માણસની મનોસ્થિતિ જ સંસારમાં સ્વર્ગ અને નર્કનું નિર્માણ કરે છે તેવું આજરોજ ‘અબતક’ની ખાસ મુલાકાતે આવેલા ઓશો સંન્યાસીની ડો.માધવી પાંચાલ (માં પ્રેમ)એ કહ્યું હતું.
સત્યપ્રકાશ આશ્રમ ખાતે બે દિવસીય શિબિરમાં લોકોને માર્ગદર્શન આપવા રાજકોટ આવેલા ડો.માધવી પાંચાલે ઉમેર્યું હતું કે, ધ્યાન દરેક વ્યક્તિ કરે છે. પરંતુ લોકોનું ધ્યાન ખોટી દીશામાં હોય છે. સાચી દીશામાં ધ્યાન કરવામાં આવે તો અનેક પ્રકારે ફાયદો થઈ શકે છે. આજની પરિસ્થિતિ અંગે સમજાવતા તેમણે કહ્યું હતું કે, આધુનિક સમયમાં સભ્યતાનો વિકાસ તો થયો છે પરંતુ મનુષ્યતાનો વિકાસ થયો નથી.
તેમણે સંસાર ત્યાગની વ્યાખ્યા મામલે કહ્યું હતું કે, જે ભોગવે છે તે ત્યાગી છે અને જે ત્યાગી છે તે જ ખરા અર્થમાં ભોગવે છે. સમાજને આઝાદી મળી છે પરંતુ માનસીક ગુલામીમાં જીવન વ્યતીત થઈ રહ્યું છે. જે લોકો શરીરને નથી જાણતા તે મનને નથી જાણતા અને જે મનને નથી જાણતા તેઓ આત્માને કેવી રીતે જાણી શકે. આપણી શિક્ષણ પધ્ધતિ જ ખોટી છે. નાનપણથી જ બાળકને એક સીમામાં બાંધી દેવામાં આવતો હોવાનો મત તેમણે વ્યકત કર્યો હતો.
તેમણે અજાગૃત મન અંગે કહ્યું હતું કે, સબ કોન્સીયન્સ માઈન્ડ તમે ઈચ્છો તે બનાવી શકે છે. નાનપણથી જ બાળકને સબ કોન્સીયન્સ માઈન્ડમાં અમુક પ્રકારનો ડર બેસાડી દેવામાં આવે છે. જે બાળક ઓર્ડીનરી કામ નથી કરી શકતો તે એકસ્ટ્રા ઓર્ડીનરી કામ માટે જન્મ્યો છે. તે સમાજને સમજવું જરૂરી છે. કેટલાક કહેવાતા ધર્મગુએ પણ લોકોને ધાર્મિક ડર બતાવી પોતાના વશમાં રાખવા પ્રયાસ કર્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
તેમણે કામની મહત્વતા અંગે કહ્યું હતું કે, તમે શું કામ કરો છો તે મહત્વનું નહીં પરંતુ કેવી રીતે કરો છો તે મહત્વનું છે. જો કામ ગમતુ મળતું હોય તો ગમા અણગમાનો પ્રશ્ર્ન રહેતો નથી. કામથી થાક લાગતો નથી. તેમણે ઓશોના પુસ્તક અનહદ નાદની મહત્વતા સમજાવતા કહ્યું હતું કે, મેં એ પુસ્તક વાંચ્યું છે જેમાં તમામ પ્રશ્ર્નોના જવાબ છે.
ઓશો સન્યાસીની ડો.માધવી (માં પ્રેમ) રૂષિકેશમા રંગરેજ ઓશો ગૃહ ચલાવે છે. ભારતભરમાં ધ્યાન શિબીરો કરે છે. તાજેતરમાં અમદાવાદ અને બરોડા બાદ હવે તેઓ રાજકોટમાં શિબિર કરી રહ્યાં છે. ડો.માધવી પાંચાલ રૈકી, હીલીગમાં માસ્ટર છે. તેઓ અખિલ ભારતીય નેશનલ માનસ પરિવારમાં નેશનલ ઓર્ગેનાઈઝર છે તેમજ ઓલ ઈન્ડિયા રેડીયો આકાશવાણીમાં પ્રેઝન્ટર છે.