ચોરી ઉપર સીના જોરી
જીઆરડી ઓફિસે ઘસી આવેલા બે શખ્સોએ કેમ અમારા પુત્રની ધરપકડ કરી હતી કહી ત્રણ પોલીસમેન સાથે ઝપાઝપી કરી એકને છરીનો ઘા ઝીંકી દીધો: ત્રણની ધરપકડ
માંગરોળ પોલીસે છેડતીના આરોપીની પૂછપરછ માટે અટકાયત કરી તે દરમિયાન પોતાના પુત્રનું ઉપરાણું લઇ કેમ મારા પુત્રને પોલીસ મથકે લાવ્.યા તેમ કહી બે શખ્સોએ જીઆરડી કચેરી ખાતે ધમાલ માચાવી ત્રણ પોલીસમેન સાથે ઝડપા ઝડપી કર્યા બાદ એક પોલીસમેનને છરીના ઘા ઝીંકી દેતા સનસનાટી મચી ગઇ છે. પોલીસમેન પર છરીથી હુમલો કરવાના ગુનામાં ત્રણ શખ્સોની ધરપકડ કરી ત્રણેયને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે.
માંગરોળમાં છેડતીના એક બનાવવામાં આરોપી જલ્પેશ ઉર્ફે કલ્પેશ મનોજ પરમારને માંગરોળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ પ્રવીણભાઈ દાફડા તથા સ્ટાફ જી આર ડી ઓફિસે તપાસ માટે લઈ ગયેલ હતા ત્યારે જલ્પેશના પિતા મનોજ પરમાર અને અરવિંદ ચાવડા પોલીસ સ્ટેશને જઈ ચડ્યા હતા અને ત્રણેય શખ્સોએ સાથે મળીને પોલીસ સ્ટેશનમાં રાડારાડી કરી, માથાકૂટ કરી ફરજમાં રૂકાવટ કરતા આરોપી જલ્પેશ સહીત ત્રણેય ઈશમોને પોલીસે જીઆરડી કચેરીમાં બેસાડી દેતા મનોજ પરમારે ઉશ્કેરાઈ જઈ છરી કાઢી, હુમલો કરતા ફરજ પરના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ દાફડાને ઇજા થઈ હતી.
બાદમાં છેડતીના આરોપી જલ્પેશ ઉર્ફે કલ્પેશ મનોજ પરમાર, જલ્પેશના પિતા મનોજ પરમાર અને અરવિંદ ચાવડા સામે ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.