- દેવ દિવાળીની મધરાત્રે ભવનાથ ગેટમાંથી ભાવિકોને 36 કી.મી.ની પરીક્રમા માટે અપાશે ‘વન પ્રવેશ’
ગરવા ગિરનારની સિઘ્ધભૂમિની લીલી પરીક્રમમાં દેવદિવાળીથી વન પ્રવેશ કરી ભાવિકો ગીરનાર ફરતે 36 કી.મી.ની પગપાળા યાત્રા કરી પુણ્યનું ભાથુ બાંધશે, આદીકાળથી ચાલી આવતી પરિક્રમામાં હવે ભકિત સાથે પર્યાવરણ જતનની નેમ સાથે યાત્રાના આયોજનમાં તંત્રએ તૈયારીઓને અંતિમ ઓપ આપ્યું છે.
ગિરનારની લીલી પરિક્રમામાં જુદા જુદા ગામના લોકો, જુદી જુદી કોમના અને પ્રાંતના લોકો ભેગા થયા હોય, જેના પરથી અનેક રીત-રિવાજ, ભાષા, પોશાક વગેરે જાણી શકાય છે. સૌ મળીને સાથે રહેતા શીખે છે, જે પ્રવાસનો આનંદ હોય છે.
ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે, જેમાં એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ, દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. બારસના દિવસે ભવનાથ તળેટીના દુધેશ્વરની જગ્યા, રૂપાયતન ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. ભાવિકો ઉત્તર દિશામાં પહાડો વટાવતાં અંદાજે સાડા ત્રણ માઈલ દૂર હસનાપુર કે જીણાબાવાની મઢીએ રાત્રિ રોકાણ કરે છે.
જે પછી કારતક સુદ તેરસના દિવસે આગળ વધીને માળવેલા કે જ્યાં સૂરજકુંડની જગ્યા છે, તેવા ગિરનારના ઉત્તર કિનારે પડાવ નાખીને ભાવિકો રાત્રિ વિશ્રામ કરે છે. ચૌદશના દિવસે માળવેલાથી ઉપડી ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ બાજુ બોરદેવીમાં પડાવ નાખવાનો હોય છે. અહીં બોરડી નીચે માતાજી બિરાજમાન છે, જ્યાં બારેમાસ પાણી રહે છે. આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાને કારણે, ભાવિકો અહીં પ્રકૃતિનો મન ભરીને આનંદ માણે છે. પૂનમના દિવસે સવારે બોરદેવીથી નીકળીને ભાવિકો ભવનાથ તળેટીમાં પરત ફરે છે.
36 સળ ની ગિરનારની આ લીલુડી પરિક્રમા કરવા માટે ગુજરાતમાંથી જ નહીં પરંતુ ગુજરાત બહારથી પણ લોકો આવતા હોય છે આ પાંચ દિવસના સમયગાળામાં 20 લાખ જેટલા લોકો ગિરનારની ફરતે પરિક્રમા કરે છે અને પુણ્યનું ભાથું બાંધે છે ત્યારે આ પરિક્રમામાં વન વિભાગ દ્વારા સુચારુ સંચાલન કરવા માટે અલગ અલગ પ્રકારે આયોજન કરવામાં આવ્યા છે
આ વર્ષે બે ગણો વરસાદ પડવાથી લગભગ જંગલના તમામ રસ્તાઓ ખરાબ થઈ ચૂક્યા હતા જેને રીપેરીંગ કરવાનું કામકાજ પણ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. 300 કર્મચારીઓનો સ્ટાફ જંગલમાં કાર્યરત રાખવામાં આવ્યો છે. તેમાં 150 થી 200 કર્મચારીઓ એન્ટી પ્લાસ્ટિક સ્કવોડ તરીકે કાર્યરત રહેશે. જેમાં વન વિભાગ દ્વારા 11 ટીમ બનાવવામાં આવી છે આ ટીમ દ્વારા પ્રવેશદ્વાર અને સમગ્ર પરિક્રમા રૂટ પર દરેક જગ્યા પર શ્રદ્ધાળુ અને અન્નક્ષેત્ર સહિતની જગ્યા ઉપર પ્લાસ્ટિક ઉપયોગ કરતા દરેક લોકો પાસેથી દંડનીય કાર્યવાહી કરશે.
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર લીલી પરિક્રમાના રૂટના નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા સમાહર્તા અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમામાં ગુજરાત અને દેશભરમાંથી પધારતા ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ પાસેથી પૂર્વ તૈયારીઓની વિગતો મેળવી હતી. આ સાથે શ્રદ્ધાળુઓને વીજળી, પાણી, આરોગ્ય, પરિવહન સહિતની સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે પણ ખાસ પ્રબંધ કરવા કલેકટરએ સૂચના આપી હતી. આ માટે વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પરીક્રમાર્થીઓને બાયોડીગ્રેડેબલ કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવશે.
જિલ્લા કલેકટરએ પરિક્રમા દરમિયાન સફાઈની વિશેષ તકેદારી લેવામાં આવે તે માટે પણ ભાર મૂક્યો હતો. આ વર્ષે પરિક્રમા દરમિયાન પણ સાફ-સફાઈ કરવાનું વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા 1000 જેટલી કચરા પેટીઓ પરિક્રમા રૂટ ઉપર રાખવામાં આવશે. ઉપરાંત દામોદર કુંડ, ભવનાથ સહિતના વિસ્તારની સફાઈ માટે મહાનગરપાલિકાની વધારાની ટીમો પણ કાર્યરત રહેશે. કલેક્ટરએ ફ્રી વાહન પાર્કિંગના સાઈન બોર્ડ અને પરિક્રમમાંથીઓ પણ પરિક્રમાનો રૂટ ન ભટકે તે માટે જંગલમાં સાઈન બોર્ડ મૂકવા નિર્દેશ આપ્યા હતાં.
જિલ્લા કલેકટરએ, એસટી બસ સ્ટેન્ડ ખાતેથી જ પરિક્રમાર્થીઓને પ્લાસ્ટિક સાથે ન લઈ જવા માટે સુચિત અને સમજુત કરવા ઉપરાંત એસટી બસમાં કચરા પેટીની વ્યવસ્થા રાખવા માટે પણ સૂચના આપી હતી. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને પીવાના પાણીની પૂરતી સગવડતા મળી રહે તે માટે વધારાના પીવાના પાણીના પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા આવી રહ્યા છે. પરિક્રમાર્થીઓનું આરોગ્ય ન જોખમાય માટે તે ખાદ્ય સામગ્રીના નમુનાઓ લેવા માટે પણ સૂચના આપી હતી. સાથે જ દૂધ ગેસ સિલિન્ડર સહિતના પુરવઠો જળવાઈ રહે તે માટે પણ નિર્દેશ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, નાયક વન સરક્ષક અક્ષય જોશી, નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર અજય ઝાપડા સહિત પીજીવીસીએલ, આરોગ્ય, પાણી પુરવઠા સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.