સરકાર અને તંત્ર દ્વારા લોક ડાઉનમાં લોકોને ફરવાલાયક સ્થળે જવા માટેની આંશિક રાહત આપતા જૂનાગઢના ભવનાથ, સકકરબાગ, રો પવે, વિલીંગ્ડન ડેમ સહિતના ફરવા લાયક સ્થળ ખાતે રવિવારે કોરોના ની ત્રીજી લહેરની તૈયારીઓ ચાલી રહી હોય તે રીતે જાણે કીડિયારું ઊભરાયું હોય તેમ માનવ મહેરામણ ઉમટી પડયો હતો, હજારોની સંખ્યામાં એકીસાથે લોકો કોરોનાને ભૂલી કોરોના ગાઈડ લાઈન ના ખુલ્લેઆમ ચિથરા ઉડાડતા હોય તેવા દૃશ્યો સર્જાતા બુદ્ધિજીવીઓમાં આ બાબત ચિંતાનો વિષય બની જવા પામી છે.
ભવનાથ ખાતે પહોંચેલી હજારોની ભીડને રોકવામાં અને ગાઈડલાઈનનું પાલન કરાવવામાં પોલીસ તંત્ર પણ બિચારું અને વામણું પુરવાર થયુ હતું. લોકો હજારોની સંખ્યામાં ભવનાથ ખાતે રવિવારની રંગત માણી રહ્યા હતા. અને તંત્ર નરી આંખે કોરોના ની ગાઈડ લાઇનના ધજાગરા ઉડતા જોઈ રહ્યું હતું. જો કે, ભવનાથ જતા રાજમાર્ગ ઉપર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને ટ્રાફિક નિયમોના ભંગ કરનારા તથા મો પર માસ્ક પહેર્યા વગર ડ્રાઈવિંગ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારે સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ હરવા, ફરવા પહોંચી ગયા હતા, તેના કારણે રોપ વે એક કલાક વહેલો ચાલુ કરી દેવો પાડયો હતો અને રોપ વેમાં 5100 થી વધુ લોકોએ ગિરનારની સફર કરી હતી, જ્યારે સક્કરબાગ ઝુ ની 4165 લોકોએ મુલાકાત લીધી હતી.
ત્રીજી લહેરને જૂનાગઢ આમંત્રણ આપતું હોય તે રીતે લોકો નીકળી પડતા, પ્રબુધ્ધ લોકો ચિંતા કરી રહ્યા છે કે, હજુ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે અને જૂનાગઢ શહેરમાંથી કોરોના સાવ નેસ્ત નાબુદ થયો નથી. ત્યારે લોકો પોતાના નાના બાળકો સાથે ભવનાથ અને ફરવા લાયક સ્થળો એ સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી, મોઢા ઉપર માસ્ક પણ ન રાખી, બિન્દાસ ફરી રહ્યા છે, વેપારીઓ ગાઈડ લાઈનના ધજાગરા ઉડાડી રહ્યા છે. જે જુનાગઢ માટે આવતા દિવસોમાં ચિંતાનો વિષય બની શકે છે. આ મજા ભવિષ્યની સજા ન બની જાય તે માટે પોલીસે શનિ, રવિ અને રજાના દિવસોમાં આ બાબતે સખ્તાઈ રાખવી પડશે, વહીવટી તંત્રે આ બાબતે વિચારવું પડશે, નહીંતર જુનાગઢના લોકોની શનિ રવિ અને રજાના દિવસોની રંગત ભવિષ્યમાં ખૂબ ભારે પડશે. તેવું શિક્ષિત અને સમજુ લોકો જણાવી રહ્યા છે.