- વ્હેલ શાર્કના રક્ષણ અને બચાવ માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી કાર્યક્રમ યોજાયો
- બહોળી સખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
Mangrol: વૈશ્વિક સ્તરે લુપ્ત થતી દુર્લભ પ્રજાતિ અને મહાકાય દરીયાઈ જીવ એવી વ્હેલ શાર્ક પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. ત્યારે તેના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી માંગરોળ બંદર ખાતે આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માંગરોળ ઉપરાંત વેરાવળ, ધામળેજ, સુત્રાપાડા, હીરાકોટ, ચોરવાડ સહિતના બંદરોના માછીમારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢ વન વિભાગ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઈન્ડિયા તથા ટાટા કેમિકલના સહયોગથી ચાલી રહેલા વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના દરીયામાં પ્રવાસ કરતી વ્હેલ શાર્કના રક્ષણ અને બચાવ માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આયોજીત કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક જુનાગઢના ડો. કે. રમેશ, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (વેરાવળ)ના આ.કમાન્ડન્ટ અંકિતકુમાર મિશ્રા તેમજ ખારવા સમાજના પટેલ ધનસુખ ગોસિયા, નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના મેમ્બર વેલજી મસાણી, મહાવીર મંડળીના પ્રમુખ દામોદર ચામુડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ, આગેવાનોએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતના માછીમારોના સાથ સહકારથી છેલ્લા બે દાયકા દરમ્યાન દરીયામાં આકસ્મિક રીતે જાળમાં ફસાયેલી ૯૫૦ જેટલી વ્હેલ શાર્કને માછીમારોએ જાળ કાપીને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી છે. જાળના નુકસાન પેટે વન વિભાગ દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું છે.
નીતિન પરમાર