ફિક્સ ડિપોઝીટ પર ઉંચુ વ્યાજ આપવાની લોભામણી લાલચ આપી આચર્યું કૌભાંડ: જિલ્લા રજિસ્ટ્રાર અને યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

વેપારીઓની ડેઈલી બચત અને શેર હોલ્ડરોની થાપણ ચાંઉં કરી જતા રોકાણકારોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

શ્રી સંકલ્પ સિધ્ધ ક્રેડીટ કો.ઓપ.સોસાયટી કે જે પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ ખાતે આવેલું છે. તેણે આશરે ૫૦૦ નાના માણસોના અંદાજે ૪ કરોડ રૂપિયા ચાઉં કરી નાખ્યાની વિગતો પ્રકાશમાં આવી છે. મંડળીએ ઉચ્ચા વ્યાજની અલગ અલગ આકર્ષક રોકાણ સ્કીમ દ્વારા ૩ થી ૪ કરોડનું ઉઘરાણું કર્યું હતું. અને છેલ્લા ઘણા સમયથી આશરે ૫૦૦થી વધુ માણસોએ રોકેલ રકમ મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં થાપણમાં રોકાણ કરનાર કેટલાયને ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

વર્ષ ૨૦૧૮માં શરૂ થયેલી સંકલ્પ સિધ્ધ ક્રેડીટ કો.ઓ. સોસાયટી દ્વારા ડેઈલી બચત સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જેમાં નાના-નાના વેપારીઓ તેમજ માણસો પાસેથી દરરોજ રૂા.૫૦ થી માંડી ૫૦૦ સુધીનું કલેકશન કરવામાં આવતું હતું. લોકો બચતના નામે રોકડ રકમ જમા કરાવી ઉચ્ચા વ્યાજદરની અપેક્ષા રાખી રહ્યાં હતા.

vlcsnap 2020 06 13 13h53m58s62

સામાન્યત: આ પ્રકારની ક્રેડીટ સોસાયટી ડેઈલી બચત સ્કીમ પર ૯ ટકાનું વાર્ષિક વ્યાજ આપતા હોય છે. પરંતુ આ પેઢી દ્વારા ૧૧ ટકા વ્યાજ આપવાની લોભામણી લાલચ આપી લોકો પાસેથી મોટી રકમની ઉઘરાણી કરવામાં આવી હતી.

આ પ્રકારે કુલ ૫ એજન્ટ મારફત આશરે ૨.૫ કરોડ રૂપિયા તેમજ અન્ય ફિકસ ડિપોઝીટ સ્કીમના માધ્યમથી આશરે ૧.૫ કરોડ રૂપિયાની ઉઘરાણી કરી પરત આપવામાં સંકલ્પ સિધ્ધ ક્રેડીટ કો.ઓ.સોસાયટી ઠાગાઠૈયા કરતી હોવાથી નાના માણસો હેરાન-પરેશાન થયા છે. ગરીબોની ‘ખુન પશીના’ની કમાણી પેઢી દ્વારા ચાઉં કરી લેવાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે.

ગંભીર બીમારીથી પીડિતના ૪૫ લાખ રૂપિયા મંડળીમાં ફસાયા

કોઠારીયા રોડ પર રહેતા અને બન્ને કીડની કામ કરતી ન હોવાથી સારવાર અને ઘર ખર્ચની વ્યવસ્થા માટે ઘરેણા મુકીને શરાફી મંડળીમાં માસીક વ્યાજની શરતે પતિ-પત્નીના નામે કુલ ૪૫ લાખની અલગ અલગ ૮ એફડી કરાવનાર પથારીવશ યુવક રાજેશ ધાનાણીને મંડળી સંચાલકોએ ૫ માસથી વ્યાજ દેવાનું બંધ કરી મુળ રકમ પરત કરવામાં પણ હાથ ઉંચા કરી દીધાનો મામલો હાલ જિલ્લા રજિસ્ટ્રાર સુધી પહોંચ્યો છે. મરણ મુડી પરત મેળવવા ૬ માસથી ધક્કા ખાઈ રહેલા અને અનેક સ્થળે ફરિયાદ કરનાર દંપતિએ પૈસા પરત નહીં મળે તો આત્મહત્યા કરવાની અને બન્નેના મોત માટે શરાફી મંડળી તેમજ જવાબદાર અધિકારીઓ અને સરકારની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી છે. તમામ એફડીની રિસીપ્ટ તેમજ સર્ટીફીકેટ દંપતિને સોંપવામાં આવ્યા છે જે પુરાવા તરીકે સાથે રાખી દંપતિ અનેક સ્થળોએ રજૂઆત કરી રહી છે. રાજેશ ધાનાણી અને તેની પત્ની જાગૃતિબેન ધાનાણીએ જિલ્લા રજિસ્ટ્રારને કરેલી અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે, તેમણે વર્ષ ૨૦૧૮થી યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીક આવેલ સંકલ્પ સિદ્ધ ક્રેડીટ કો.ઓ. સોસાયટીમાં પતિ-પત્નીના નામે જુદી જુદી કુલ ૮ એફડીઓના માધ્યમથી કુલ રૂા.૪૫ લાખ જમા કરાવ્યા હતા. જેમાં તેમણે માસીક વ્યાજની શરતે આ રૂપિયા જમા કરાવ્યા હોય પ્રાથમિક તબક્કામાં મંડળી દ્વારા દર મહિને રૂા.૪૦,૦૦૦ વ્યાજ પેટે ચૂકવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અચાનક જ રૂપિયા આપવાનું બંધ કરી દેતા રાજેશભાઈ અને તેની પત્નીએ શરાફી મંડળીના ચેરમેન અંશુમન દવેને રજૂઆત   કરતા અવાર-નવાર મુદતો આપી હતી અને ત્યારબાદ કહ્યું હતું કે, હવે મારી પાસે કોઈપણ જાતની મુડી છે નહીં તો જ્યારે પૈસા આવશે ત્યારે જ તમારૂ ચૂકવણું કરી શકીશ. રાજેશ ધાનાણીએ મામલામાં પોલીસ તંત્રને પણ અરજી કરી હતી જે અરજીમાં તેણે લખ્યું હતું કે, જો મને મારી મરણ મુડી નહીં મળે તો હું અને મારી પત્ની બન્ને આપઘાત કરીશું.

