વિવાદનો પર્યાય બની ચૂકેલી ‘કવીન’ની છેલ્લી બે ફિલ્મો ‘રંગૂન’ અને ‘સિમરન’ ધડામ્ કરતી પછડાઈ છે
સચિન તેંડુલકર કાંઈ બધી મેચમાં સેન્ચૂરી ન ફટકારી શકે તે ન્યાયે કંગના રનૌટની કાંઈ બધી ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત ન થાય. જો કે ‘ક્રિકેટ ગોડ’ અને ‘કવીન’ની સરખામણી આ તો જસ્ટ અમસ્તી જ કરી છે.કંગના રનૌટે ‘તનુ વેડ્સ મનુ’ અને ‘કવીન’ થકી ‘સેન્ચૂરી’ નોંધાવી તે કબૂલ પણ રીવોલ્વર રાની, ઉંગલી, રંગૂન અને સિમરન એ ચારેય ફિલ્મો ધડામ કરતી પછડાઈ તેનું શું ? ‘કવીન’ પછી ‘તનુ વેડ્સ મનુ રીટર્ન’ સુપરહીટ થઈ એટલે કંગના પોતાને સુપરસ્ટાર સમજે તે સ્વાભાવિક ગણાય પરંતુ તેણે નિર્માતાઓ પાસે એવી શરત રાખવા માંડી કે ફિલ્મનો હીરો તો હું જ !!! મતલબ કે મને કેન્દ્રમાં રાખીને સ્ક્રિપ્ટ લખાવી જોઈએ.કંગના રનૌટની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા’ની સ્ટોરી ‘ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ’ના જીવન પર આધારીત છે. કહેવાની જરૂર નથી કે કંગના લક્ષ્મીબાઈનો રોલ નિભાવી રહી છે. પરંતુ સો મણનો સવાલ છે કે અગર કંગનાનો લક્ષ્મીબાઈ અવતાર પણ ન ચાલ્યો તો શું ? કવીન કહે છે કે હું ડાયરેકટર બની જઈશ. આમ પણ મારી તમન્ના છે કે હું એક ફિલ્મ ડાયરેકટ કરું.કંગના લક્ષ્મીબાઈના રૂપમાં ઢળવા માટે ખૂબજ મહેનત કરી રહી છે. ઘોડે સ્વારી, તલવારબાજી વિગેરેની તાલીમ લઈ રહી છે. ઈન્ટાગ્રામ પર પિકચર્સ પણ પોસ્ટ કરી રહી છે. તાલીમ દરમિયાન એકવાર તો ઘાયલ પણ થઈ છતાં કંગના હિંમત હારી નથી. ‘મણિકર્ણિકા’નું શુટિંગ ચાલુ છે એટલે કંગના તેમાં બિઝી થઈ જતાં ઋતિક રોશનને પણ શાંતિ છે. નહીંતર ‘વરું દીમાગ શેતાનનું ઘર’ કહેવત મુજબ કંગના રોજ ને રોજ કંઈક ને કંઈક ઉંબાડિયા કરતી હતી.કંગના કોઈની સાથે સારાસારી રાખી શકતી નથી તે વાત સાચી લાગે છે કેમ કે તેણે તનુ વેડ્સ મનુના ડાયરેકટર આનંદ એલ.રાય સાથે પણ સંબંધ બગાડયા છે. અત્યારે તેઓ શાહરુખ, અનુષ્કા અને કેટરીનાને લઈને ફિલ્મ બનાવી રહ્યો છે.