સાધુના સ્વાંગમાં આવેલા ઠગે ગુરુ મહાત્માની કૃપાથી તમને રિધ્ધી સિધ્ધી આપવાનું કહી સાત પેઢી ખાતા ન ખૂટે એટલુ ધન આપવાની લાલચ દઇ વિધીના ખર્ચના બહાને આજી ડેમ અને જામનગર રોડ પર બોલાવી છેતર્યા

લોભી હોય ત્યાં ધૂતારા ભુખે ન મળે તે ઉક્તિ સાર્થક થાય તેવી છેતરપિંડીની ઘટના માણાવદરના સણોસરા ગામના પરિવાર સાથે બની છે. સાધુના સ્વાંગમાં આવેલા ઠગે ગુરુ કૃપાથી તમને સાત પેઢી ખાતા ખુટે નહી એટલુ ધન પ્રાપ્તી થઇ શકે તેમ હોવાની લોભામણી લાલચ દઇ વિધી માટે ધૂપ ખરીદ કરવા રુા.12 લાખની માગણી કરી રાજકોટના ચાર સાધુએ રુા.6.30 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માણાવદર તાલુકાના સણોસરા ગામે રહેતા ભરતભાઇ મસરીભાઇ વાડોલીયા નામના 33 વર્ષના કોળી યુવાને રાજકોટના ચાર અજાણ્યા સાધુએ રુા.6.30ની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભરતભાઇ, તેમના પિતા મશરીભાઇ અને માતા મંજુબેન પોતાના ઘરે હતા ત્યારે એક સાધુ આવીને પોતાને ગાઠીયા ખાવા માટે માગ્યા હતા. તેમને પોતાની પાસે ગાઠીયા નહી પરંતુ જમવાનું છે તેમ કહી જમાડયા હતા. ત્યારે સાધુએ પોતાની માતા મંજુબેનને ત્રણ પારા આપ્યા હતા અને ગુરુદેવ તમને ફોન કરે ત્યારે મળવા આવજો તમારી તમામ મનોકામના પુરી થશે તેમ કહી મોબાઇલ નંબર લીધો હતો. સાંજે સાંધુનો ફોન આવતા તેને મળવા માટે પિતા-પુત્ર રાજકોટ આવવા નીકળ્યા હતા ત્યારે તેમને ગોંડલ નજીક ભોજપરા પાસે મળવ્યા હતા ત્યાં અન્ય ત્રણ સાધુઓ હતા. જે પૈકીના એક સાધુએ રિધ્ધી સિધ્ધી આપવાનું કહી લોખંડની એક પેટી આપી હતી. તેમાં તમારી સાત પેઢી ખાતા ખુટે નહી એટલુ ધન હોવાનું કહ્યું હતું. પરંતુ આ ધનના ઉપયોગ પૂર્વે તેની વિધી કરવી પડશે તે માટે ગુરુદેવે તમારા ઘરે આવવું પડશે તેમ કહી પતરાની પેટી સાધુ પાસેથી લઇ પિતા-પુત્ર પોતાના ઘરે જતા રહ્યા હતા.

બીજા દિવસે ફરી સાધુનો ફોન આવ્યો હતો અને વિધી માટે જરુરી પુજાની સામગ્રી અને ધૂપ લેવો પડશે તેનો ખર્ચ રુા.12 લાખ થશે તેમ કહ્યું હતું. આથી ભરત અને તેના પિતા મશરીભાઇએ પોતાની પાસે આટલી મોટી રકમ પોતાની પાસે આટલી મોટી રકમ ન હોવાનું જણાવતા સાધુએ તમારી પાસે જેટલી વધુ રકમની વ્યવસ્થા  થાય એટલી કરો કહી તાત્કાલિક રાજકોટ આવી જવા જણવ્યું હોવાતી ભરત અને તેના પિતા મશરીભાઇ વાડોલીયા રુા.3 લાખ લઇને રાજકોટ આવી આજી ડેમ પાસે આપ્યા હતા અને બીજા દિવસે વધારે રુા.3.30 લાખ લઇને રાજકોટના જામનગર રોડ પર ચારેય સાધુને આપ્યા સાધુઓએ કપડાના બે દડા આપી આમા ધૂપ છે.

તે તમે લઇને તમારા ઘરે પહોચો અમો સાંજે વિધી કરવા માટે આવી જશું તેમ કહી પિતા-પુત્રને રવાના કરી દીધા હતા. ભરત અને તેમના પિતા મશરીભાઇ સણોસરા આવીને સાધુને મોબાઇલ પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો ત્યારે તેમનો મોબાઇલ સ્વીચ ઓફ હતો. સાધુએ આપેલી પતરાની પેટી ખોલીને જોતા તેમાંથી ખાલી કોથળાના બાચકા નીકળ્યા હતા. આથી પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ કે.એસ.લાલકા સહિતના સ્ટાફે અજાણ્યા સાધુ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.