લંબોરા-વિરપુર સીમની નોળી નદીના જળાશયમાં ઉતરેલા યાયાવર પક્ષીઓ પર શિકારીઓ ત્રાટકતા ગ્રામજનો વિફર્યા

માંગરોળ પંથકમાં વિદેશી પક્ષીઓના શિકારીઓ સક્રિય થયા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે આજે લંબોરા-વિરપુરની સીમમાં આવેલ નોળી નદીના જળાશયમાં ઉતરેલા કુંજનો શિકાર થતો હોવાની જાણ મળતાં ગ્રામજનોએ સામૂહિક રીતે જળાશય તરફ દોડ મૂકી હતી

અને કેટલાંક શખ્સોને ઝડપી લઇ સાથેના કોથળાઓમાં તપાસ કરતા શિકારીઓ દ્વારા કુંજ પક્ષીઓની ગરદન મરડીને કોથળામાં ભરેલા મૃતદેહો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ગ્રામજનોએ મૃતદેહો સાથે મળેલા શખ્સોને મોટર સાયકલ સહિત પોલીસ મથકે સોંપી દીધા હતાં. છેલ્લાં ઘણા સમયથી માંગરોળ પંથકમાં અલગ-અલગ જળાશયોમાં વિદેશી યાયાવર પક્ષીઓ અને ખાસ કરીને સાઇબિરીયાથી સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરીને કુંજ મોટાપાયે આ વિસ્તારમાં ઉતરે છે અને છેલ્લા કેટલાક સમયથી કુંજ સહિતના પક્ષીઓના શિકાર કરનારાઓના ધાડા પણ માંગરોળ વિસ્તારમાં ઉતર્યા હોવાની ફરિયાદો ઉઠી હતી.

આજે નોળી નદીના જળાશય પાસે કુંજનો શિકાર કરી મૃતદેહોને સગેવગે કરવાની પેરવી કરતા શખ્સોને કુંજના મૃતદેહો અને મોટર સાયકલ સહિતના મુદ્ામાલ સાથે ઝડપી લઇ પોલીસ હવાલે કરવામાં આવ્યા હતાં. પોલીસ અને વનવિભાગ દ્વારા તપાસ આરંભીને ગુનોની નોંધવાની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.