કોરોનાગ્રસ્ત પુત્રી સ્વસ્થ થતા ફરી પિતા-પુત્રીનુ સુખદ મિલન કરાવ્યું
પટનાથી પગની સારવાર અર્થે ભુજ આવેલા પોલીયોગ્રસ્ત કુલદિપસિંહ રાઠોડ અને તેની દિકરી નિરાધાર હોય સામાજિક સંસ્થાએ આપ્યો સહારો
પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સચોટ સારવાર બાદ અંતે બાપ-દિકરીનું સુખદ મિલન
બિહારથી એક પિતા પોતાની પુત્રી સાથે પગની સારવાર અર્થે ભુજ આવ્યા હતા ત્યારે બંને બાપ-દિકરી નિરાધાર હોય સામાજિક સંસ્થા માનવજયોતે સહારો આપી બંને માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી. બંનેનાં રિપોર્ટ કરતા પુત્રીનો રીપોટ પોઝીટીવ આવ્યો હતો ત્યારે આ દિકરીને મુન્દ્રા હોસ્પિટલમાં યોગ્ય સારવાર આપી દીકરી સ્વસ્થ થતા ફરી બાપ-દિકરીનું સુખદ મિલન કરાવ્યું હતું.
બિહારના પટનાથી આવેલા દિવ્યાંગ સરદારજી કુલદીપસિંહ રાઠોડને એક પગે પોલીયો છે. બીજા પગે પ્લેટ બેસાડાયેલી છે. કેલીફેર સારવાર માટે પોતાની ૧૬ વર્ષની દીકરી ટીના સાથે ભુજ પહોંચ્યા હતા. બસ સ્ટેશન વિસ્તારમાં ૩ દિવસ વિતાવ્યા. લોકડાઉન અને અનલોક પરિસ્થિતિમાં મુંઝાઇ ગયેલા સરદારજીએ વિચાર્યું કે, હવે જવું તો પણ ક્યાં જવું?
ખૂબ વિચાર્યા પછી ગુગલ ઉપર સર્ચ કરી ભુજનાં પત્રકાર રાજેન્દ્ર ઠક્કરનો સંપર્ક કર્યો. તેમણે તુરત જ માનવજ્યોતનાં પ્રબોધ મુનવરનો સંપર્ક કરી બાપ-દીકરીને મદદરૂપ બનવા તથા તેમણે રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું. મુનવરે કહ્યું કોરોનાનું સંકટ છે રસ્તામાંથી ઉઠાવેલા લોકોને કોરોના પોઝીટીવ નીકળે તો મુશ્કેલ બની જાય, છતાં હું એમને મદદરૂપ બનીશ. માનવજ્યોત સંસ્થાની એબ્યુલન્સ દ્વારા રાત્રે ૧૦ વાગે બંનેને બસ સ્ટેશન પાસેથી લેવામાં આવ્યા. ભુજમાં ખાવા-પીવાની હોટલો-લોજો, રેકડીઓ બંધ છતાં સંસ્થાએ હોસ્પીટલ રોડ મધ્યે બાપ-દીકરીને ભરપેટ જમાડી, જના રેલ્વે સ્ટેશનનાં ગોધરાવાલી ધર્મશાળા મધ્ય રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ કરી આપી.
બીજા દિવસથી સવાર-સાંજે જમવાની વ્યવસ્થા પણ માનવજ્યોત સંસ્થાએ કરી આપી. બીજા દિવસે માધાપર ડોકટરનો સંપર્ક કરી ભુજ મધ્યે અર્બન ઓફિસનો સંપર્ક કરી કોરોના ટેસ્ટીંગ કરાવ્યો. સાંજે ૧૬ વર્ષીય દીકરી ટીનાનો રિપોર્ટ કોરોનાં પોઝેટીવ આવતાં દીકરી ટીનાને મુન્દ્રા હોસ્પીટલે લઇ જવામાં આવી જ્યારે નજીકમાં સંપર્કમાં આવેલા બંનેને કોરોન્ટાઇન કરવામાં આવ્યા. એબ્યુલન્સ વાહન પણ સેનેટાઇઝર કરવામાં આવ્યું. દીકરી ટીનાની ગેરહાજરીમાં માનવજ્યોત સંસ્થાએ સરદારજીની સારસંભાળ રાખી તેમને જમવા-રહેવાની વ્યવસ્થા કરી આપી આખરે દીકરીટીના સ્વસ્થ બની છે. સારવાર પછી તેનો રિપોર્ટ નેગેટીવ આવતાં તેને હોસ્પીટલમાંથી રજા મળતાં ટીના ફરી પિતા સુધી પહોંચતા બાપ-દીકરીનું મિલન થયું છે. ખુશખુશાલ સરદારજી કુલદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, જેમણે મને હુંફ આપી મુશ્કેલીમાંથી માર્ગ કાઢી આપ્યો. કચ્છનાં લોકો માયાળુ અને લાગણીશીલ છે. હું વ્હીલચેરથી જ હરૂ-ફરું . દિલ્હી,રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં જેટ્રેકસુટ સેલનો ધંધો કરુ છું. મારી મુશ્કેલીમાં મદદરૂપ થનાર પત્રકાર રાજેન્દ્ર ઠક્કર, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, નીરવ મોતા, ઇરફાન લાખા, ડોકટર મનોજ પરમાર, અતુલજી, ડો. નીનાદનો તથા ધર્મશાળાનાં ચોકીદાર પ્રવિણભાઇનો આભારી છું.