જેના પગલે રાજેશ ધાનાણી સાથે પડ્યા માથે પાટુ જેવી ઘટના બની હતી. પોલીસ તંત્રએ દંપતિને તાત્કાલીક ધોરણે મામલતદાર કચેરી ખાતેથી જામીન લેવા જણાવ્યું હતું. નહીંતર દંપતિની ધરપકડ આત્મહત્યાની ચિમકી અનુસંધાને કરવામાં આવશે. જેના કારણે બન્ને દંપતિએ ખુબ આર્થિક સંકળામણ ભોગવી હતી. મામલો યુનિવર્સિટી પોલીસ મથક સુધી પહોંચતા પીએસઆઈ પી.એ.ગોહેલે દંપતિ તેમજ ચેરમેન અંશુમન દવેને બોલાવી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જે મુલાકાત દરમિયાન અંશુમન દવેએ સ્પષ્ટ શબ્દમાં હાલ પૈસા નહીં હોવાનું જણાવતા દંપતિની મરણ મુડી ખાડે ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ પરિણમી હતી. રાજેશ ધાનાણી કિડનીની બીમારીથી પીડાતો હોય સારવાર અર્થે રોકડ રકમની તાતી જરૂરીયાત પડતી હોય પરંતુ આ ઘટનાને પગલે દંપતિ રસ્તા પર આવી ગયું હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. રાજેશ ધાનાણી હાલ યેનકેન પ્રકારે તેની મરણ મુડી તેને પરત મળે તે માટે કચેરીએ-કચેરીએ ધક્કા ખાઈ રહ્યો છે.

જો મંડળી પૈસા નહીં આપે તો અમે લોકોને તેમની મુડી ક્યાંથી આપીશું: એજન્ટ તુષાર પરમાર

vlcsnap 2020 06 13 13h53m08s77

મામલામાં સંકલ્પ સિદ્ધ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી ખાતે કામ કરતા તુષાર પરમારે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે અહીં કલેકશનનું કામ કરી રહ્યાં હતા. લોકડાઉન પૂર્વે સુધી તમામ બાબત સારી ચાલી રહી હતી. પરંતુ લોકડાઉન બાદ અમને ફટકો લાગ્યો જ્યારે ચેરમેન અંશુમન દવેએ કહ્યું કે, હાલ તે ગરીબોની મરણમુડી જે અમે તેમને જમા કરાવી હતી તે આપી શકશે નહીં. ત્યારે અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અમારા પણ ગત ૪ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. તેમજ મંડળીમાં અમે અમારા પરિવારજનોના નામે ડેઈલી બચત સ્કીમ શરૂ કરેલી હતી તે પૈસા પણ હાલ ડુબી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. હાલ જે કોઈ લોકોના પૈસા અમે ઉઘરાવ્યા છે તેઓ કહે છે કે, અમે તમને ઓળખીએ છીએ, અમે પૈસા તમને આપ્યા છે તો તમારે જ અમારા પૈસા પરત આપવા જોશે, અમે કોઈ મંડળી કે ચેરમેનને ઓળખતા નથી. આ પૈસા નાના વેપારી તેમજ ગરીબ વર્ગના છે જેથી કોઈપણ સંજોગોમાં પૈસા ડુબે તો ચાલે તેમ નથી. પરંતુ અમે પણ ૫૦ લાખ રૂપિયા સુધીની રકમની ઉઘરાણી કરી છે તો આ માતબર રકમ ક્યાંથી લાવીશું તે એક મોટો પ્રશ્ર્ન અમારા મગજમાં ભમી રહ્યો છે.

