મુસ્લિમ પરિણીતા મોડીરાતે હિન્દુ વિસ્તારમાં જતા મુસ્લિમ સમાજના ટોળાએ મકાનમાં તોડફોડ કરતા નાસભાગ

એસપી ડો.કરણરાજ વાઘેલા, ડીવાય.એસ.પી. કોડીયાતર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ માંગરોળ દોડી ગયા

જૂનાગઢ, કેશોદ, શીલ અને ચોરવાડ પોલીસ કાફલો અને એસઆરપીનો માંગરોળમાં બંદોબસ્ત ગોઠવાયો

માંગરોળના લીંબડા ચોક કાજુ ફળીયા હિન્દુ વિસ્તારમાં ગતરાતે મુસ્લિમ પરિણીતા પોતાના ત્રણ બાળકો સાથે જતી હોવાનું મુસ્લિમ સમાજના શખ્સોને જોવા મળતા મસ્લિમ મહિલા મોડીરાતે હિન્દુના મકાનમાં કેમ ગઇ તે અંગે તપાસ કરવા માટે મુસ્લિમ ટોળુ એકઠું થયુ હતું અને મકાનની અગાશી પર ચડી તોડફોડ શરુ કરી હતી. વિફરેલા ટોળાએ હિન્દુ વેપારી અને તનિા બે પુત્ર પર હુમલો કરતા નાસભાગ મચી ગઇ હતી. મોડીરાતે માંગરોળમાં કોમી તંગદીલી સર્જાયાની પોલીસને જાણ થતા માંગરોળમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. વેપારીની ફરિયાદ પરથી મુસ્લિમ શખ્સોના ટોળા સામે ગુનો નોંધી ઝડપી લેવા શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાજુ ફળીયામાં ઇમ્તિયાઝભાઇ શેખે હિન્દુનું મકાન ભાડે રાખ્યું હતું. અને ગઇરાતે તેમનો ઘર વખરીનો માલ-સામાન ફેરવી રહ્યા હતા. ઇમ્તીયાજભાઇ શેખના પત્ની શહેનાજબેન પોતાના ત્રણ બાળકો સાથે ભાડાના મકાનમાં મોડીરાતે ગયા તે મુસ્લિમ શખ્સોએ જોયુ હોવાથી મુસ્લિમ મહિલા મોડીરાતે હિન્દુના મકાનમાં કેમ ગઇ તે અંગેની વાતનું વતેસર થયું હતું અને થોડીવારમાં મુસ્લિમ શખ્સોનું ટોળુ લીંબડા ચોક કાજુ ફળીયામાં ઘસી આવ્યું હતું અને હિન્દુના મકાનની અગાશી પર ચડીને ગોકીરો કરી મકાન ખોલવાની ફરજ પાડી હતી. હિન્દુ વિસ્તારમાં ગોકીરો થતા હિન્દુ સમાજના ટોળા પણ કાજુ ફળીયામાં એકઠા થતાં તંગદીલી સર્જાય હતી. આથી કોઇએ પોલીસને જાણ કરતા માંગરોળ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચી મકાનમાં તપાસ કરી ત્યારે ઇમ્તીયાઝભાઇ શેખે હિન્દુનું મકાન ભાડે રાખ્યું હોવાનું અને તેમની પત્ની શહેનાજબેન પોતાના બાળકો સાથે આવ્યાનું બહાર આવ્યું હતું. પોલીસે ટોળાને વિખેરી નાખ્યું હતું.

થોડીવાર બાદ ફરી પાઇપ, ધોકા અને લાકડી જેવા હથિયાર સાથે કાજુ ફળીયામાં ઘસી આવ્યા હતા અને ઇમ્તીયાઝભાઇ શેખે જે મકાન ભાડે રાખ્યું તેમાં તોડફોડ શરુ કરી હતી. આ વિસ્તારમાં રહેતા રેડીમેઇટ કપડાના વેપારી પુનિતભાઇ દિલીપભાઇ સિંધવાએ મુસ્લિમ શખ્સોના ટોળાને સમજાવવા પ્રયાસ કર્યો હતો ત્યારે ઉશ્કેરાયેલા ટોળુ તેમના પર હુમલો કરતા પુનિતભાઇ સિંધવાના પુત્ર દેવ સિંધવાએ પોતાના મોબાઇલમાં રેકોર્ડીગ કરતા તેનો મોબાઇલ તોડી નાખ્યો હતો પુનિતભાઇ સિંધવાનો બીજો પુત્ર યશ પોતાના પિતાને બચાવવા વચ્ચે પડતા તનવીર સુમરા, સહેજાદ બેરા, આફતાબ સહિતના શખ્સોએ ત્રણેય પિતા પુત્ર પર હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

માંગરોળમાં મોડીરાતે કોમી તંગદીલી સર્જાતા જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, ડીવાય.એસ.પી. કોડીયાતર અને માંગરોળ પી.એસ.આઇ. સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ માંગરોળ પહોચી વિફરેલા ટોળાને વિખેરી નાખ્યું હતું. ફરી અનિચ્છનીય બનાવ ન બને તે માટે જૂનાગઢ, કેશોદ, શીલ, ચોરવાડ સહિતનો પોલીસ સ્ટાફ અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે પુનિતભાઇ દિલીપભાઇ સિંધવાની ફરિયાદ પરથી તનવીર સુમરા, આફતાબ અને સહેજાદ બેરા સહિતના શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.