પંજાબથી છ માસથી હેરોઇન અને અફિણ લાવી ઝાલાવાડ પંથકમાં વેચાણ કરતો હોવાનો ઘટ્ટસ્ફોટ

ધ્રાંગધ્રાં તાલુકાના ચુલી ગામ ખાતે આવેલી પંજાબી ધાબાના સંચાલક હેરોઇન અને અફિણનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી સ્ટાફે દરોડો પાડી રુા.7.50 લાખની કિંમતના હેરોઇન અને અફિણ સાથે પંજાબી શખ્સની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ પંજાબના તરંગતાલ જિલ્લાના વતની અને ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે સ્થાયી થઇ પંજાબી ધાબાના નામે વ્યવસાય કરતા ભોહરસિંગ નિરંજનસિંગ જાટ નામનો શખ્સ પોતાના પંજાબી ધાબા ખાતે હેરોઇન અને અફિણનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પી.આઇ. એસ.એમ.જાડેજા, એએસઆઇ ડાયાલાલ મોઘરીયા, રવિભાઇ અલગોતર, મગનભાઇ રાઠોડ, પ્રવિણભાઇ આલ, કોન્સ્ટેબલ મુન્નાભાઇ રાઠોડ અને અનિરુધ્ધસિંહ ઝાલા સહિતના સ્ટાફે પંજાબી ધાબાના પાર્કીંગમાં દરોડો પાડી ડીએલ14સી 1618 નંબરની કારમાં છુપાવેલું રુા.7.45 લાખની કિંમતનું 149 ગ્રામ હેરોઇન અને રુા.2300ની કિંમતનું 92 ગ્રામ અફિણ મળી આવતા ભોહરસિંગ જાટની ધરપકડ કરી કાર કબ્જે કરી છે.

ભોહરસિંગ જાટ હેરોઇન અને અફિણ કયાંથી લાવ્યો અને કેટલા સમયથી કયાં વેચાણ કરતો તે અંગેની પોલીસ દ્વારા પૂછપરછ કરતા તે પંજાબથી હેરોઇન અને અફિણ છેલ્લા છ માસથી લાવી સુરેન્દ્રનગર પંથકમાં વેચાણ કરતો હોવાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.