બોલીવુડમાં ઘણા ફિલ્મ કલાકારો આવ્યાને ગયા પણ અમુક કલાકારોએ પોતાના અભિનયની તાકાત વડે દર્શકોને દિલો પર રાજ કર્યું હતુ: બ્લેક વ્હાઇટથી કલર ફિલ્મોના બંને દોરમાં અને પોતાની દેશભક્તિની થીમ આધારિત ફિલ્મોને કારણે મનોજ કુમાર બોલીવુડના ભારત કુમાર બની ગયા હતા. તેઓ કલાકાર, નિર્માતા, નિર્દેશક, લેખક જેવી વિવિધ બાબતો નિષ્ણાંત હોવાથી તેમની પોતાની ફિલ્મ નિર્માણ કરતા હતા. દેશભક્તિની સૌથી વધુ ફિલ્મો આપનાર મનોજ કુમાર બોલીવુડમાં એકમાત્ર કલાકાર છે. ઉપકાર ફિલ્મ તેમની બહુ જ સફળ રહી હતી. શિરડી સાંઇબાબાના ભક્ત મનોજ કુમારે બાબાની પણ ફિલ્મ નિર્માણ કરી હતી. આજે પણ દર વર્ષે તેઓ શિરડી મંદિરે દર્શન માટે અવશ્ય આવે છે.
માત્ર 20 વર્ષની વયે ’ફેશન’ ફિલ્મથી અભિનય યાત્રા શરૂ કરનાર આ કલાકાર તેની દેશભક્તિની ફિલ્મોને કારણે ભારત કુમાર બની ગયા : તેઓ નાના હતા ત્યારે દિલિપકુમાર, અશોકકુમાર અને કામિની કૌશલને આઇડોલ ગણતા હતા
બોલીવુડમાં બહુમુખી અભિનય માટે જાણિતા અભિનેતાએ ઉપકાર, પુરબ ઔર પશ્ર્ચિમ, રોટી કપડાં ઔર મકાન, ક્રાંતિ અને નીલકમલ જેવી ઘણી ફિલ્મોમાં સફળ અભિનય કર્યો હતો: 1992માં પદ્મશ્રી એવોર્ડ અને 2015માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો
મનોજ કુમારનું મૂળ નામ હરિકિશનગિરી ગૌસ્વામી હતું. તેમનો જન્મ 24 જુલાઇ 1937 ના રોજ અબોટા બાદમાં થયો હતો. લગભગ ચાર દાયકા સુધી તેમની કારકિર્દી બોલીવુડમાં રહી હતી. હાલ તેઓ નિવૃત જીવન ગાળી રહ્યા છે. તેઓ નાના હતા ત્યારે દિલિપકુમાર, અશોકકુમાર અને કામિની કૌશલને આઇડોલ ગણતા હતા. શબનમ ફિલ્મમાં દિલીપ કુમારનું નામ મનોજ હતું જેના ઉપરથી તેમણે પોતાનું નામ મનોજ કુમાર રાખ્યું હતું. માત્ર 20 વર્ષની વયે 1957 માં ફેશન ફિલ્મથી અભિનય યાત્રા શરૂ કરનાર મનોજ કુમારે 1960 માં અભિનેત્રી સઇદાખાનની સાથે ‘કાંચ કી ગુડિયા’ ફિલ્મમાં હિરો તરીકે ફિલ્મી શરૂઆત કરી હતી.
