માણાવદર પંથકમાં આદમખોર કૂતરાઓનો ત્રાસ: એક માસમાં મનુષ્યને બચકા ભર્યાની બીજી ઘટના
માણાવદર પંથકમાં હડકાયા કૂતરાઓનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. જેમાં એક માસ પહેલા માસુમ બાળકને ફાડી ખાધા બાદ ગઇ કાલે મોડી રાત્રીના એક આદમખોર કૂતરાએ વૃદ્ધાને પણ બચકા ભરી લેતા તેમની હાલત ગંભીર લાગી રહી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ માણાવદર તાલુકાના ભીતાણા ગામે રહેતા જીવુબેન કરણાભાઈ જડું નામના 95 વર્ષના વૃદ્ધા ગોડાઉનમાં સુતા હતા ત્યારે માનવભક્ષી હડકાયા કૂતરાએ બચકા ભરી લેતા તેમને ગંભીર હાલતમાં પ્રથમ માણાવદર બાદ જૂનાગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની મળતી માહિતી મુજબ જિવુબેન છેલ્લા બે – ત્રણ વર્ષથી પથારીવશ હોય અને ગઈ કાલે ગામમાં એક વૃદ્ધનું અવસાન થયા બાદ ભજન ચાલતા હતા. ત્યાર બાદ પરિવારજનોએ જીવુબેનને રાબેતામુજબ ગોડાઉનમાં સુવડાવ્યા હતા.
જ્યાં મોડી રાત્રીના એક આદમખોર કૂતરું આવી ચડ્યું હતું અને વૃદ્ધાને બચકા ભરવા લાગતા વૃદ્ધાએ બૂમાબૂમ કરી હતી. જેથી પરિવારજનો દોડી આવી લાકડીની મદદથી કૂતરાને તગડ્યું હતું. ત્યાર બાદ જિવુબેનને સારવાર માટે માણાવદર, ત્યાર બાદ જૂનાગઢ અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત હાલ ગંભીર લાગી રહી છે.
માણાવદરમાં માનવભક્ષી કૂતરાનો આતંક મનુષ્ય પર હુમલાનો બીજો બનાવ
માણાવદરમાં ગઇ કાલે મોડી રાત્રે ભિતાણા ગામમાં વૃદ્ધા પર હડકાયા કૂતરાએ હુમલો કરતા તેમની હાલત ગંભીર જણાઈ રહી છે. એક માસ પહેલા પણ માણાવદર જ તાલુકાના ગણા ગામે પણ ત્રણ કૂતરાઓએ રવીન્દ્ર નામના માસુમ બાળકને ફાડી ખાધો હતો. હજુ આ બનાવ વિસર્યો નથી ત્યાં ફરી એકવાર માનવભક્ષી કૂતરાએ લખણ જળકાવ્યા છે. કૂતરાઓનો વધતાં જતા મનુષ્ય પરના હુમલાના કારણે હવે તંત્ર પણ વિચારવા પર મજબૂર થયું છે.