નાના-માણસોની આશરે રૂ.૭૦ લાખની મરણ મુડીનું કલેકશન કરી મંડળીને આપ્યું: એજન્ટ જીતેન્દ્રસિંહ જાડેજા

vlcsnap 2020 06 13 13h53m00s0

આ અંગે સંકલ્પ સિદ્ધ ક્રેડિટ કો.ઓ. સોસાયટીના એજન્ટ જીતેન્દ્રસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું અગાઉ ગોંધીયા હોસ્પિટલ ખાતે નોકરી કરતો હતો. પરંતુ હોસ્પિટલ તંત્ર બદલાતા મેં મારી નોકરી ગુમાવી હતી. ત્યારબાદ થોડા સમય સુધી હું ડ્રાઈવીંગ કરતો હતો તે દરમિયાન સમાચાર પત્રોમાં સંકલ્પ સિદ્ધ ક્રેડિટ કો.ઓ. સોસાયટી ખાતે સ્ટાફની જરૂરીયાત હોય તેવી જાહેરાત જોઈ પેઢીની મુલાકાત લીધી હતી જ્યાં મને ઓફિસ વર્ક માટે રાખવામાં આવ્યો હતો. પરંતુ સમય જતાં એજન્ટની જરૂરીયાત પડતા મને એજન્ટ તરીકેની નોકરી આપવામાં આવી હતી. મને દરરોજ દુકાને-દુકાને જઈ કલેકશન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હું વર્ષ ૨૦૧૮થી મંડળીમાં નોકરી કરતો હતો. હાલ સુધીમાં મેં આશરે ૭૦ લાખ રૂપિયાનું કલેકશન કરી મંડળીને આપ્યું છે. મારા થકી આશરે ૧૦૦ જેટલી ચોપડીઓ શરૂ થઈ છે. ઈ-કલેકટ નામની એપ મંડળી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેમાં અમારે દરરોજનું કલેકશન ઓનલાઈન બતાવવાનું હોય છે. તેમજ પછીના દિવસે રકમ જમા કરાવવાની હોય છે. અમારા તમામ ચોપડી ધારકો નાના-નાના માણસો છે જે પેટે પાંટા બાંધીને દરરોજ રૂા.૫૦ થી ૫૦૦ સુધીની મુડી જમા કરાવતા હોય છે. લોકડાઉન પહેલા સુધી બધુ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પરંતુ લોકડાઉનના સમયગાળા દરમિયાન પરિસ્થિતિ કથળી હતી. મંડળીના ચેરમેન અંશુમન દવેએ અમને કહ્યું હતું કે, હાલ તમામ ઉદ્યોગ-ધંધા બંધ છે જેના પરિણામે કોઈ પાસે કલેકશન કરવું નહીં કે આપણે પણ કોઈને મુડી આપી શકીશું નહીં. લોકડાઉન હળવું થશે ત્યારબાદ ફરીવાર રાબેતા મુજબ આપણે કામ શરૂ કરીશું. લોકડાઉનમાં છુટછાટ મળ્યા બાદ જે લોકોની મુદત પૂરી થઈ હોય અને તેઓ પોતાની મરણ મુડી ઝંખી રહ્યાં હોય તેમણે અમને રજૂઆત કરી કે હવે અમને અમારી મુડી પરત આપી દેવામાં આવે. જે બાબતે અવાર-નવાર ચેરમેન અંશુમન દવેને રજૂઆત કરવા છતાં મુદતો સીવાય અમને કશું પ્રાપ્ત થયું નહીં. જ્યારે ચેરમેન અમને અંતિમવાર મળ્યા ત્યારે તેમણે કહ્યું કે, હાલ મારી પાસે કોઈપણ જાતની મુડી નહીં હોવાથી હું કોઈને પણ તેમની રકમ પરત આપી શકુ તેમ નથી. મારી પાસે જે પ્રોપર્ટી છે તે વેંચીને રકમ પરત કરીશ પરંતુ ક્યારે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

ત્યારબાદ અમે પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરી હતી પરંતુ હાલ સુધી કોઈપણ જાતનો નિવેડો આવ્યો નથી. નાના માણસોની મરણ મુડી જાણતા-અજાણતા અમે ડુબાડી દીધી હોય તેવી લાગણી ઉદ્ભવી છે. લોકો અમારી પાસે અપેક્ષા રાખીને બેઠા છે. ત્યારે અમે ફકત આશા સીવાય બીજુ કંઈ પણ આપવા સક્ષમ નથી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.