1960 બાદ મનોજ કુમારનો સિતારો ચમકી ગયો હતો. વિજય ભટ્ટ, રાજખોસલા જેવા નિર્માતાની સુપર ડુપર હિટ ફિલ્મો કરી, જેમાં પિયા મિલન કી આસ, રેશ્મી રૂમાલ, હરિયાલી ઔર રાસ્તા, વો કૌન થી, હિમાલય કી ગોદ મેં, દો બદન જેવી ઘણી સફળ ફિલ્મો કરીને સફળ અભિનેતા બની ગયા હતાં 1965 માં તેમણે ક્રાંતિકારી ભગતસિંહના જીવન પર આધારિત ‘શહિદ’ ફિલ્મમાં અભિનય કર્યો જે દર્શકોએ ખૂબ જ વખાણ્યો હતો. આ ગાળામાં ભારત-પાક યુધ્ધ પછી વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ લોકપ્રિય સૂત્ર ‘જય જવાન જય કિસાન’ આધારિત ફિલ્મ બનાવવાનું તેમણે મનોજ કુમાર કહેલું. બે વર્ષ બાદ 1967 માં ઉપકાર ફિલ્મ બનાવી જે સમગ્ર દેશમાં ખૂબ જ સફળ રહી હતી.
1960ના દાયકામાં હનીમુન, અપના બના કે દેખો, નકલી નવાબ, પથ્થર કે સનમ, સાજન, સાવન કી ઘટા જેવી રોમેન્ટિક ફિલ્મો અને શાદી, ગૃહસ્તી, અપને હુએ પરાયે, આદમી જેવી સામાજીક ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. ગુમનામ અનિતા, વહ કૌનથી જેવી સસ્પેન્સ-થ્રીલર ફિલ્મમાં પણ કામ કર્યું હતું. હિરો તરીકે તેના એક્શન-સ્ટાઇલ અનોખી હોવાથી તે સદાબહાર ચોકલેટી હિરો હતા. તેની ફિલ્મોના સુંદર ગીતો આજે પણ લોકો ગાય છે, સાંભળે છે. ઉપકાર ફિલ્મ બોલીવુડની પ્રથમ બ્લોક બસ્ટર ફિલ્મ હતી જેને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
ઉપકાર બાદ ત્રણ વર્ષે 1970 માં ફરી દેશભક્તિના થીમ આધારિત ‘પૂરબ ઔર પશ્ર્ચિમ’ ફિલ્મ બનાવી જેમાં વિદેશી કલ્ચર અને ભારતીય સંસ્કૃતિની અનેરી ઝલક જોવા મળી હતી. આ ગાળામાં પહેચાન ફિલ્મમાં તેમણે બબીતા સાથે અભિનય કર્યો હતો. 1970 ના પ્રારંભિક ગાળાથી સફળ ફિલ્મો આપનાર મનોજ કુમાર દર બે વર્ષે એક શ્રેષ્ઠ ફિલ્મ દર્શકો માટે લાવવા લાગ્યા હતા. જેમાં 1972 માં ‘બેઇમાન’ ફિલ્મ જેમાં તેને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. આ વર્ષે જ ‘શોર’ ફિલ્મમાં નંદા સાથે શ્રેષ્ઠ અભિનયથી ફિલ્મને બોક્સ ઓફિસ પર મોટી સફળતા અપાવી હતી. આ ફિલ્મનું ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ આજે પણ એટલું જ લોકપ્રિય છે.
અભિનેત્રી કામિની કૌશલને તેઓ બહુ આદર આપતા હતા તેથી તેની લગભગ દરેક ફિલ્મ તેની મા નું પાત્ર તેઓ જ કરતા હતા. પ્રેમનાથ, પ્રાણ, પ્રેમ ચોપરા, હેમા માલીની સાથે તેઓને કામ કરવાનું બહુ જ પસંદ પડતું હતું. મનોજ કુમારના અંગત મિત્રોમાં મુકેશ, રાજકપૂર, મહેન્દ્ર કપૂર, ધર્મેન્દ્ર, રાજેન્દ્ર કુમાર, શશી કપૂર અને રાજેશ ખન્નાનો સમાવેશ થાય છે. 1970ના દાયકામાં ત્રણ હિટ ફિલ્મોમાં અભિનય કર્યો જેમાં ‘રોટી કપડા ઔર મકાન’ 1974ની ફિલ્મ એક સામાજીક સ્ટોરી હતી. ધાર્મિક વિષય આધારિત ફિલ્મ ‘સન્યાસી’ 1975 માં અને 1976 માં ‘દશ નંબરી’ ફિલ્મ આવી હતી.
