- રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી સરકારી ઇજનેરી કોલેજ–કણકોટ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થશે
- કુલ 149 રાઉન્ડમાં મતગણતરી કરાશે, સી.સી.ટી.વી.થી મોનીટરીંગ કરાશે: જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જાહેર કરી વિગતો
લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અન્વયે 10-રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી સરકારી ઇજનેરી કોલેજ–કણકોટ ખાતે 4 જૂન સવારે 8 વાગ્યાથી શરૂ થશે. બીજી તરફ સવારે 11 વાગ્યાથી જ ટ્રેન્ડ સામે આવી જશે.
જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી–2024ની જાહેરાત તા.16/03/2024ના રોજ કરવામાં આવેલી છે. જે મુજબ 10-રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણી માટે મતદાન તા.07/05/2024ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. જેની મતગણતરી તા.04/06/2024ના રોજ સવારના 08-00 કલાકે સરકારી ઈજનેરી કોલેજ, મવડી–કણકોટ રોડ, રાજકોટ ખાતે થનાર છે.
સવારે 08-00 કલાકે ઈ.વી.એમ. અને પોસ્ટલ બેલેટ બંન્નેની એકસાથે મતગણતરી શરૂ કરવામાં આવશે.
ઈ.વી.એમ.ની મતગણતરી માટે વિધાનસભા મતદાર વિભાગ (66 થી 72) વાઈઝ કુલ સાત હોલમાં 14 સ 7 = 98 ટેબલો પર ઈ.વી.એમ.ની મતગણતરી કરવામાં આવશે. સાત મતગણતરી હોલમાં સાત નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મતગણતરી હોલમાં ફરજ બજાવશે. અને તેમની દેખરેખ નીચે મતગણતરી કરવામાં આવશે.
કુલ 2036 મતદાન મથકો ખાતે ઉપયોગમાં લેવાયેલા ઈ.વી.એમ.ની કુલ 149 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. 71-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) વિ.મ.વિ. માં સૌથી વધુ 28 રાઉન્ડમાં અને સૌથી ઓછા 17 રાઉન્ડમાં 70-રાજકોટ દક્ષિણ વિ.મ.વિ. માં મતગણતરી થનાર છે.
પોસ્ટલ બેલેટ માટે અલગ–અલગ બે કાઉન્ટીંગ હોલ રાખવામાં આવ્યા છે. જેમાં કુલ 27 ટેબલો પર પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે. જેમાં એક ટેબલ ઉપર કુલ 224 (તા.03/06/2024ની સ્થિતિએ મળેલા) ઇટીપીબીએસની મતગણતરી કરવામાં આવશે. (લશ્કરી દળોના મતદારો) તેમજ 26 ટેબલો ઉપર કુલ 12621 પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાનું સી.સી.ટી.વી. દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે તેમજ મતગણતરીના સ્થળે મોબાઈલ લઈ જવો પ્રતિબંધિત છે.આ તકે અધિક ચૂંટણી અધિકારી એન.કે. મૂછાર ઉપસ્થિત રહ્યા હતા.
બે ઓબ્ઝર્વર મતગણતરીની સમગ્ર પ્રક્રિયા ઉપર રાખશે દેખરેખ
ભારતના ચૂંટણી પંચ દ્વારા 10-રાજકોટ સંસદીય મતવિસ્તારની મતગણતરી માટે બે મતગણતરી ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. – પોસ્ટલ બેલેટ, ઇટીપીબીએસ, 67-વાંકાનેર વિ.મ.વિ. અને 71-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) વિ.મ.વિ. માટે ડો.પૃથ્વીરાજ (આઇએએસ) ની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ 66-ટંકારા, 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ, 70-રાજકોટ દક્ષિણ અને 72-જસદણ વિ.મ.વિ. માટે નરહરીસિંધ બાંગર (આઈએએસ)ની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ઇવીએમના કુલ 12,60,768 મતોની થશે મતગણતરી
મતગણતરી કેન્દ્ર ખાતેની તમામ કામગીરી માટે અંદાજે 1500 જેટલા સિવિલ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ તા.04/06/2024ના રોજ સવારના 05-00 કલાકેથી ફરજ બજાવશે. તેમજ અંદાજે 650 જેટલા પોલીસ સ્ટાફની બંદોબસ્ત ડ્યુટી આપવામાં આવી છે. રાઉન્ડવાર પરિણામોની જાહેરાત ઇસીઆઈના ટ્રેન્ડસ સોફ્ટવેરની મદદથી કરવામાં આવશે. કુલ 12,60,768 મતોની મતગણતરી ઈ.વી.એમ.માં થશે. મતગણતરી બાદ ચૂંટણીમાં વપરાયેલ ઈ.વી.એમ.ને સુરક્ષિત રીતે વેરહાઉસમાં જમા કરવામાં આવશે.