નરેન્દ્ર મોદીની તેમના પુરોગામી મનમોહન સિંહ સાથે સરખામણી કરતા દિલ્હીના સીએમે મનમોહનને મોદી કરતા હજાર ગણા વધુ સારા પીએમ ગણાવ્યા હતા. ૨૦૧૧માં મનમોહન સિંહ સામે ભ્રષ્ટાચાર વિરોધી ઝૂંબેશ શરુ કરનારા કેજરીવાલ જ હતા, અને હવે તેમણે જ મનમોહનને મોદી કરતા સારા પીએમ ગણાવ્યા છે. મનમોહન સિંહને સારા વ્યક્તિ ગણાવતા કેજરીવાલે કહ્યું હતું કે, તેમણે જ ૨૦૦૮માં સમયસર યોગ્ય પગલાં લઈ દેશને વૈશ્વિક આર્થિક મંદીથી બચાવ્યો હતો.

પીટીઆઈને આપેલા એક ઈન્ટર્વ્યુમાં કેજરીવાલે કહ્યું હતું કે, મનમોહન મોદી કરતા હજારો ગણા સારા પીએમ હતા. તેઓ શિક્ષિત વ્યક્તિ અને પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી પણ છે, અને અર્થતંત્રની સારી સમજ ધરાવે છે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, ૨૦૦૮માં જ્યારે આખી દુનિયામાં મંદી ચાલી રહી હતી ત્યારે ભારત કદાચ એકમાત્ર એવો દેશ હોત કે જેને મંદીની અસર નહોતી થઈ.

મનમોહન સિંહે તે વખતે અર્થતંત્રને મંદીથી બચાવવા સમયસર યોગ્ય પગલાં લીધા હતા. મહત્વનું છે કે, મનમોહનની સરકાર ૨૦૦૯માં ફરી સત્તા પર આવી હતી, અને ૨૦૧૧માં કેજરીવાલે અન્ના હઝારે સાથે મળીને સરકાર સામે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરુ કર્યું હતું. કોંગ્રેસના અમુક નેતાઓ હજુય માને છે કે કેજરીવાલના આંદોલનને કારણે જ ૨૦૧૪માં યુપીએ સરકારે સત્તા ગુમાવવી પડી હતી. ૨૦૧૨ના અંત ભાગમાં કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી હતી અને ૨૦૧૩માં દિલ્હીમાં થયેલી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા.

કેજરીવાલના આંદોલનના કારણે કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હોવાના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, જો તત્કાલિન સરકારે લોકપાલની માગણી સ્વીકારી લીધી હોત તો આમ આદમી પાર્ટીનો જન્મ જ ન થયો હોત. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકપાલ લાવી હોત તો તેનો સઘળો શ્રેય તેને મળત. નરેન્દ્ર મોદીનું ફરી સત્તા પર આવવું દેશ માટે સારું નહીં રહે તેમ કહેતા કેજરીવાલે જણાવ્યું હતું કે, મોદી મહત્વના ક્ષેત્રોમાં યોગ્ય કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે અને તેઓ બનાવટી રાષ્ટ્રવાદનો સહારો લઈ રહ્યા છે. તેમણે મોદીના રાષ્ટ્રવાદને દેશ માટે ખતરો પણ ગણાવ્યો હતો. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે વોટ મેળવવા માટે મોદી સુરક્ષા દળોનો ઉપયોગ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.