પાંચ શખ્સોએ ડીસમીસ અને લોખંડના સળીયાથી હુમલો કરી ઢીમઢાળી દીધુ
માંગરોળ ટાઉનમાં ગઈકાલે સાંજના ટાણે એક 22 વર્ષીય યુવકની છાતીના ભાગે ડીસમિસના હિચકારા ઘા ઝીંકી દઈ હત્યા કરવામાં કરવામાં આવી હોવાની ઘટના ઘટી હતી, યુવતીને ભગાડી જવાના બનાવમાં થયેલ આ હત્યામાં એક યુવકને ઇજા પણ થવા પામતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ગુન્હામાં 5 શખ્સો સામે ફરિયાદ થતાં આરોપીઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.
માંગરોળમાં ગઈ સાંજના સમયે એક યુવકની થયેલ હત્યા અંગે પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, માંગરોળના બસ સ્ટેન્ડ સામે, બાદશાહના ડેલામાં રહેતા સાયર દેવશીભાઇ પરમાર (ઉ.વ.20) ની બહેન કાજલને અજય લવજી પરમારના કાકાનો વેજા લઘુ પરમાર દીકરો ભગાડી લઇ ગયેલ હોય, જેથી સાયર તથા સાગર (ઉ.વ.22) અજય લવજી પરમારના ઝુંપડે ઠપકો આપવા ગયા હતાં.
જે દરમિયાન ઘટના સ્થળે અજય લવજી પરમાર, રમેશ ઉર્ફે રમલો ઉર્ફે રીમલો સવજી પરમાર, વિરમ લવજી પરમાર, ધીરૂ સવજી પરમાર અને લવજી પ્રેમજી પરમાર નામના શખ્સોએ એકસંપ કરી, પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના હેતુથી એકઠા થઇ, પ્રાણઘાતક હથિયારો જેવા કે ડીસમીસ તેમજ લોખંડના સળીયાથી સજ્જ થઇ સાયર તથા સાગરને પકડી રાખી, રમેશ ઉર્ફે રમલો ઉર્ફે રીમલો સવજી પરમાર એ સાગરને છાતીમા ડીસમીસ વડે જીવલેણ ઘા કરી સાગરનુ મોત નીપજાવ્યું હતું.
તેમજ અજય લવજી પરમાર એ સાયર ને માથાના ભાગે લોખંડના સળીયા વડે હુમલો કરી માથામા ગંભીર ઇજા પહોંચાડી હોવાની સાયર દેવશીભાઇ પરમાર એ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનાની જાણ થતા જ માંગરોળ પી.એસ.આઇ. એસ.એ.સોલંકી પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મરણ જનાર યુવક સાગર અજય લવજી પરમારના મૃતદેહની પી.એમ. માટેની કાર્યવાહી કરી, હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.