રોકાણકારોની બોગસ સહી કરી બારોબાર રૂા.69.67 લાખની બારોબાર લોન કૌભાંડ આચયુર્ં: શ્રી હરી પ્રસાદ શરાફી મંડળીના ચેરમેન સામે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતો ગુનો
શહેરમાં અનેક ક્રેડિટ સોસાયટીના ઉઠમણા થયા છે. સહકારી મંડળીમાં કરેલા મોટી રકમના રોકાણ ફસાયા હોવા છતાં વધુ વ્યાજ મેળવવાની લોભામણી લાલચમાં ફસાતા હોય છે. કેનાલ રોડ પર નિર્મલ કોમ્પ્લેક્ષમાં આવેલી શ્રી હરી પ્રસાદ શરાફી સહકારી મંડળીના ચેરમેને બોગસ સહીના આધારે પોતાની જ મંડળીમાં લોન કૌભાંડ આચરી રૂા.1.10 કરોડનું ફુલેકુ ફેરવ્યાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના 150 ફુટ રીંગ રોડ પર સાંઇનગર મેઇન રોડ પર અમરનાથ મંદિર પાસે રહેતા પ્રદ્યુમનસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ કેનાલ રોડ પર નિર્મલ કોમ્પ્લેક્ષમાં આવેલી શ્રી હરી પ્રસાદ શરાફી સહકારી મંડળીના ચેરમેન કાર્તિક ધીરૂભાઇ સાગર અને મંડળી સાથે જોડાયેલા અન્ય શખ્સોએ બોગસ સહીના આધારે લોન કૌભાંડ આચરી રૂા.1.10 કરોડની છેતરપિંડી કર્યાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રદ્યુમનસિંહ વાઘેલા શ્રી હરી પ્રસાદ શરાફી સહકારી મંડળીના ચેરમેન કાર્તિક સાગરના પરિચયમાં આવતા તેઓએ 2017માં પોતાના પરિવારના 23 સભ્યની રૂા.1,09,80,000ની ફીકસ ડીપોઝીટ કરાવી હતી. શ્રી હરી પ્રસાદ શરાફી સહકારી મંડળી દ્વારા ફિકસ ડીપોઝીટ ઉપરાંત ડેઇલી અને મંથલી બચતના બહાને મોટી સંખ્યામાં રોકાણકારો પાસેથી મોટી રકમ મેળવી હતી.
પ્રદ્યુમનસિંહ વાઘેલાના પરિવારના 23 સભ્ય પૈકી દસ સભ્યની બોગસ સહી કરી પ્રાંજલી સંતોકીને રૂા.40.13 લાખની લોન કરી આપી હતી. અને તેમાં દસ સભ્યોને જામીનગીરી તરીકે દર્શાવ્યા હતા. પ્રદ્યુમનસિંહ વાઘેલાના પરિવારના દસ સભ્યોની સહમતી વિના અને જાણ બહાર બોગસ સહીથી લોન કૌભાંડ આચ્યાની તેમજ અન્ય રોકાણકારોની રકમ મળી રૂા.1.10 કરોડની છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, પી.આઇ. વાય.બી.જાડેજા અને રાઇટર વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ ગીરીરાજસિંહ સહિતના સ્ટાફે શ્રી હરી પ્રસાદ શરાફી સહકારી મંડળીના ચેરમેન કાર્તિક સાગર સહિતના શખ્સો સામે બોગસ દસ્તાવેજના આધારે લોન કૌભાંડ આચર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.