અવતરણના અવસરે…
નવલા નોરતામાં ચારેબાજુ માર્ં આદ્યશકિતની આરાધના થઈ રહી છે. સર્વત્ર શકિતની ભકિતનો અલહાદક માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જાણે રાત પડે ને દિવસ ઉગ્યો હોય તેમ યુવાધન રાસ-ગરબા રમવા માટે હિલોળે ચડે છે. આવા સુખદ માહોલ વચ્ચે સૌરાષ્ટ્રની ધીંગી ધરાનું ખમીરવંતુ અખબાર ‘અબતક’ પોતાની સફળ યાત્રાના સાત વર્ષ પૂર્ણ કરી આઠમાં વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યું છે. આમ પણ નવરાત્રીના દિવસોમાં ‘આઠમ’નું ખુબ જ મહત્વ હોય છે.
લોકશાહીમાં અખબારી આલમને ચોથી જાગીર ગણવામાં આવે છે જે સમસ્યા તલવારથી નથી હલ થતી તેનો નિવેડો લાવવાની તાકાત કલમમાં છે. સાત વર્ષની અમારી આ સફરમાં અમે લોકોની સમસ્યા, પરેશાની, મુશ્કેલી હલ કરવા માટે નિમિત બન્યા તે અમારી સફળતાનું શ્રેષ્ઠ શિખર છે. વિકાસ યાત્રા કયારેય અટકવી જોઈએ નહીં અને સફળતાનો કયારેય પણ સંતોષ ન હોવો જોઈએ. સમાજને કંઈક નવું જ આપવા અને સમાજમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવવાની અમારી મહત્વકાંક્ષા તરફ અમો ખુબ જ મકકમ ગતિએ આગળ વધી રહ્યા છીએ.
અખબારી આલમમાં અમે પ્રથમ ડગ માંડતી વેળાએ એવો દ્રઢ નિશ્ર્ચય કર્યો હતો કે, પોઝીટીવ થીંન્કીંગને મુખ્ય તાકાત બનાવીશું. આજે સાત વર્ષની સફર બાદ પોઝીટીવ થીન્કીંગ અમારું બ્રહ્માસ્ત્ર સાબિત થઈ રહ્યું છે. વાંચકોને શું ગમે છે અને શું જોઈએ છે તે પારખવામાં હવે ૧૦૧ ટકા સફળ થયા છીએ જેનો અમને સવાયો સંતોષ છે. ‘અબતક’ સાંધ્ય દૈનિક ઉપરાંત ‘અબતક’ ચેનલ, ‘અબતક’ ડિજિટલ, ‘આઈ એમ ન્યુ ગુજરાતી’ જેવા માધ્યમોથી અમે અમારી પાંખો ફેલાવી છે. ‘નિશાન ચૂક માફ નહીં માફ નીચુ નિશાન’ આ કહેવતને અમે બરાબર પકડી રાખી છે. અમો નીચું નીશાન રાખીને કયારેય કોઈ કાર્ય કરતા નથી. લોકોની સમસ્યા હલ કરવા માટે કયારેય પાછી પાની કરતા નથી. ગ્રામ્ય પંચાયતથી લઈ ગાંધીનગર સુધી અને ત્યાંથી દિલ્હી સુધી અમોએ લોકોની સમસ્યા પહોંચાડી છે. પરીણામ સ્વરૂપ લોકોની હાલાકી હલ કરવામાં અમે નિમિત બન્યા છીએ.
શ‚આતમાં અનેક પડકારો હતા છતાં અમે તમામ પડકારોને પાર કરી આજે સફળતાની સડક પર સડસડાટ દોડી રહ્યા છીએ. સૌરાષ્ટ્રની ધીંગી ધરાનું ખમીરવંતુ અખબાર બની ગયા છીએ. અખબારોમાં મૃતકોના ફોટા જોઈ વાંચકોને અરેરાટી આવે છે. કંપારી ઘુટી જાય છે. રૂવાડા ઉભા થઈ જાય છે અને પ્રથમ દિવસથી અમે એવો નિર્ધાર કર્યો હતો કે, અમે કયારેય મૃતકોના ફોટા પ્રસિઘ્ધ નહીં કરીએ અમને એ વાતનો સંતોષ છે કે અમે અમારા આ નિર્ધાર પર આજ પણ અડગ છીએ.
‘અબતક’ સાંધ્ય દૈનિક બાદ ‘અબતક’ ચેનલ, ‘અબતક’ ડિજિટલ, ‘આઈ એમ ન્યુ ગુજરાતી’ જેવા અલગ-અલગ માધ્યમો શરૂ કરવાનો અમારો એકમાત્ર ઉદેશ વાંચકોને દુનિયાભરની માહિતી આપવાનો, લોકોની સમસ્યા હલ કરવાનો, અલગ-અલગ શ્રેષ્ઠ માધ્યમો આપવાનો છે. આઠમાં વર્ષમાં મંગલ અવસરે આજે અમે અમારા વાંચકોએ એવી પાણીદાર ખાતરી આપીએ છીએ કે, અમે કયારેય અમારા ગોલ સાથે ચેડા નહીં કરીએ. લોકોની સમસ્યા સુલજાવવા કોઈપણ ચરમબંધીને નહીં બક્ષીએ.
સતિષકુમાર એસ.મહેતા
મેનેજીંગ તંત્રી