ગત વર્ષે પણ પકડાયેલી અનેક પાર્ટીઓએ આ વર્ષે નામ બદલીને હેરાફેરી ચાલુ કર્યાનું ખૂલ્યું : 50થી વધુ સીએની પણ સંડોવણી
બોગસ ડોનેશનના કૌભાંડમાં 23 જેટલા રાજકીય પક્ષોએ ત્રણ જ વર્ષના ટૂંકા ગાળામાં રૂા. 4000 કરોડનું બોગસ ડોનેશન કૌભાંડ આચર્યાનો ધડાકો થયો છે. જેમાં અપના દેશ પાર્ટીએ 700 કરોડ અને લોહશાહી સત્તા પાર્ટીએ 600 કરોડનું સૌથી મોટું કૌભાંડ આચર્યાની પ્રાથમિક વિગતો મળી રહી છે.
2021ના દરોડા દરમિયાન આવકવેરાના દરોડામાં આવેલી આ પ્રકારની કેટલાક પાર્ટીઓ 2022માં ફરીથી નવા નામ સાથે સક્રિય થઈ ગઈ હોવાનું પણ આવકવેરાના દરોડા પાડનારા અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે. તદુપરાંત 50થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બોગસ ડોનેશનના કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
ડોનેશન માટે આવકવેરા ધારાની કલમ 80 જીજીબી અને કલમ 80 જીજીસીની જોગવાઈનો દુરુપયોગ કરીને રૂા. 4000 કરોડથી વધુનું ડોનેશન મેળવીને કમિશન કાપીને રોકડેથી તે જ નાણાં દાતાઓને પરત કરી દઈને આવકવેરાની મોટી ચોરી કરવામાં મદદગારી કરી હોવાનું બહાર આવ્યું હોવાનું આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે.
ડોક્ટર્સ, વકીલ જેવા પ્રોફેશનલ્સ અને રૂા. 10-20 લાખના પગારદરો સહિત 75 લાખથી એક કરોડનો પગાર ધરાવનારાઓ પણ બોગસ ડોનેશનના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. એક જ વ્યક્તિએ બે અલગ અલગ નામથી રાજકીય પક્ષો બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આ રાજકીય પક્ષોની ઓફિસ બહુધા અમદાવાદ શહેર અને તેની પરિસરના વિસ્તારોમાં જ હોવાનું જોવા મળ્યું છે. માત્ર 3થી 4 રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદથી દૂર સુરત, રાજકોટ અને પોરબંદર જેવા વિસ્તારોમાં હોવાનું બહાર આવ્યું છે. મુંબઈની પણ બે પોલિટિકલ પાર્ટી સરદાર વલ્લભભાઈ પાર્ટી અને જનદાર વાદી કોન્ગ્રેસ પાર્ટીએ પણ બોગેસ ડોનેશનનાા કૌભાંડ આચરીને સરકારની તિજોરોને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડયું છે. રાજકીય પક્ષોની માફક ચેરિટેબલ ઓર્ગેનાઈઝેશન ઊભા કરીને પણ બોગસ ડોનેશનનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
ડોનેશનનો ચેક લઈને 20 ટકા કમિશન રાખી બાકીના નાણા રોકડમાં આપી દેવાતા
રજિસ્ટર્ડ અનઓર્ગેનાઇઝેશન પોલિટિકલ પાર્ટીઓના બોગસ ડોનેશન કૌભાંડમાં કહેવાતા દાતાઓ પાસેથી એક કરોડનો ચેક લઈન 20 ટકા કમિશનર કાપી લઈને બાકી રકમ રોકડેથી પરત કરીને કૌભાંડ આચર્યું છે. આ જ રીતે રોકડેથી લઈને ચેક આપવાનું કૌભાંડ તેમણે આચર્યું છે. બનાવટી ડોનેશનના કૌભાંડનો મોટી મોટી કંપનીઓએ પણ લાભ લીધો હોવાનું બહાર આવ્યું છે.