મનમાં વિચારો કરતા કરતા મોડી રાતે નિદ્રાધીન બની ગયા.
બાપુના મૃત્યુ પછી નાગવાળો હંમેશના નિયમ મુજબ નદીએ નહોતો જતો. ઘેર નાહી લેતો ને સુરજનાથની માળા ફેરવી લેતો.
આજ પણ તે વહેલો ઉઠી, પ્રાતકાર્યથી નિવૃત્ત થઈ થોડી વાર ફઈબા પાસે બેસી ડેલીએ ગયો અને બાપુના ફૂલની વ્યવસ્થા વિચારવા ગોરબાપાને બોલાવ્યા.
બે દિવસ પછી ધમ્મરવાળાના અસ્થિફૂલ લઈને પ્રભાસ જવા તે વિદાય થયો. એની સાથે મફાવાળા બે ગાડા હતા. ગોરબાપા, કામદાર, સવલો અને બીજા કુટુંબીઓને સાથે લીધા હતા.
તે રાતની ચર્ચા પછી આલણદેએ પણ મનથી નકકી કર્યું હતુ. કે હવે પુછે એટલો જજવાબ દેવો. મરેલા મન આગળ ખોળો પાથરવાવાળી શું લાભ ?
જે પુરુષ નારીનું મન નો વાંચી શકે તે પુરુષ આગળ માથું નમાવીને બેસી રહેવાનો કોઈ અર્થ નથી !
આલણદેએ મનથી કરેલા નિર્ણયની વાત પોતાની પ્રિય બાનડીઓને પણ ન કરી. મોટે ભાગે તે ફઈબા પાસે જ બેસવા માંડી હજી ગામનાં બૈરાંઓ મોટા બાપુના મૃત્યુ અંગે બપોર વચાળે બેસવા આવતાં હતાં … વૃદ્ધ ફઈબાએ કઠણ હૈયું કરીને ભાઈના મોતનો ફટકો સહી લીધો હતો . તેઓ સમજતાં હતાં કે જો હૈયું કઠણ રાખવામાં ન આવે તો વેદના કાયાને ભરખી જાય છે !
નાગવાળાની ઉદાસીનતા તેઓને પણ સાલતી હતી … પરંતુ તેઓ નાગવાળાના સ્વભાવને જાણતાં હતાં. એટલે કશું બોલતાં નહોતાં. તેઓને વિશ્વાસ હતો કે મહિને બે મહિને બધું થાળે પડી જશે !
ચાર દિવસના બદલે નાગવાળાને પાછા આવતાં દસ દિવસ થઈ ગયા. આલણદે તો મનમાં ભારે રોષે ભરાણી હતી … પણ રોષ ઠાલવવો કોના પર ?
નાગવાળો હેમખેમ પાછો આવ્યો સાંભળીને ફઈબાના હૈયામાં ભારે આનંદ થયો. તેઓ ભાઈના મૃત્યુ પછી ઓ2ડા બહાર નીકળતાં નહોતાં … એટલે નાગવાળાની વાટ જોતાં બેસી રહ્યાં.
ત્યાં તો નાગવાળો ફઈના ઓ2ડે આવ્યો : ‘ફઈ, નારાયણ .. ’ કહેતો ફઈબાના પગમાં ઢળી પડ્યો.
ફઈબાએ હેતથી નાગવાળાના મસ્તક પર હાથ મૂક્યો અને કહ્યું : ‘નાગ , વાટમાં ક્યાંય રોકાવું પડ્યું’તું ?
‘ના ફઈ … પણ અમે પરભાસમાં જ રોકાઈ ગીયા’તા , આવું તીરથ તો થાવું નસે … ! સોમનાથનું ભાંગેલું મંદિર જોયું … પણ ફઈ, ઈ ભોમકા 52 સોમનાથ દાદા ખાતર રેડાયેલાં હિંદુઓનાં લોહી જાણે ભાંગેલા મંદિરનેય … વધારે મહાન બનાવી રહ્યાં હતાં ….’
ફઈબાએ પ્રસન્ન નજરે જોઈને કહ્યું : ‘તમે ક્યાં ઊતર્યાતા ?’
‘અમે તો ગોરબાપાના કોઈ સગાને ત્યાં જ ઊતર્યા’તા … મોટા બાપુનાં ફૂલ પધરાવીને પછી અમે સોમનાથ દાદાનાં દર્શન કર્યાં … ત્યાર પછી પારસ પીપળે ગીયા . . .ને પછી ઠેઠ કૃષ્ણ ભગવાનની જ્યાં કાયા ઢળી પડી’તી ઈ ઠેકાણે ગીયા … ફઈ, ભારે પવિતર ભોમકા ! મન ચોખ્ખું રાખીને જે કોઈ
તરવેણીમાં ના’ય એનાં ભવોભવનાં પાપ ધોવાઈ જાય … એમાં કાંઇ સંશય નઈં … મેં તમને ને બીજાં સંબંધીઓને યાદ કરીને નાવણ કર્યું’તું’…
ફઈબા કંઈ કહેવા જાય તે પહેલાં જ સવલો કરંડિયા જેવા બે ટોપલા લઈને ઓરડામાં દાખલ થયો.
