લોન પુરી કરી સોનાના ઘરેણા પરત લેવા ગયેલા યુવાન પાસે ત્રણ દિવસનું વધુ વ્યાજ માગતા બઘડાટી બોલી: પોલીસ સુધી મામલો પહોચ્યો
કોરોના વાયરસના કારણે ચાલેલા લોક ડાઉન દરમિયાન અનેક બેકાર બન્યા છે ત્યારે મોબાઇલના ધંધાર્થીએ લીંબડા ચોકમાં આવેલા મણપુરમ ગોલ્ડ લોનમાંથી સોનાના ઘરેણા ગીરવે મુકી રૂ.૧લાખની લોન લીધા બાદ પુરી કરવા ગયો ત્યારે તેની પાસે ત્રણ દિવસનું વ્યાજ માગતા બંને વચ્ચે બઘડાટી બોલી હતી. બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બને તે પહેલાં પ્ર.નગર પોલીસ ઘટના સ્થળે પહોચી મામલો સુલટાવ્યો હતો.
કાલાવડ રોડ પર આવેલા કદમ હાઇટસમાં રહેતા અને માલવીયા ચોકમાં પ્રમુખ સ્વામી આકેર્ટમાં મોબાઇલ શોપ ધરાવતા જયદેવ પિયુશભાઇ રાવલ નામના ૩૮ વર્ષના વેપારીએ ધંધા માટે લીંબડા ચોકમાં આવેલા મણપુરમ ગોલ્ડ લોનમાંથી સોનાના ઘરેણા ગીરવે મુકી એક લાખની છ માસ પહેલાં લોન લીધી હતી.લોક ડાઉન પુરૂ થતા જયદેવભાઇ રાવલે પોતાના ઘરેણાની લોન પુરી કરવા માટે સવારે ફોન કરી લોન પુરી કરવા અંગે વાતચીત કરતા તેને ઓફિસે બોલાવ્યા હતા. જયદેવભાઇ રાવલ લીંબડા ચોક ખાતેની મણપુરમ ગોલ્ડ લોન ખાતે ગયા ત્યારે તેઓની આગળ દસ વ્યક્તિઓ લોન પુરી કરાવવા લાઇનમાં ઉભા હતા તેઓની લોન પુરી કર્યા બાદ જયદેવભાઇનો વારો આવ્યો ત્યારે તેઓ પાસે મણપુરમ ગોલ્ડ લોનની ઓફિસમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીએ ત્રણ દિવસનું વ્યાજ વધુ માગતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝઘડામાં મણપુરમના ગોલ્ડ લોનના મેનેજરે ઝંપલાવ્યું હતું અને જયદેવભાઇ રાવલને લોન પુરી કરવા માટે સોમવારે આવવાનું કહી ઓફિસ બંધ કરી દેતા પોલીસની મદદ લેવી પડી હતી. પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ મકવાણા સહિતનો સ્ટાફ મણપુરમ ગોલ્ડ લોનની ઓફિસે જઇ મામલો થાળે પાડયો હતો.