ગુજરાતના દરિયાકાંઠેથી 2500 કરોડના હેરોઈન ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ
ડ્રગ્સમાંથી થયેલી કમાણી ત્રાસવાદી પ્રવૃત્તિમાં વપરાતી હતી; એન.આઈ.એ. તપાસમાં ઝુકાવ્યું
કચ્છના જખૌ બંદર પાસેથી તાજેતરમાં પકડાયેલા 175 કરોડના 35 કિલો હેરોઈન લેન્ડિંગનો મુખ્ય સુત્રધારને દિલ્હી એરપોર્ટ પરથી એ.ટી.એસે ધરપકડ કરી સઘન પુછપરછ કરતા દાણચોરે દુબઈ બેઠા-બેઠા પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે 2500 કરોડના 530 કિલો હેરોઈન ઘુસાડવાનો માસ્ટર માઈન્ડ હોવાનું ખુલ્યું છે. ગુજરાત એટીએસ દ્વારા આરોપીની જખૌ નજીક 175 કરોડના હેરોઈન લેન્ડીંગ પ્રકરણમાં ધરપકડ કરી ગઈકાલે સાંજે ભુજની સ્પેશિયલ કોર્ટમાં 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા અદાલતે આરોપીને 8 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.
દાણચોર સાહીદ સુમરા દ્વારા ત્રણ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે 2500 કરોડની કિંમતનું 530 કરોડનું હેરોઈનનું લેન્ડીંગ કરાવ્યું હોવાનું તપાસમાં બહાર આવતા અને ડ્રગ્સની કાળી કમાણી ત્રાસવાદી પ્રવૃતિમાં વપરાતી હોવાની વિગતો પ્રકાશમાં આવતા એનઆઈએ પણ તપાસમાં ઝુકાવ્યું છે. કચ્છના જખૌ બંદર નજીકથી ગત એપ્રીલ માસમાં ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડ અને કોસ્ટગાર્ડે ચોક્કસ બાતમીના આધારે મધદરિયેથી પાંચ પાકિસ્તાનીની ધરપકડ કરી રૂા.175 કરોડની કિંમતના 35 કિલો હેરોઈનનો જથ્થો કબજે કર્યો હતો.
એ.ટી.એસ.ની તપાસમાં હેરોઈનનો જથ્થો મુળ કચ્છ માંડવીના વતની શાહીદ કાસમ સુમરા (ઉ.35)એ મોકલાવ્યો હોવાનું ખુલ્યું હતું. પરંતુ આરોપી દુબઈ બેઠો હોય તેની ધરપકડ થઈ શકી નહોતી. દરમિયાન ગઈકાલે આરોપી શાહીદ કાસમ સુમરા વેશ પલ્ટો કરી ભારત આવવાનો હોવાની માહિતી પરથી દિલ્હી એરપોર્ટ ખાતે જ ગુજરાત એ.ટી.એસે તેની ધરપકડ કરી હતી.
આતંકવાદ વિરોધી ટીમ દ્વારા આરોપીની સઘન પુછપરછ કરતા શાહીદ સુમરાએ 2018 થી 2021 વચ્ચે ગુજરાત અને પંજાબમાં તેની સામે ચાર ગુના દાખલ થયા છે. બે રાજ્યોમાં જુદા-જુદા સ્થળેથી 2500 કરોડની કિંમતનું 530 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી.
ઉડતા પંજાબની માફક ગુજરાતને પણ નશાખોરીના રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાના પાકિસ્તાનના નાપાક મનસુબા સાથે સુરક્ષા એજન્સી સઘન તપાસ કરી રહી છે. ઓગષ્ટ 2018 ગુજરાત એ.ટી.એસ. દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામેથી 5 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારથી આરોપી શાહીદ સુમરા નાસી છૂટ્યા બાદ આફ્રિકન દેશો અને અખાતના દેશોમાં આશરો લઈ પાકિસ્તાનથી પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. વિદેશ નાશી ગયા બાદ ડ્રગ્સ લેન્ડિંગના માસ્ટર માઈન્ડ શાહીદ સુમરાએ પાકિસ્તાનથી 2300 કરોડની કિંમતનું 500 કિલો હેરોઈન 2018માં પાકિસ્તાનથી રવાના કર્યું હતું જે ગુજરાતના માંડવી બંદરે ઉતારવામાં આવ્યું હતું. જ્યાંથી જુદા જુદા ટ્રક અને વાહનોમાં હેરોઈનનો જથ્થો પંજાબ મોકલવામાં આવ્યો હતો.
તાજેતરમાં ઈટલીમાં ઈન્ટરપોલ દ્વારા પકડાયેલા સિમરનજીતસિંઘ સંધુના કહેવા મુજબ પંજાબમાં ત્રણ ખેપમાં 300 કિલો ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું. જ્યારે શાહીદ સુમરાએ પોતાના સાથીદારો દ્વારા 200 કિલો હેરોઈન અમૃતસરમાં સંધુના સાગ્રીતોને પહોંચાડ્યું હતું. પંજાબ એ.ટી.એસ. કરેલી કાર્યવાહીમાં 188 કિલો અને 5 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે ગત જાન્યુઆરીમાં જખૌ નજીકથી 175 કરોડનું હેરોઈન પકડાયું હતું જે કાર્યવાહી ગુજરાત એ.ટી.એસે કરી હતી.