સૌની યોજના, નલ સે જલ, શહેરી આવાસ યોજના સહિતના કાર્યો થકી ભાજપે લોક હ્રદયમાં સ્થાન જમાવ્યું છે
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીનો પ્રચાર સમગ્ર શહેરમાં ચરમસીમા પર પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી તરફ વાતાવરણ છે એ હવે સ્પષ્ટ છે એવામાં રાજકોટના અગ્રણીઓ ચૂંટણી પ્રચાર, કાર્યાલય ઉદઘાટન, વોર્ડ-વિસ્તાર સભામાં વ્યસ્ત બન્યા છે. રાજકોટના ઠાકોર સાહેબ, ભાજપ અગ્રણી શ્રી માંધાતાસિંહ જાડેજા પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે વોર્ડમાં, વિવિધ વિસ્તારમાં ઘૂમી રહ્યા છે. રાજકોટ પુર્વ,પશ્ચિમ એમ તમામ વિસ્તારમાં જ્યાં જ્યાં એમને પક્ષે જવાબદારી સોંપી ત્યાં તેઓ પ્રચાર માટે જઇ રહ્યા છે. લોકોનો જોરદાર પ્રતિસાદ એમને મળી રહ્યો છે. વિવિધ વિસ્તારની જાહેરસભાઓમાં શ્રી માંધાતાસિંહ જાડેજાએ કહ્યું હતું કે આજે સમગ્ર દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સબળ નેતૃત્વમાં વિકાસના પથ પર દોડી રહ્યો છે. રાજ્યમાં પણ માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી વિકાસકામો ઝડપથી કરી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતા એ સમજે જ છે કે આપણા શહેરનો વિકાસ પણ ભાજપના શાસનમાં સારો અને સતત થશે.
વોર્ડ નં.1,2 અને 3માં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા રાજકોટના ઠાકોર સાહેબનો જનતાને અનુરોધ
રાજકોટના વોર્ડ નં.1ના ભાજપના ઉમેદવારો શ્રીમતી દુર્ગાબા જયદીપસિંહ જાડેજા, હિરેનભાઇ ખીમાણીયા,ડો. અલ્પેશ મોરઝરિયા અને શ્રીમતી ભાનુબહેન બાબરિયાના પ્રચાર માટે મળેલાં સંમેલનમાં એમણે હાજરી આપી હતી. તો વોર્ડ નં. 2માં મનીષભાઇ રાડિયા, જયમીન ઠાકર, ડો.દર્શિતાબહેન શાહ અને શ્રીમતી મીનાબા જાડેજાના સમર્થનમાં યોજાયેલા સંમેલનમાં પણ માંધાતાસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. એમણે કહ્યું હતું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના પછીના 47 વર્ષ માંથી 42 વર્ષ ભાજપે શાસન કર્યું છે એજ બતાવે છે કે રાજકોટના લોકોનો ભાજપ પરનો વિશ્વાસ અતૂટ છે.
કેન્દ્ર અને રાજ્યમાં વિકાસની પરાકાષ્ટા સર્જનાર ભાજપ જ રાજકોટનો વિકાસ કરી શકે: માંધાતાસિંહ જાડેજા
રાજકોટમાં એક સમયે પાણી ભરવાના સમયે બેડાં યુધ્ધ થતાં. ટેન્કરો પાસે પાણી ભરવા બહેનોની લાંબી લાઇન લાગતી. હવે એ દિવસો ગયા. સૌની યોજનાને લીધે હવે તો આજી ડેમ, ન્યારી ડેમ ઊનાળામાં પણ ભરેલા રહે છે. આગામી દિવસોમાં નલ સે જલ યોજનાનો અમલ પણ શરુ થશે. રાજકોટમાં શહેરી ગરીબો માટે ઘરના ઘરનું સપનું પણ સાકાર થઇ રહ્યું છે. હજારો આવાસ બની રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા હલ થાય એ માટે અન્ડરબ્રીજ-ઓવરબ્રીજ ઝડપથી બની રહ્યા છે. ગુજરાતની સૌ પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં શરુ થવાની છે. આ સમગ્ર વિકાસ લોકોએ પોતે જોયો છે. આ સંમેલનોમાં ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, કરણી સેનાના જે.પી.જાડેજા એમની સાથે જોડાયા હતા.
વોર્ડ નં. 3માં મળેલાં ભાજપના સંમેલનમાં પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબહેન રુપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, પી.ટી. જાડેજા તથા કરણીસેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રિવાબા જાડેજા એ સંમેલનમાં અલ્પાબહેન દવે , કુસુમબહેન ટેકવાણી,નરેન્દ્રસિંહ જાડેજા તથા બાબુભાઇ ઉધરેજાના સમર્થનમાં સંબોધન કરતાં માંધાતાસિંહ જાડેજાએ કહ્યું કે રાજકોટ સદનસીબ છે કે રાજાશાહીના સમયમાં એને પૂ. લાખાજીરાજબાપુ જેવા પ્રજાલત્સલ રાજવી મળ્યા. અને આઝાદી પછીના સમયમાં સ્વ.અરવિંદભાઇ મણિયાર, વજુભાઇ વાળા જેવા મેયર મળ્યા. આજે પ્રજાવત્સલ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી પણ રાજકોટના છે. રાજકોટના વિકાસનો પાયો મારા પુર્વજોએ નાંખ્યો હતો અને એ રાજકોટને આટલું સમૃધ્ધ અને સમતોલ વિકાસ વાળું જોઇને મને આનંદ થાય છે.તમામ સ્થળે માંધાતાસિંહજીએ કહ્યું હતું કે શહેરનો સંતુલિત, સર્વાંગી, સર્વગ્રાહી વિકાસ જો કરવો હોય, પ્રાથમિક સુવિધાઓ અને અદ્યતન વિકાસકામોથી શહેરને સમૃધ્ધ બનાવવું હોય તો ભાજપ જ વિકલ્પ છે. 21મી ફેબ્રુઆરીએ આપણએ સૌ પોતપોતાના વોર્ડમાં કમળના નિશાન પર મત આપી ભાજપના ઉમેદવારોને વિજેતા બનાવીએ.