અકસ્માત સર્જે એ પહેલા જર્જરીત ભાગ ઉતારી લેવા લોક માંગ
માણાવદરના ગાંધી ચોકમાં આવેલ નવાબી કાળનું બીલ્ડીંગ કે જેમાં લોકશાહીમાં અગાઉ તાલુકા પંચાયત બેસતી હતી તે બિલ્ડીંગ આજે પાયેથી ખખડી ગયું છે. તેની છતમાંથી ચુનાના પોડાં ખરે છે. અને દીવાલો, કમાનમાંથી પથ્થરો ગબડે છે. બિલ્ડીંગના પાછળના ભાગની કાળા પથ્થરની ચણાયેલી દિવાલ જોબ ખાઇ ગઇ છે. ને તેમાંથી કળા પાણા પડી રહ્યા છે. આ દિવાલને અડીખે જાહેર મૂતરડી આવેલી છે. તેનો ઉપયોગ જાહેર જનતા કરી રહી છે જો આ રાંગ-દીવાલ ગબડી પડી તો અહીં મેઇક વોટર માટે આવતા લોકો તેનો ભોગ બની શકે તેમ છે. કયાંય મૂતરડી ન હોવાથી લોકોને અહીં આવવું પડે છે.
બિલ્ડીંગના આગળના મુખ્ય દરવાજા પાસે બીલ્ડીંગ જોખમી હોવાનું પાટિયું મારેલું છે. ને બિલ્ડીંગની પ્રવેશ છત નીચે લાકડાના ટેકા ભરાવી રાખ્યા છે. આવા ટેકાથી તે ભૂસકી પડતું અટકી શકે તેમ નથી.
નવાબી કાળમાં એટલે સને 1942-43 માં આ બિલ્ડીંગ છેલ્લા નવાબે પોતાની માતા ફાતિમા સીદીકા બેગમની સ્મૃતિરુપે કેશર એ હિન્દ માર્કેટ નામથી બંધાવ્યું હતું. બિલ્ડીંગના નિર્માણમાં ર00 મજુરો કામે લાગ્યા હતા. અને તેમાં બર્માટિક સાગ, સાજડ અને સીસમના લાકડા તથા કાળા પથ્થરો વપરાયા છે. તેના દરવાજા બંધ કરવા ચાંદીના તાળા હતા.
નવાબી કાળ ખતમ થયા પછી લોકશાહીમાં આપણા પ્રાચીન આવા અવશેષો નષ્ટ થઇ રહ્યા છે. સરકારે તાકીદથી આ બિલ્ડીંગ પાડી નાખવાની જરુર છે. સમારકામથી તે બચી શકે તેમ નથી સરકાર વહેલી જાગે અને આ બીલ્ડીંગ કોઇનો ભોગ લે તે પહેલા જરુરી કદમ ઉઠાવે તેવા લોકોની માંગણી છે. અન્યથા લોકો આંદોલનના માર્ગે જવાનું વિચારી રહ્યું છે.