સૌને પ્રિય એવી કેરી ફળોમાં પણ સર્વશ્રેષ્ઠ ગણાય છે તેથી જ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. વસંત ઋતુમાં કેરીના વૃક્ષ પર લાલ રંગના ફૂલ તથા પાન ફૂટવાની શરૃઆત થઈ જાય છે. હિંદુઓ આંબાને શુભ ગણે છે. શુભ પ્રસંગે આંબાના પાનના તોરણ દરવાજા પર બાંધે છે. આંબા વિવિધ આકારના હોય છે. ગોળ, લંબગોળ, મોટું, નાનું એટલું જ નહીં તેના રંગોમાં પણ ફરક હોય છે. પીળો, લીલો, આછો પીળો, કેસરી.
ઉત્તર પ્રદેશમાં આંબાનો મબલખ પાક થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત મધ્ય પ્રદેશ, બિહાર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ તથા આસામમાં પણ કેરીનો પાક થાય છે. આંબાને અમૃત ફળની ઉપમા આપવામાં આવી છે.
કેરી પિત્ત તથા કબજિયાતના વિકારોને દૂર કરે છે. ઉપરાંત તે રક્તવર્ધક તથા શુક્રવર્ધક પણ છે. આંબાના ગુણ સ્થિતિને અનુસાર અલગઅલગ હોય છે.
આંબાનું વૃક્ષ એવું અદ્ભૂત છે કે તેનું ફળ જ નહીં પણ દરેક અંગમાં ઔષધીય ગુણ સમાયેલા છે.
– આંબાનો મોર : શીતળ, રૃચિકર, ગ્રાહી, વાતકારક તથા અતિસાર, કફ, પિત્ત, રક્તપ્રદરને નષ્ટ કરનાર છે.
– આંબાની જડ (મૂળિયા) : મળરોધક, શીતળ, રૃચિકર તથા કફ-વાયુનું શમન કરે છે.
– આંબાના પાન : મળ રોધક તથા ત્રિદોષનું શમન કરનારા છે.
– આંબાની ગોટલી : વમન, અતિસાર તથા હૃદયની પીડા દૂર કરે છે.
– આંબાની છાલ : રક્તસ્ત્રાવ બંધ કરનાર, હરસ, વમન તથા અતિસારથી છૂટકારો અપાવે છે.
– આંબાના સેવનથી નીચે જણાવેલ તકલીફો દૂર થાય છે.
વમન (ઉલ્ટી) :
કાચી કેરીનો પનો બનાવી પીવાથી ઉલ્ટીમાં શીઘ્ર લાભ થાય છે. આ ઉપરાંત આંબા તથા ફૂદીનાના પાન સપ્રમાણ માત્રામાં લઈ કાઢો બનાવવો. આ કાઢાને મધમાં ભેળવીને સેવન કરવાથી ઉલ્ટીથી છૂટકારો મળે છે.
પેટમાં કૃમિ :
આંબાની ગોટલી વાટીને ખાવાથી પેટમાંના કૃમિ બહાર ફેંકાય જાય છે. વાસી રોટલી સાથે આંબાની શેકેલી ગોટલી ખાવાથી આંતરડામાં પેઠેલા કૃમિ મૃત પામી બહાર ફેંકાય છે.
નસકોરી :
આંબાની ગોટલીની ગીરીનો રસ નાકમાં ટપકાવવાથી નાકમાંથી વહેતું રક્ત બંધ થઈ જાય છે. આંબાની ગોટલીની ગીરી વાટીને સૂંઘવાથી રાહત થાય છે.
કાનનો દુખાવો :
આંબાના તાજા લીલાછમ પાનનો અર્ક હુંફાળો કરી કાનમાં નાખવાથી દરદમાંથી રાહત થાય છે.
હૃદયરોગ :
પા કપ મીઠા આંબાના રસમાં એક ચમચી આદુનો રસ ભેળવી પીવાથી હૃદયરોગમાં લાભ થાય છે.
રક્તપ્રદર :
૧૦ ગ્રામ આંબાની ગોટલી તથા ૧૦ ગ્રામ શેકેલી હરડે લઈને તેનું ચૂરણ બનાવી ભેળવી દેવું. એક ગ્રામ મિશ્રણ નિયમિત દિવસમાં એક વખત પાણી સાથે ફાકી જવું. અઠવાડિયું નિયમિત ખાવાથી રાહત થશે.
કોલેરા :
કાચી કેરીની છાલ અડધા છટાંક દહીમાં વાટી સેવન કરવાથી લાભ થાય છે.
અતિસાર :
આંબાની ગીરીનું ચૂરણ બનાવી ખાવાથી રાહત થાય છે. આ ઉપરાંત આ ચૂરણ દિવસમાં ત્રણ-ચાર વખત બેથી ત્રણ માસ ખાવાથી પ્રદર, હરસ તથા દમથી પણ છૂટકારો મળે છે.
