મા-બાપની ઓળખને લઈ લોહીના સંબંધને ગાળ આપી શકાય?
પૂરતા પુરાવા રેકર્ડ પર મુકાયાં હોય તો પછી ડીએનએ ટેસ્ટ કરાવવાના આદેશ નહીં આપવા સુપ્રીમની નીચલી અદાલતોને હિમાયત
ફક્ત માં-બાપની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવા કોઈ વ્યક્તિને ફરજ પાડવામાં આવે તો તે લોહીના સબંધને ગાળ આપવા સમાન છે. આ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કર્યું છે કે, ફક્ત માં-બાપની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવા ફરજ પાડવી એ રાઈટ ટુ પ્રાઇવસીના ભંગ સમાન છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે વ્યક્તિને ડીએનએ ટેસ્ટ કરાવવાની ફરજ પાડવી એ વ્યક્તિગત સ્વતંત્રતા અને રાઈટ ટુ પ્રાઇવસી એટલે કે ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ ઋષિકેશ રોયની ખંડપીઠે કહ્યું કે, વાદી જ્યારે ડીએનએ પરીક્ષણ માટે તૈયાર ન હોય ત્યારે તેને ડીએનએ ટેસ્ટ કરાવવાની ફરજ પાડવી તેની વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન થયું ગણાય.
એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, એવા સંજોગોમાં જ્યાં સંબંધ પુરવાર કરવા માટે અન્ય પુરાવા ઉપલબ્ધ હોય ત્યારે કોર્ટે સામાન્ય રીતે ડીએનએ ટેસ્ટનો આદેશ આપવાનું ટાળવું જોઈએ. જેનું મુખ્ય કારણ એ છે કે, આવા પરીક્ષણો વ્યક્તિના ગોપનીયતાના અધિકારને અસર કરે છે અને તેના વિશાળ સામાજિક પરિણામો આવી શકે છે.
હાલના કેસમાં કોર્ટે જોયું કે, અપીલકર્તાએ પોતાનો કેસ સ્થાપિત કરવા માટે પૂરતા પુરાવા રેકોર્ડ પર મૂક્યાં છે. કોર્ટે કહ્યું કે, જો આવું થાય તો તેને ડીએનએ ટેસ્ટ કરાવવાની ફરજ પાડવી વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન હશે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં અપીલકર્તા પર ડીએનએ ટેસ્ટની માંગણી કરતી અરજીને મંજૂરી આપવાના આદેશ સામે હાઇકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર પોતાનો નિર્ણય આપ્યો છે.
અપીલકર્તાએ મૃતક દંપતીની મિલકતની માલિકી માંગી હતી. જો કે, દંપતીની ત્રણ પુત્રીઓએ અપીલ કરનાર મૃતકનો પુત્ર હોવાનો ઇનકાર કર્યો હતો. પ્રતિવાદીઓ (પુત્રીઓ) એડિશનલ સિવિલ જજ સમક્ષ અરજી કરી હતી અને અપીલકર્તાના ડીએનએ ટેસ્ટની માંગણી કરી હતી. અરજદારે અરજીનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે તે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે અને તેણે મૃત દંપતીનો પુત્ર હોવાનું દર્શાવવા માટે પૂરતા પુરાવા રજૂ કર્યા હતા. જે બાદ ટ્રાયલ કોર્ટે ડીએનએ ટેસ્ટના આદેશને પાસ કરવાનો ઇનકાર કર્યો હતો.
પ્રતિવાદીઓએ આ નિર્ણયને હિમાચલ પ્રદેશ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. અપીલને મંજૂરી આપતા હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, અપીલકર્તાએ ઉત્તરદાતાઓ દ્વારા સૂચવેલા ડીએનએ ટેસ્ટની ના ન પાડવી જોઈએ. આ પછી વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અપીલ કરનાર (વાદી) તેના સમર્થનમાં રેકોર્ડ મૂક્યાં છે જે તેના દાવાને પૂરતા પ્રમાણમાં સ્થાપિત કરે છે.