- સીલ નજીક અને ખરેડા ફાટક પાસે વહીવટી તંત્ર દ્વારા પાણીના પરબ શરૂ કરાયા
- લોકોની તરસ છીપાવવાની સાથે સ્થાનિક સ્વયં સેવકો, તલાટી મંત્રી સહિતના કર્મચારી અવશ્ય મતદાન કરવા માટે કરી રહ્યા છે પ્રેરિત
માંગરોળ ન્યૂઝ : તાપમાનનો પારો ઉપર ચડતો જાય છે, ત્યારે આ ભારે ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા માંગરોળના શીલ નજીક અને ખરેડા ફાટક પાસે પાણીના પરબ શરૂ કરવામાં કરવામાં આવ્યા છે. આ પાણીના પરબના માધ્યમથી લોકોની તરસ તો છીપાવવામાં આવી રહી છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને તા.૭મી મે અચૂક મતદાન કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
આ સંદર્ભે માંગરોળના તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરા કહે છે કે, ભારે ગરમીમાં લોકો હાઈડ્રેટ રહે તે ખૂબ જરૂરી છે. આ માટે તંત્ર દ્વારા જુદા જુદા ગામડાઓને જોડતા માર્ગના સ્થળે પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા છે. આ પાણીના પરબ એક રીતે વિશિષ્ટ પરબ બન્યા છે, અહીંયા લોકોને ઠંડુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. સાથે જ તા.૭મી મેના રોજ અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જરૂરી સંદેશ આપવામાં આવી રહ્યો છે. આમ, હિટવેવથી બચવા માટે પાણી પીવું જરૂરી છે, સાથે જ લોકશાહીમાં મતદાન અવશ્ય કરવું જરૂરી છે.
ઉપરાંત મતદાન જાગૃતિ અર્થે બેનર પણ લગાવવામાં આવ્યા છે. તેમજ આ પાણીના પરબ ચલાવવા અને મતદાન જાગૃતિનો સંદેશ આપવા માટે સ્થાનિક સ્વયં સેવકો ઉપરાંત તલાટી મંત્રી અન્ય કર્મચારી-અધિકારી પણ જહેમત ઉઠાવી રહ્યા છે.
નિતિન પરમાર