- જુના મનદુઃખમાં રસ્તામાં આંતરી હત્યાને અપાયો’તો અંજામ
માણાવદરમાં ભાજપના સ્થાનિક આગેવાનની ધોળા દિવસે બે શખ્સોએ છરી, કુહાડીના ઘા ઝીકીને હત્યા કર્યાના બનાવમાં એક મહિલા સહીત પાંચ શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, જેમા પોલીસે મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.જેમા મુખ્ય બે સુત્રધારો હજુ ફરાર છે.
માણાવદરના શહેર ભાજપ અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખ જગદીશભાઈ લખમણભાઈ ઉલવા ઉ.વ.34ની રઘુવીરપરામાં બે શખ્સોએ છરીના ઘા ઝીકીને હત્યા કરી નખાઈ હતી. જે બનાવમાં મોડી રાતે તેમના કાકાના દીકરા મુળુભાઈ જીવાભાઈ ઉલવાની ફરિયાદ પરથી પોલીસે વેજા પોલા મોરી, હાર્દિક વેજા મોરી, પુરીબેન વેજા મોરી, રાજુ લખન કોડીયાતર અને એભા લખમણ કોડીયાતર નામના પાંચ શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર મરનાર સાથે આરોપીને અગાઉ માથાકૂટ થયેલ અને જે જુના મનદુ:ખમાં તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. વેજા અને હાર્દિક નામના પિતા-પુત્રએ છરીના ઘા ઝીક્યા હતા, જયારે પુરીબેને કુહાડી વડે હુમલો કર્યાનું જણાવ્યું છે. જયારે રાજુ અને એભા નામના શખ્સોએ હત્યા પહેલા રેકી કરીને મોબાઈલથી જાણ કરી હોવાનું સામે આવતા પોલીસે પાંચેય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમા પુરીબેન મોરી, રાજુ કોડીયાતર અને એભા કોડીયાતરની ધરપકડ કરી છે. જયારે અન્ય બે મુખ્ય હુમલાખોરો હજુ ફરાર છે.