મિલકત બાબતે દાદીને માર મારતા છોડાવવા વચ્ચે પડેલી ભત્રીજી પર કાકાનો હુમલો

શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલી પીઠડ આઇ સોસાયટીમાં બેનના લગ્ન પ્રસંગમાં આવેલી પરિણીતા દાદીને માર મારતા કાકાને સમજાવવા વચ્ચે પડી હતી ત્યારે કાકાએ ભત્રીજીને માર માર્યો હતો. જેથી પરિણીતાને ઇજા પહોંચ્યા સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના લાખાપર ગામે રહેતી શીતલબેન સંદીપભાઈ ધરજીયા નામની 30 વર્ષની પરિણીતા માંડાડુંગર વિસ્તારમાં આવેલી પીઠડ આઈ સોસાયટીમાં પોતાના પિતાના ઘરે હતી ત્યારે તેના કાકા ખોડાભાઈએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો.

મારામારીમાં શીતલબેન ધરજીયાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.જ્યાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શીતલબેન ધરજીયા પોતાની નાની બહેનના લગ્ન પ્રસંગમાં આવી હતી.

તે દરમિયાન કાકા ખોડાભાઈએ મિલકતના પ્રશ્ને દાદી સાથે ઝઘડો કરી દાદીને માર માર્યો હતો. મારામારીમા દાદીને છોડવા વચ્ચે પડેલી શીતલબેન ધરજીયા ઉપર પણ કાકાએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.