1981 માં તેમના આદર્શ એવા દિલીપ કુમાર સાથે ફિલ્મ ‘ક્રાંતિ’ બનાવી જે ભારતની સ્વતંત્રતા માટેના સંઘર્ષની ફિલ્મ હતી. આ ફિલ્મ મનોજ કુમારની નોંધપાત્ર છેલ્લી સફળ ફિલ્મ રહી જો કે બાદમાં તેણે કલયુગ ઔર રામાયણ, 1989 માં કલર્ક પણ નિર્માણ કરી હતી. 1995 માં આવેલી મેદાન એ જંગ, 1999 માં પુત્ર કૃણાલની ફિલ્મ ‘જય હિન્દ’નું નિર્દેશન પણ કર્યું હતું. 40 વર્ષની લાંબીયાત્રાનું 1999 માં ફિલ્મફેર લાઇફ અચીવમેન્ટ એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. બધા કલાકારોની જેમ તેઓ નિવૃત્તિ પછી રાજકારણમાં પ્રવેશતા 2004 માં ભાજપમાં જોડાયા હતા.
મનોજ કુમારના પત્ની શશી ગૌસ્વામી એક સારા લેખિકા છે. બે પુત્રોમાં વિશાલ ગાયક તરીકે અને કુણાલે અભિનેતા તરીકે કારકિર્દી શરૂ કરી હતી પણ બહુ ચાલ્યા ન હતા. તેમની ફિલ્મ ઉપકારને ઘણા એવોર્ડ મળ્યા હતા, આ ઉપરાંત શોર, બેઇમાન, રોટી કપડાં ઔર મકાન, સન્યાસી ફિલ્મને એવોર્ડ મળ્યો હતો. તેમની દેશભક્તિની ફિલ્મો માટે તેઓને હમેંશા યાદ કરાય છે. પ્રાણ જેવા વિલનને ઉપકાર ફિલ્મમાં ચરિત્ર રોલ આપીને તેમની એક નવી ઇમેજ ઉભી કરી હતી. બધાનો વિરોધ અને પ્રાણની પણ ઇચ્છા ન હોવા છતા ‘કસમે વાદે પ્યાર વફા સબ’ ગીત તેમના પર ફિલ્માંકન કર્યું હતું જે, બાદમાં ખૂબ જ હિટ નિવડતા બધાએ મનોજ કુમારના આ નિર્ણયની પ્રશંસા કરી હતી.
મનોજ કુમારની દેશભક્તિની ફિલ્મો
- શહિદ
- ઉપકાર
- પૂરબ ઔર પશ્ચિમ
- રોટી કપડાં ઔર મકાન
- ક્રાંતિ
- મેદાન – એ- જંગ
- જય હિન્દ
હરિકિશનમાંથી મનોજ કુમાર કેમ બન્યાં?
મનોજ કુમારને નાનપણથી દિલીપ કુમાર બહુ જ પસંદ હતા. તેથી તેની ફિલ્મ શબનમમાં તેમનું નામ મનોજ હોવાથી મનોજ કુમારે પોતાનું નામ ફેરવી નાખ્યું હતું. તેમનું મૂળ નામ હરિકિશનગિરી ગૌસ્વામી હતું જે બાદમાં ફિલ્મ જગતમાં મનોજ કુમારથી જાણિતા થઇ ગયા હતા. અશોક કુમાર અને કામિની કૌશલ પણ તેમના આઇકોન હતા, તેથી જ તેમની લગભગ બધી ફિલ્મમાં મા ના પાત્રમાં કામિની કૌશલ જ જોવા મળતા હતા. 1960માં સઇદાખાન સાથે પ્રથમ ફિલ્મ ‘કાંચ કી ગુડિયા’માં હિરો તરીકે ચમક્યા હતા. જો કે આ અગાઉ 1957 માં ‘ફેશન’ ફિલ્મમાં નાનકડી ભૂમિકાથી અભિનય યાત્રા શરૂ કરી હતી.