રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા એસીપી સરવૈયાને એક અરજી મળી જેમાં આરોપ હતો કે શહેરમાં રહેતા એક સોનીએ લોકો સાથે છેતરપીંડી કરી છે, એસીપી સરવૈયા દ્વારા આ અરજી તપાસ એસઓજીમાં ફરજ બજાવતા યુવાન પોલીસસબ ઈન્સપેકટર અન્સારીને સોંપવામાં આવી હતી, વાત છેતરપીંડીની હતી અને આરોપી ભાગી જવાની શંકા હોવાને કારણે જે સોનીની વિરૂધ્ધ અરજી હતી તેને પોલીસ સ્ટેશન બોલાવવાને બદલે પીએસઆઈ અંસારી પોતાના સ્ટાફ સાથે સોનીના ઘરે જવાનો નિર્ણય કર્યો હતો.પીએસઆઈ મહંમદ અસ્લમ અંસારી પોતાના સ્ટાફ સાથે સોનીના ઘરે પહોંચ્યા તો ત્યાં જઈ તમામ સ્તબ્ધ થઈ ગયા હતા, જેમની સામે છેતરપીંડીનો આરોપ હતો તે પરિવાર અત્યંત દારૂણ સ્થિતિમાં જીવતો હતો. એક સમયમાં આ સોનીનો ધંધો ધીકતો હતો ખુબ જાહોજલાલીમાં આ પરિવાર જીવતો હતો પણ સમયની લપડાક વાગી અને ધંધામાં મોટી ખોટ આવી જેના કારણે આ પરિવાર દારૂણ સ્થિતિમાં આવી ગયો હતો. જે સોની સામે આરોપ હતો તે સોની ઘર ચલાવવા માટે ખાનગી સીક્યૂરીટી ગાર્ડ તરીકે નોકરી કરવા લાગ્યા હતા, આમ છતાં ઘરનું પુરુ થતું ન્હોતું.પણ પડોશીઓ સારા હતા જે સમયાનંતરે સોની પરિવારને અનાજ ભરી આપવાની મદદ કરતા હતા. પીએસઆઈ અંસારી સોનીનું નિવેદન નોંધ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેણે કોઈની સાથે છેતરપીંડી કરી નથી પણ ધંધામાં નુકશાન જવાન કારણે તે સમયસર પૈસા ચુકવી શકયો નથી, જ્યારે પોલીસ નિવેદન નોંધવાનું કામ કરી રહી હતી ત્યારે એક નાનકડી છોકરી ઘરમાં ઉભી ઉભી બધુ જ જોઈ રહી હતી પણ તેના ચહેરા ઉપર કોઈ ભાવ ન્હોતો તે છોકરીની ઉંમર દસ વર્ષની હતી. પીએસઆઈ અંસારીનું ધ્યાન જ્યારે આ છોકરી તરફ ગયું ત્યારે તેમણે સોનીને પુછયું તો સોનીના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે કહ્યું સાહેબ દીકરી સાંભળી શકતી નથી, જેના કારણે તે બોલી શકતી નથી. તેની સારવાર જરૂરી છે પણ પૈસા કયાંથી લાવું પીએસઆઈ અંસારી પોતાની સાથે આવેલા સ્ટાફના જીતુભા ઝાલા, ફિરોઝ રાઠોડ, વિજેન્દ્રસિંહ ઝાલા અને અઝરૂદ્દીન બુખારી સામે જોયું તેમની આંખો કહી રહી હતી. સાહેબ આપણે આ દીકરીની સારવાર કરાવીશું.આરોપીને પકડવા ગયેલી ખાખી વર્દીની પોલીસની આંખો પણ ભરાઈ આવી હતી. પીએસઆઈ અંસારી સહિત તમામ સ્ટાફે આ દીકરીને સાજી કરવાનો નિર્ણય કર્યો અને ડોકટરને બતાડી તેને તમામ જરૂરી મદદ કરી આજે આ દીકરી ફરી સાંભળતી અને બોલતી થઈ ગઈ છે. કદાચ આ દીકરીને આંખી જીંદગી પોલીસનો ડર લાગશે નહીં કારણ તેના ઘરે તો પોલીસ ફરીસ્તા બની આવી હતી. પોલીસને આજે પણ સલામ કરવાનું મન થાય છે, કારણ પીએસઆઈ મહંમદ અસ્લમ અંસારી જેવા સંવેદનશિલ પોલીસ અધિકારીઓ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.