પોલીસ ફરિયાદ ન નોંધાઈ: બનાવ સંદર્ભે એફ.એસ.એલ.ને જાણ કરાઈ
માંગરોળમાં છેલ્લા કેટલાક સમયથી જમીન અંગેના ચાલતા વિવાદમાં આજે ભરબપોરે ફાયરીંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. જમીનના કબ્જેદારોમાં ભય ફેલાવવા તમંચામાંથી ભડાકો કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. પોલીસે ઘટના સ્થળેથી ફૂટેલો કારતુસ કબ્જે કર્યો છે. બનાવ અંગે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શહેરના નાગદા વિસ્તારમાં ખાખીમઢી પાસે અબ્દુલભાઈ ઈશાભાઈ પટેલ પોતાના બે ભાઈઓના પરિવાર સાથે વાડીમાં રહે છે. કરોડો રૂ.ની કિંમતની આ જમીન બાબતે આજે બનેલી ઘટના અંગે તેઓએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે આ જમીન જે તે સમયે માંગરોળના રજવાડા પાસે હતી. તે સમયમાં તેઓના દાદા સેવા કરતા હોવાથી તેઓને બક્ષીસ તરીકે આપવામાં આવી હતી. જેનો ૭૦ વર્ષથી તેઓ પાસે કબ્જો છે. હાલમાં અહીં નાળીયેરીનો બગીચો છે. આ જમીનનું લખાણ થઈ ગયું છે એમ કહી બીબલમા, મન્સુરમીંયા તથા અન્ય એક મળી ત્રણ વ્યક્તિ અવારનવાર જમીન ખાલી કરવાનું કહે છે.
દરમ્યાન આજે બપોરે વાડીના દરવાજે બે શખ્સોએ આવી ડેલા આડે ઊભી ફાયરીંગ કરી અમો કાંઈ સમજીએ તે પહેલા નાસી છૂટયા હતા. થોડા દિવસ પહેલા પણ આ જગ્યાએ બબાલ થઈ હતી. જેમાં બહારથી આવેલા અજાણ્યા શખ્સોની એકઠા થયેલા સ્થાનિકોએ ભારે ધોલધપાટ કરી હતી. શહેરમાં ભારે ચર્ચા જગાવનાર આ બનાવમાં જો કે પોલીસ ફરીયાદ નોંધાઈ ન હતી. આજના બનાવ સંદર્ભે એફ.એસ.એલ.ને જાણ કરવામાં આવી છે.