ત્રણ દિવસ પહેલા યુવાને ઝેરી દવા ગગટાવી’તી: સારવારમાં દમ તોડતા પરિવારમાં આક્રંદ
માંગરોળના કારજ ગામે રહેતા યુવકને પિતાએ નવો મોબાઈલ નહીં અપાવતા યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના કારજ ગામે રહેતા કૌશિક કરશનભાઈ મોકરીયા નામનો ૧૯ વર્ષનો યુવાન ત્રણેક દિવસ પૂર્વે પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ અંગે ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈમાં મોટો અને ખેતી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. કૌશિક મોકરીયાને નવો ફોન લેવો હતો પરંતુ પિતાએ નવો ફોન નહીં અપાવતા ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.