જાટ, ગુર્જરો, મરાઠા અને પટેલોની માંગણીને લઈ કેન્દ્ર સરકારની પછાત વર્ગના કવોટામાં પેટા-અનામતની તૈયારી: પંચની રચના થશે
કેન્દ્રીય કેબિનેટે અન્ય પછાત વર્ગ માટે સરકારી નોકરી મેળવવા માટે ક્રિમી લેયરની આવક મર્યાદા વાર્ષિક ૬ લાખ રૂપિયાથી વધારીને ૮ લાખ રૂપિયા કરી દીધી છે. આ સાથે જ અન્ય એક નિર્ણયમાં ઓબીસીના ક્વોટા અંતર્ગત વધુ એક ક્વોટા (સબ-ક્વોટા) થઈ શકે કે કેમ તે નક્કી કરવા માટે પંચ રચવાની પણ કેબિનેટે મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી અરુણ જેટલીએ કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. આમ બે દાયકા પહેલા મંડલ કમિશનની ભલામણ મુજબ ઓબીસીને ૨૭ ટકા અનામત આપ્યા બાદ બે દાયકા પછી મંડલ પાર્ટ-૨ની તૈયારી કરી રહી હોય તેમ જણાય છે. ઉલ્લેખનીય છે કે પટેલો, ગુર્જરો, જાટ અને મરાઠાઓએ અનામત માટે દેશમાં વિવિધ સ્થળોએ કરેલાં આંદોલનો પછી કેન્દ્ર સરકારે ક્વોટામાં ક્વોટાની વિચારણા શરૂ કરી છે.
જેટલીએ કહ્યું હતું કે ઓબીસી અંતર્ગત જેમની વાર્ષિક આવક ૮ લાખ રૂપિયા સુધી હશે તેમને અનામતના લાભ મળશે. તેમણે કહ્યું હતું કે ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સબ-કેટેગરી થઈ શકે કે કેમ તે ચકાસવા માટે પંચ રચવાની પણ મંજૂરી કેબિનેટે આપી દીધી છે. સરકારી નોકરીઓમાં ઓબીસીમાં તમામ સમુદાયને અનામતનો લાભ મળે તે હેતુથી આ સબ-કેટેગરીનો વિચાર રજૂ કરાયો છે. પંચની સ્થાપના ટૂંક સમયમાં થશે અને ૧૨ સપ્તાહમાં જ તે તેનો રિપોર્ટ આપી દેશે.
જેટલીએ કહ્યું હતું કે સબ કેટેરગરીના સંદર્ભમાં પછાત વર્ગ માટેના રાષ્ટ્રીય પંચે ૨૦૧૧માં તેની ભલામણ કરી હતી. સંસદીય સ્થાયી સમિતિએ ૨૦૧૨-૧૩માં આ જ ભલામણ કરી હતી. મંત્રીઓ સાથેના પરામર્શ બાદ આ ભલામણ સ્વીકારવામાં આવી હતી. નાણામંત્રીએ કહ્યું કે આંધ્રપ્રદેશ, તેલંગણા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરના જમ્મુ ક્ષેત્ર સહિત ૧૧ રાજ્યોમાં સરકારી નોકરીઓ માટે આ પ્રકારની સબ-કેટેગરીની જોગવાઈ છે જ. કેન્દ્રીય યાદીમાં આવી જોગવાઈ નથી. પ્રસ્તાવિત પંચ આ બાબતની ચકાસણી કરશે. ઓબીસીની કેન્દ્રીય યાદીમાં આવતા તમામ જ્ઞાતિ-સમુદાયના લોકોને અનામતનો અસમાન લાભ મળતો હોય તો સમાન રીતે મળે તે માટે જોગવાઈ થાય તે આ પંચ ચકાસશે. લગભગ બે દાયકા પહેલાં મંડલ કમિશનના રિપોર્ટને આધારે ઓબીસીને સરકારી નોકરીઓમાં ૨૭ ટકા અનામત આપવામાં આવ્યું હતું. જોકે આરટીઆઈ અંતર્ગત તાજેતરમાં કેન્દ્ર તરફથી મળેલી માહિતી મુજબ ૧ જાન્યુઆરી, ૨૦૧૫ સુધી માત્ર ૧૨ ટકા કેન્દ્રીય કર્મચારીઓ ઓબીસી કેટેગરીના હોવાનું માલૂમ પડ્યું હતું. કેન્દ્રની એ, બી, સી અને ડી કેટેગરીમાં મળીને કુલ ૭૯,૪૮૩ પદ છે અને તેમાં ૯૦૪૦ ઓબીસી કર્મચારીઓ છે. પર્સોનેલ ડિપાર્ટમેન્ટના આંકડા મુજબ તેના મંત્રાલયમાં ૧૨.૯૧ ટકા દલિત, ચાર ટકા અનુસૂચિત જનજાતિ અને ૬.૭ ટકા ઓબીસી કર્મચારીઓ છે, જેમને મંડલ કમિશનની ભલામણ મુજબનો અનામતનો લાભ મળે છે.