જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની આજે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના મહિલા સદસ્ય મંજુલાબેન પરસાણા અપશબ્દ બોલતા મામલો બિચક્યો હતો. જેને લઈને મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક બે વાર સ્થગીત કરવામાં આવી હતી.
જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં ભારે હોબાળો મચી ગયો હતો. બેઠકમાં વિકાસના કામો મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. એ દરમિયાન મંજુલાબેન પરસાણાએ પ્રશ્નો કરતા સતાધીસોએ તેમને બોલવા દીધા ન હતા. જેનાથી રોષે ભરાઈ મંજુલાબેને અપશબ્દો બોલતા મામલાએ વધુ ગરમાવો પકડી લીધો હતો. જ્યાં સુધી મંજુલાબેન પરસાણાને બોર્ડની બેઠક માંથી બહાર ન હાંકી કઢાય ત્યાં સુધી આગળની ચર્ચા ન કરવા ભાજપના કોર્પોરેટરોએ ઉગ્ર માંગ કરી હતી. ત્યારબાદ મહિલા પીએસઆઈ એ બોર્ડની મિટિંગમાં પહોંચી મહિલા કોંગ્રેસ કોર્પોરેટર મંજુલાબેન પરસાણાને બહાર કાઢ્યા હતા. જે બાદ બોર્ડની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.
બોર્ડ ફરી શરૂ થયા બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલએ બેઠકમાં ધસી જઈ વેલમાં પહોંચી ગયા હતા. અમિત પટેલ ગુંડાગર્દી કરવા આવ્યા હોવાના ભાજપ સદસ્યોએ આક્ષેપ કરતા ફરી હોબાળો મચી ગયો હતો. અને વધુ એક વખત બોર્ડ સ્થગિત કરવાની નોબત આવી પડી હતી. અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ બનાવ બાદ મંજુલાબેનની તબિયત લથડતાં 108 મારફતે હૉસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.