ગુજરાત હાઈકોર્ટે કેટલાક સમયથી ચાલી રહેલા મોલ મલ્ટીપ્લેકસોના સંચાલકોની પાર્કિંગ ચાર્જ વસુલવાની માંગ અંગે આજે કોર્ટમાં વિચાર-વિમર્શ કર્યો હતો. મોલ અને મલ્ટીપ્લેકસના સંચાલકોની જાટકણી કાઢતા કહ્યું હતું કે, પાર્કિંગ ચાર્જ વસુલવાની તેમની કોઈ સત્તા જ નથી.
ઉલ્લેખનીય છે કે, ગત ઓકટોમ્બરે હાઈકોર્ટે મોલ અને મલ્ટીપ્લેકસમાં પાર્કિંગ ચાર્જ વસુલ કરવાની પરવાનગી આપવા અંગે કામચલાઉ રાહત આપી હતી તે સમયે હાઈકોર્ટે પ્રથમ એક કલાક માટે પાર્કિંગ ફ્રિ રાખવા અને ત્યારબાદ ચાર્જ વસુલ કરવાનું કહ્યું હતું. એક કલાક બાદ ટુ-વ્હીલર માટે રૂ.૨૦ અને ફોર વ્હીલર માટે રૂ.૩૦ વસુલવાનું કહેવાયું હતું.
જે મોલ સંચાલકો કે મલ્ટીપ્લેકસ ધારકો હાઈકોર્ટના આદેશનું પાલન નહીં કરે તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવાની પણ કોર્ટે તાકીદ કરી હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ મોલ, મલ્ટીપ્લેકસના સંચાલકોએ કોર્ટમાં અપીલ કરી હતી. જેમણે સિંગલ જજના હુકમને ડીવીઝન બેંચ સામે પડકાર્યો હતો. ત્યારે આ હુકમ રદ્દ કરવામાં આવ્યો ત્યારે હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો હતો કે, મોલ, મલ્ટીપ્લેકસ સંચાલકો પાર્કિંગ ચાર્જ વસુલી શકે નહીં.