કોરોનાના કહેર વચ્ચે માંગરોળ તાલુકામાં ઓક્સિજનના જરૂરિયાતમંદ ગંભીર દર્દીઓ હાલમાં ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે ડોક્ટરની ટીમ અને ઓક્સિજનની વ્યવસ્થા મળી રહે તો કોવિડ હોસ્પિટલ શરૂ કરવા આગેવાનોએ જી.કલેકટર સમક્ષ તૈયારી  દર્શાવી હતી. જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી અહીં 30 બેડની ઝોહરા હોસ્પિટલ તૈયાર છે. પરંતુ ઓક્સિજન ન હોવાથી દર્દીઓને એડમિટ કરી શકાતા નથી. શહેરની એક હોસ્પિટલમાં સ્ટાફ કોરોના સંક્રમિત થતા બંધ જેવી હાલતમાં છે. તો અન્ય એક હોસ્પિટલમાં ઓક્સિજનના પાંચેક મશીનો જ હોવાથી અત્યંત મર્યાદિત દર્દીઓની સારવાર શક્ય બને છે. ત્યારે ગંભીર દર્દીઓ સારવાર માટે કયાં જાય ? તે પ્રશ્ન સતાવી રહ્યો છે.

ઓક્સીજનની તાતી જરૂરિયાત વચ્ચે આગેવાનોએ ઓક્સિજનના 70 જેટલા સિલિન્ડર એકત્રિત કર્યા છે. પરંતુ રિફિલિંગના અભાવે તદન બિન ઉપયોગી બની રહ્યા છે. જન આરોગ્યની કથળતી સ્થિતિ વચ્ચે આજે ન.પા.પ્રમુખ મો.હુસેન ઝાલા, ઉ.પ્ર. મનોજ વિઠલાણી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન વાલાભાઈ ખેર, વેપારી અગ્રણી પરેશભાઈ જોશી, રણછોડભાઈ ગોસીયા સહિતના આગેવાનોએ મામલતદાર એમ.એન. રાયચુરા સમક્ષ રોષભેર રજૂઆત કરી દરરોજ જરૂરીયાત મુજબના ઓક્સિજનના સિલિન્ડર રિફિલિંગ કરી આપવાની વ્યવસ્થા કરી આપવા માંગ કરી હતી. મામલતદારે પ્રવર્તમાન સ્થિતિ અંગે ઉચ્ચકક્ષાએ અધિકારીઓને માહિતગાર કર્યા હતા. ત્યારે ઉચ્ચકક્ષાએથી ઓક્સિજનની પ્રવર્તી રહેલી અછત અંગે શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.