જેતપુરથી માણાવદર લગ્ન પ્રસંગમાં જતા પરિવારના ચાર ગંભીર: સેન્ટ્રોકાર, છકડો રિક્ષા અને બોરવેલનો ટ્રક અથડયા
જેતપુરના યુવા પત્રકાર અને ઘાચી સમાજના આગેવાન એજાજભાઇ બોઘાણી પરિવાર સાથે માણાવદર સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે માણાવદરના સરદારગઢ પાસે કાર, છકડો રિક્ષા અને બોરવેલનો ટ્રક અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એજાજભાઇ બોઘાણી સહિત છ ઘવાતા તમામને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પત્રકાર એજાજભાઇ બોઘાણીના માણાવદર રહેતા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી માતા રજીયાબેન અજીજભાઇ, પત્ની શમીમબેન, પુત્ર સોબાન અને નાના ભાઇની પત્ની ફિરદોશ સાથે સેન્ટ્રો કારમાં માણાવદર જવા નીકળ્યા હતા.
કાર માણાવદર નજીક સરદારગઢ પાસે પહોચી ત્યારે યમુના બોરવેલનો ટ્રક એક છકડો રિક્ષા અને સેન્ટ્રો કાર સાથે ધડાકાભેર અથડાતા કાર અને છકડો રિક્ષા દુર સુધી ખેતરમાં ફંગોળાયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા ૧૦૮ના પાયલોટ જસ્મીનભાઇ બાલાસરા અને ડોકટર પજ્ઞેશભાઇ ચૌહાણ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી એઝાજભાઇ બોઘાણી, રજીયાબેન, સમીમબેન, સોબાન અને ફિરદોષબેનને સારવાર માટે માણાવદર અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
એઝાજભાઇ બોઘાણી જેતપુરમાં વિવિઘ અખબાર સાથે પત્રકાર તરીકે જોડાયેલા છે. અને તેઓ ઘાચી સમાજના આગેવાન હોવાથી તેમના ખબર અંતર પૂછવા મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ હોસ્પિટલ પહોચી ગયા હતા.