મંડપના ગાળાના ભાવ બાબતે રકઝક થતા બનેલી ઘટના; છોડાવવા વચ્ચે પડેલ મિત્ર પર પણ હુમલો
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે મંડપના ગાળા નાખવા બાબતે રકઝક થતા મંડપ સર્વીસના સંચાલકને પાઈપ વડે મારમારી 22 હજારની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.થાનગઢ જોગ આશ્રમ પાસે રહેતાઅને મંડપ સર્વીસ ચલાવતા જીજ્ઞેશ ઉર્ફે જીતુભાઈ ભીમાભાઈ રંગપરા ઉ.40 નામના યુવાને પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં આરોપી તરીકે પરવેઝ ઉર્ફે ભૂરો મેમણનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવાન પોતાના ઘરે હતો ત્યારે આરોપી પરવેઝ મેમણ ઘરે આવ્યો હતો. અને મંડપ નાખવાની વાત કરી જગ્યા જોવા કહ્યું હતુ ફરિયાદી યુવાન આરોપી સામે ધરમ કોમ્પ્લેક્ષની પાર્કિંગની ખૂલ્લી જગ્યા બતાવી ભાવ પૂછયો હતો. ફરિયાદી યુવાને એક મંડપના ગાળાના 300 ભાવ કહ્યા હતા પરતુ આરોપીએ એક ગાળાના રૂ.150 આપવાનું કહેતા ભાવ બાબતે બંને વચ્ચે રકઝક થયા બાદ બોલાચાલી થઈ હતી.
સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઉશ્કેરાયેલા આરોપીએ પોતાના બાઈકમાંથી પાઈપ કાઢી ફરિયાદી યુવાનને 10 થી 12 ઘા ઝીંકી દઈ તેના ખીસ્સામાંથી રૂ.22 હજારની રોકડની લૂંટ ચલાવી હતી આ વખતે ફરિયાદીનો મિત્ર વિપુલ નરશીભાઈ સારદી છોડાવવા વચ્ચે પડતા આરોપીએ નેફામાંથી છરી કાઢી ફરિયાદીને પેટમાં તેમજ વિપુલને હાથમાં છરીના ઘા ઝીંકી દીધી હતા ત્યારબાદ આરોપીએ વિપુલભાઈની મોબાઈલની દુકાનમાં પાઈપના ઘા ઝીંકી કાચ ફોડી નાખી નુકશાન કર્યું હતુ.
ગંભીર રીતે ઘવાયેલ ફરિયાદી યુવાન અને તેના મિત્રને પ્રથમ થાનગઢ અને બાદમાં સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર અથે ખસેડાયા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ પીએસઆઈ જી.જી. પરમાર સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.