કોરોનાકાળ પછી સારી એવી કમાણી થતા મંડળના બહેનોને જીવમાં જીવ આવ્યો

રાજકોટમાં યોજાયેલ “આઝાદીના અમૃત લોકમેળા” મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા “મંગલમ ક્રાફટ બજાર” પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 29 લાખથી વધુ રકમની વસ્તુઓનું વેચાણ થતા મહિલા કારીગરો ખુશખુશાલ થયા હતા.

સખી મેળામાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રચાયેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ જેવી કે, બાંધણીની સાડી, પટોળા, હસ્તકલાની વસ્તુઓ, ચણિયાચોલી, ઈમિટેશન જવેલરી, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ, ટાંગલીયા વર્ક, લાકડાના રમકડા, લોખંડના રમકડા, શંખની આઈટમો, માટીકલાની વસ્તુઓ, ઝુલા, તોરણ, એમ્બ્રોડરી વર્ક, ભરત ગુંથણની વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ હેતુ જોડાયા હતા.

લોકમેળામાં 6 દિવસ દરમ્યાન સ્વસહાય જૂથો તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું ખુબ જ મોટા પ્રમાણમાં વેચાણ કરી સ્વાવલંબી બન્યા હતા. મેળામાં આવનાર મુલાકાતીઓ દ્વારા “મંગલમ ક્રાફટ બજાર” કુલ પર(બાવન) જેટલા સ્ટોલમાં ખરીદદારો દ્વારા મહિલા કારીગરોએ ઉત્પાદિત કરેલી વિવિધ વસ્તુઓની આશરે રૂ.29.72 લાખ જેટલી માતબર રકમની ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં આવી હતી. ચીજવસ્તુઓનું મોટાપાયે વેચાણ થતા ભાગ લેનાર સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ સ્વસહાય જૂથોના સભ્યો બહેનો આજીવિકા મેળવી આનંદિત થયા હતા.

નૈમિષા સ્વસહાય જૂથના બહેનોએ જણાવ્યું હતું કે, કોરોનાકાળ પછી સારી એવી કમાણી થતા અમારા મંડળના બહેનોને જીવમાં જીવ આવ્યો છે.આ તકે ડિસ્ટ્રિક્ટ લાઈવલી હુડના મેનેજર વિરેન્દ્રસિંહ બસિયાએ જિલ્લા વહીવટી તંત્ર-રાજકોટ અને મેળાની મુલાકાતે આવેલા તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકો દ્વારા ખરીદી કરવામાં આવેલી નાની વસ્તુ પણ કારીગરોનું જીવન બદલી શકે છે. બહેનોને સારી એવી કમાણી થતા પુરતી રોજગારી મળી છે. જે ઉત્સાહથી બહેનોએ ભાગ લીધો હતો, તેના કરતા અનેક ગણા ઉત્સાહ અને પુરતી રોજગારી મળવાની ખુશી બહેનોના ચહેરા પર જોવા મળી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટ દ્વારા મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું સીધું વેચાણ કરી શકે તે માટે સમયાંતરે વેચાણસહ પ્રદર્શન મેળાઓ યોજીને ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે સેતુરૂપ કામગીરી કરી રહ્યું છે ત્યારે મહિલા કારીગરોને રૂ.29, 72,536/- ની જંગી કમાણી થતા મહિલાઓના આર્થિક વિકાસ અને સ્વાવલંબી બનાવવા માટે કડીરૂપ બન્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.