નાગવાળાએ તરત કહ્યું, ‘સવલા, આંઈ મૂક…ને તું તારે ઘરે જા … હવે નિરાંતે રાતે આવજે.’
સવલો બે કરંડિયા મૂકી સહુને નારાયણ કરી પાછો વળ્યો.
આલણદે ફઈની પડખે જ બેઠી હતી. નાગવાળાએ એક વાર પત્નીના ચહેરા સામે નજર પણ કરી હતી.
એક કરંડિયાની દોરી છોડતાં છોડતાં નાગવાળાએ કહ્યું. ‘ફઈ, તમારા સારું પરસાદ લાવ્યો છું … જાઈભાઈમાં પણ મોકલજો … ને એક સોનદડીની માળા લાવ્યો છું … ’
‘સોનદડીની ?’
‘હા ફઈ … માળા જોઈને મન ભારે પ્રસન્ન થઈ જાશે … કોણ જાણે કેવી કારીગરી છે કે કોઈથી સમજાય નઈં … કાળા રંગના પારામાં સોનાની રેખુંની એવી ભાત પાડી છે કે જોઈને આંખો ટાઢી થાય ..’ કહેતાં કહેતાં નાગવાળાએ કરંડિયામાંથી એક દાબડી ખોલીને ફઈબા સામે મૂકી.
ફઈબાએ દાબડીમાંથી સોનદડીની માળા હાથમાં લઈને ઊંચી કરી … આલણદે, ફઈબા, અને બીજી બે કાઠિયાણીઓ જોઈને અવાક્ બની ગઈ !
ફઈબાએ માળા માથે અડકાડતાં કહ્યું, ‘સો વરહનો થા ને સાત દીકરાનો બાપ થા ! નાગ, આ માળા જ હવે મારી જાતરાનાં ભાતાં જેવી બની રે’શે … ’
ત્યાર પછી નાગવાળો ઊભો થયો ને બોલ્યો, ‘ફઈબા, આમાં બીજી ઘણી વસ્તુયું છે … તમે જોઈ લેજો. જ્યાં દેવું યોગ્ય લાગે ત્યાં પરસાદ હારે મોકલજો. હવે હું જરા નાહી આવું.‘
‘જા ભાઈ … નાહીને રોંઢો કરી લે ….’ કહી ફઈબાએ નાગવાળા સામું પ્રસન્ન નજરે જોયું.
આલણદે જોઈ શકી હતી કે, દરબારનું મન કેડીએ ચડીગીયું લાગે છે ! નયને વદને પહેલાં જેવી ઉદાસીનતા રહી નથી ! તે કશું બોલી નહીં …. પણ ફઈબાએ કહ્યું : ‘આલણ, ઓલ્યા કરંડિયામાં શું છે જરા બા’રું કાઢયને !’
તરત એક બાનડીએ કરંડિયાની દોરી છોડી અંદરથી વિવિધ પ્રકારની વસ્તુઓ નીકળવા માંડી. પૂજાની વિવિધ સામગ્રી , માળાયું, લાકડાનાં રમકડાં, ગંગાજળની લોટિયું , રાધાકૃષ્ણની પિત્તળની મૂર્તિઓ વગેરે ઘણી વસ્તુઓ નીકળી.
આ બધું જોઈને આલણદેના હૈયામાં એક સટાકો થઈ ગયો. ફઈબા માટે સોનદડીની માળા, સગાંવહાલાં, સંબંધીઓ માટે કંઈ ને કંઈ … અને મારા માટે કોઈ વસ્તુ નોં મળી ? શું , હું આ રાજની ધણિયાણી નથી ? શું ધણીને પરણેતર યાદ જ નહિ આવી હોય ?
રોંઢો કરીને નાગવાળો ઘડીક આરામ લેવા ઇચ્છતો હતો. એટલે તરત પોતાના ઓરડે ગયો. આલણદે હજી નીચે જ બેઠી હતી. મીઠીએ આવીને આલણદેને ઉપર જવાનું સાનમાં કહ્યું. આલણદે ઊભી ન થઈ . મીઠીએ નજીક આવીને ધીરેથી કહ્યું : ‘દરબાર ઓરડે પધાર્યા છે.’
