1500 જેટલા રોકાણકારોને લોભામણી લાલચ દઇ 2018માં ફુલેકુ ફેરવી  ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો

ધરપકડ સામેનો સ્ટે હટાવવામાં આવતા છ વર્ષ બાદ રિજિયોનલ મેનેજર અકરમ અંસારી પાંચ દિવસ રિમાન્ડ પર

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વિશ્વા મિત્ર ક્રેડિટ સોસાયટીની બ્રાન્ચ શરુ કરી નાના રોકાણકારોને લોભામણી સ્કીમમાં ફસાવી 1500 જેટલા રોકાણકારો સાથે 600 કરોડની છેતરપિંડી કરવાનું 2018માં પોલીસમાં નોંધાતા વિશ્વા મિત્ર ક્રેડિટ સોસાયટીના રિજિયોનલ મેનેજર અકરમ અંસારીએ સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે દ્વારા સ્ટે હટાવી લેવામાં આવતા મેનેજર અકરમ અંસારીની સીઆઇડી ક્રાઇમના સ્ટાફે ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

રાજકોટ સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્રેડિટ સોસાયટીના નામે હજારો લોકોના ફુલકા ફેરવી નાખ્યાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ગ્રાહકોને રોકાણના બદલામાં આકર્ષક વ્યાજ આપવાની લાલચ આપીને તેમની પાસેથી મોટી રકમ લઈ લેવામાં આવે છે અને ત્યાર પછી થોડા સમય સુધી વ્યાજ આપીને રફુચક્કર થઈ જવાના અનેક કિસ્સા બન્યા છે ત્યારે રાજકોટના અકરમ અંસારી નામના શખ્સ સહિતની ટોળકીએ ગુજરાતના 1500 લોકોનું 600 કરોડનું ફુલેકું ફેરવી નાખી ફરાર થઈ ગયા હતા. જો કે હવે સીઆઈડી ક્રાઈમે તેની ધરપકડ કરીને રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટમાં વર્ષ 2018ની સાલમાં વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટી નામે એક ‘દુકાન’ ખોલવામાં આવી હતી અને તેના થકી અનેક લોકો પાસેથી મોટી રકમ લેવામાં આવી હતી. રાજકોટ ઉપરાંત જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિત આખા ગુજરાતમાં વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટીની બ્રાન્ચો ખોલવામાં આવી હતી અને તેમાં 1500 લોકો પાસેથી અંદાજે 600 કરોડથી વધુની રકમનું રોકાણ લઈને આખી પેઢી જ ઉઠી જતાં અનેક રોકાણકારની મરણમૂડી ડૂબી જવા પામી હતી.રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યો દરમિયાન આ કૌભાંડમાં રાજકોટમાં જ રહેતાં અકરમ અંસારીનું નામ ખુલ્યું હતું જે અહીંની બ્રાન્ચમાં રિજિયોનલ મેનેજર તરીકે કામ કરતો હતો.

આ મામલે ફરિયાદ નોંધાતાં અકરમ સહિતના શખ્સોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની ધરપકડ સામે સ્ટે મેળવી લીધો હતો જે કેસ ચાલી જતાં કોર્ટે સ્ટે હટાવતાંની સાથે જ સીઆઈડી ક્રાઈમના પીઆઈ ચૌહાણ સહિતના સ્ટાફે અકરમની ધરપકડ કરીને તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2018માં થયેલું આ કૌભાંડ તે સમયે ખૂબ જ ગાજ્યું હતું કેમ કે આખા ગુજરાતના લોકો તેનો શિકાર બન્યા હતા અને પોતાની મરણમૂડી ગુમાવી દીધી હતી.

આ પછી પોતાની રકમ પરત મેળવવા માટે લોકોએ કચેરીઓના પગથીયા ઘસી નાખ્યા હતા છતાં તેમને પોતાની જ રકમ પરત મળી રહી નહોતી.આકરી પૂછપરછ શરૂ અકરમ મુળ રાજકોટનો છે અને મેનેજર તરીકે તેણે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉસેડી લીધા હોવાનો ગુનો નોંધાયો હતો પરંતુ તેણે કોર્ટનું શરણું લઈને ધરપકડ પર સ્ટે લઈ લીધો હતો. હવે આ મામલે સીઆઈડી ક્રાઈમે અકરમની ધરપકડ કર્યા બાદ તેની સાથે સાથે આ કૌભાંડમાં કોણ કોણ સામેલ હતું અને કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોણ તે સહિતના મુદ્દે આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.