- ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા આકરાપાણીએ
- ટ્રેનિંગમાં જવાનાં આદેશને ઘોળી પી જનારા પોલીસ કર્મીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાયા સસ્પેન્ડેડ પોલીસ જવાનોના નામ
- * પ્રકાશ વાળા
- * વિજયસિંહ ડોડીયા
- * સંદીપ પરમાર
- *લલિત સોસા
- * હર્ષદ સેવડા
શિસ્તબદ્ધ ખાતામાં ગેરશિસ્ત કોઈ પણ ભોગે ચલાવી નહિ લેવામાં આવે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગીર સોમનાથ જિલ્લા પોલીસવડાએ પૂરું પાડ્યું છે. આદેશનો ઉલ્લંઘન કરનાર પાંચ પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપી શિસ્તના ભોગે કંઈ ચલાવી નહિ લેવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ મનોહરસિંહ જાડેજાએ આપ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ગત મે માસમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા પોલીસકર્મીઓને પોલીસ ખાતામાં તદ્દન બેઝિક ગણવામાં આવતી એડીઆઈ ટ્રેનિંગમાં જવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ પાંચ જેટલાં પોલીસકર્મીઓ જૂનાગઢ તાલીમ ભવન ખાતે ટ્રેનિંગ માટે હાજર તો થયાં હતા પણ હાજર થતાંની સાથે જ રજા પર ઉતરી પરિવારની બીમારીનું બહાનું બતાવી શિક લિવની એપ્લિકેશન આપી લાંબા ગાળાની રજા પર ઉતરી ગયાં હતા. ઉલ્લેખનીય છે કે, એડીઆઈ ટ્રેનિંગ ત્રણ માસની હોય છે.
રજા પર ઉતરી ગયેલા પાંચેય પોલીસકર્મીઓને ટ્રેનિંગ માટે હાજર થવા માટે વારંવાર લેખિત નોટીસ અને મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી પરંતુ ટ્રેનિંગમાં જવા નહિ ઇચ્છતા પાંચેય પોલીસ જવાનો જાણે આદેશને ઘોળી પી ગયાં હોય તેમ તેઓ ટ્રેનિંગ માટે હાજર થયાં ન હતા. જે બાદ શિસ્તના આગ્રહી એવા ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા અંતે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.
શિસ્તભંગ કરનારા પાંચ પોલીસકર્મીઓ પ્રકાશ વાળા, વિજયસિંહ ડોડીયા, સંદીપ પરમાર, લલિત સોસા અને હર્ષદ સેવડા નામના જવાનોને એસપી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નખાતા પોલીસબેડામાં પણ હડકંપ મચી જવા પામ્યો હતો. પોલીસ ખાતામાં શિસ્તભંગ કોઈ પણ ભોગે ચલાવી નહિ લેવાય તેવો સ્પષ્ટ સંદેશ મનોહરસિંહ જાડેજાએ આ પગલાં દ્વારા આપ્યો છે.
બીમારીનું બહાનું બતાવી સીક લિવ પર ઉતરી ગયાં
સસ્પેન્ડેડ પાંચેય પોલીસકર્મીઓને મે મહિનામાં એડીઆઈ ટ્રેનિંગમાં જવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. જે આદેશના પગલે ટ્રેનિંગ એકેડમીમાં હાજર થઇને તરત જ આ પોલીસકર્મીઓ સીક લિવ મેળવી રજા પર ઉતરી ગયાં હતા. જે બાદ પણ અનેકવાર આ પાંચેય જવાનોને નોટીસ આપી ટ્રેનિંગમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું પરંતુ તેઓ હાજર નહિ થતાં અંતે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.