લૂ લાગવી :
કાચી કેરીને ગરમ રાખમાં દબાવી શેકવી. ત્યાર બાદ તેનો રસ કાઢી ખડીસાકર સાથે ભેળવી પીવાથી લૂની અસર નાબૂદ થાય છે.
કરોળિયાનું ઝેર :
આમચૂરને પાણીમાં એકરસ કરી કરોળિયાનું ઝેર ચડયું હોય તે સ્થાને લગાડવાથી વિષની અસર ઉતરી જાય છે.
દાઝ્યા પર
આંબાની ગોટલીની ગીરી પાણીમાં ઘસી દાઝેલા ભાગ પર લેપ કરવાથી તરત જ ઠંડક પ્રદાન થાય છે.
સ્વર ભંગ
અવાજ બેસી ગયો હોય તો ગભરાશો નહીં. આંબાના પાનને પાણીમાં નાખી ઉકાળવા. પા ભાગનું પાણી રહે એટલે ઉતારી ઠંડુ કરવું તથા તેમાં એક-બે ચમચા મધ નાખી કોગળા કરવાથી અથવા પીવાથી અવાજ ઉઘડવા લાગશે.
આંબાનો રસ તથા દૂધ
આંબાનો રસ તથા દૂધને એકી સાથે સેવન કરવાનું અતિ ઉત્તમ ગણાય છે. પાકા આંબાના રસમાં વિટામીન ‘એ’ તથા વિટામીન ‘સી’ પ્રચૂર માત્રામાં મોજૂદ હોય છે. નેત્રજ્યોતિ તથા શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધારવા વિટામીન ‘એ’ તથા વિટામીન ‘સી’ ચર્મરોગ, રક્તવિકાર નષ્ટ કરે છે. ઉપરાંત વાળ, દાંત તથા રક્તવૃદ્ધિ કરે છે. આંબાના રસમાં પર્યાપ્ત માત્રામાં દૂધ ભેળવવામાં આવે તો તેના ગુણમાં વૃદ્ધિ થાય છે. તથા આ મિશ્રણ શ્રેષ્ઠ બળવીર્ય તથા રક્તવર્ધક ટોનિકનું કામ કરે છે. નબળા, દુબળાપાતળા શરીરવાળા યુવક – યુવતી તથા સ્ત્રી-પુરુષો, રક્તાલ્પતા, ક્ષય, રક્તવિકાર, ધાતુદુર્બલ્ય તથા વીર્યક્ષયના રોગીઓ માટે આંબાનો રસ તથા દૂધનું સેવન ગુણકારી સાબિત થયું છે. આ મિશ્રણમાં મૃદુ વિરેચક ગુણ હોય છે તેથી કબજિયાતના દરદીઓ માટે લાભકારી નિવડે છે. અમ્લપિત્ત, (હાયપર એસિડિટી), નબળા આંતરડા, સંગ્રહણી, અરૃચિ, યકૃત- વૃદ્ધિ, યૌનશક્તિની ઉણપ-આ વ્યાધિઓ દૂર કરવા આંબાનો રસ તથા દૂધનું સેવન ઉત્તમ છે. રોજિંદુ ભોજન બંધ કરી ઓછામાં ઓછા ૪૦ દિવસ સુધી આંબાનો રસ તથા દૂધનું સેવન કરવાથી લાભ થાય છે. બે પધ્ધતિથી સેવન કરી શકાય છે.
પ્રથમ પદ્ધતિમાં પેટ ભરીને રસવાળા આંબાને ચૂસી ઉપરથી ઉકાળીને ઠંડુ કરેલું મીઠું દૂધ પીવું. બીજી પદ્ધતિમાં આંબાનો રસ કાઢી તેનાં અડધા માપનંુ દૂધ ભેળવવું. આ ઉપરાંત સૂંઠનો ભૂક્કો તથા શુધ્ધ ઘી એક બે ચમચા ભેળવવા અને સવારસાંજ એક-એક વખત પીવું. એક-બે મહિના સુધી નિયમિત પીવાથી સ્ફૂર્તિ આવે છે. બળ તથા રક્તવૃદ્ધિ થાય છે તથા ચહેરો તેજસ્વી બને છે.
સગર્ભા સ્ત્રીઓ માટે આંબાનો રસ તથા દૂધનું સેવન લાભદાયી છે.
જે યુવક-યુવતીઓ પોતાના શરીરને માંસલ, સુડોળ તથા હૃષ્ટપુષ્ટ બનાવવા ઇચ્છતા હોય તેમણે એક-બે મહિના આંબાનો રસ તથા દૂધનું સેવન કરવું.