‘ મને ખબર છે …. તું તારે તારું કામ કર્ય !’
‘ફઈબાએ મીઠી સામે જોઈને કહ્યું : ‘શું છે, મીઠી ?’
‘કાંઈ નઈં, મા … આ તો બાપુ ઉપર પધાર્યા છે ઈ કે’વા આવી’તી. ‘મીઠીએ કહ્યું.
ફઈબાએ આલણ સામે જોઈને તરત કહ્યું : ‘દીકરી , તું તારે ઉપર જા … મુસાફરીનો થાક લાગ્યો હશે … ! ઈ સૂઈ જાય એટલે આવજે.’
મન નહોતું છતાં આલણદે ઊઠીને ઉપરના ઓરડે ગઈ. નાગવાળો ઢોલિયામાં આડે પડખે પડ્યો હતો. આલણદેએ ઓ2ડામાં દાખલ થતાં જ કહ્યું : ‘મને યાદ કરી ? ’
‘કોણે કહ્યું ?’
‘ મીઠી મને કે’વા આવી હતી .. ’
‘ના … ખાસ કાંઈ કામ નથી . તારે નીચે કામ હોય ઈ કર્યુ … હું બેઘડી સૂઈ જાઈશ એટલે મારો થાક ઊતરી જાશે.’
‘હવે મારું કામ શેનું હોય ?’ ઢોલિયા સામે પડેલા એક ચાકળા પર બેસતાં આલણદેએ વ્યંગભર્યા સ્વરે કહ્યું.
‘આમ કેમ બોલશ ?’
‘ફઈ માટે સોનદડીની માળા લાવ્યા .. મારા માટે કાંઈ નો મળ્યું ? ’
નાગવાળો આછા હાસ્ય સાથે બેઠો થઈ ગયો અને બોલ્યો :
‘આલણદે, આવી ઉતાવળ કરવી તને શોભતી નથી . તેં કેમ માન્યું કે હું તારા સારું કાંઈ નહિ લાવ્યો હોઉં ?’
‘ હું યાદ નહીં આવી હોઉં …’
‘ઘરવાળી યાદ નો આવે તો બીજું કોણ યાદ આવે ? તારા માટે મેં ઘણી વસ્તુઓ જોઈ. પણ તને શોભે એવી મને એકેય નોં દેખાઈ …’
‘તે ક્યાંથી દેખાય ? દુનિયાને મન પરભાસ મોટું શે’ર છે … પણ મન ..’
ે વચ્ચે જ નાગવાળો મધુર હાસ્ય વેરતો બોલ્યો : ‘જો આલણ, આ રીતે ઊભા થતા મનના તરંગો જ જીવનમાં ઝેર રેડી જતા હોય છે. તારા માટે તો હું એક સરસ વસ્તુ લાવ્યો છું . પણ તું મને હજી મળી જ નથી. તને હું વાત કેવી રીતે કહું ? ફઈની સામે તો કાંઈ બોલાય નહીં …’
આલણદેએ બે પળ ધણી સામે જોઈને કહ્યું : ‘હવે તો મળી છું ને ?’
‘ હજી તું નાના બાળક જેવી જ છો … ! પરવાસમાં કાંઈ મુશ્કેલી પડી હતી કે નઈં, તબિયત સારી રહી હતી કે નઈં, ઈ તો કાંઈ પૂછતી જ નથી ! અને આવતાંવેંત જ મને ઊધડો લેવા માંડી . આવો સ્વભાવ મનમાંથી વેગળો કરવો જોઈં. તારા માટે હું પાનડીવાળા હુલર લઈ આવ્યો છું … એમાં મોતી માણેક ને નીલમનાં જડતર છે . પાંચસો કોરી આપીને લીધાં છે . પણ ઈ કામદાર કાકાની પેટીમાં પડ્યાં છે. સાંજે આવી જશે.’ નાગવાળાએ ધીરજથી કહ્યું.
આલણદે ધણી સામે સ્થિર નજરે જોઈ રહી. એના મનને પણ થયું કે પોતે જરા ઉતાવળ કરી નાખી છે. પણ માનવી માટે પોતાની ભૂલ કબૂલ કરવી એ ભારે વસમું થઈ પડે છે.
નાગવાળાએ પુન: આડે પડખે થતાં કહ્યું : ‘મારી વાતમાં વિશ્વાસ નથી આવતો ?’
‘એવું મેં ક્યાં કહ્યું ? … હવે તમે થાક્યા છો . ઘડીક સૂઈ રહો. હું ફઈબા પાસે બેઠી છું …’
‘સારું.’ નાગવાળાએ મીઠાશથી કહ્યું.
આલણદે તરત ઊઠીને ઓરડા બહાર નીકળી ગઈ.